લાલપુર : PSIના ભાઈની હત્યા પ્રકરણમાં એક આરોપીની ધરપકડ

0
1430

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામના વતની અને હાલ અમદાવાદમાં ફરજ બજાવતા એક પીએસઆઇ ના ભાઈ ની જૂની અદાવત ના કારણે જામજોધપુરના પોલીસ કોન્સ્ટેબલ અને તેના પિતા સહિત ત્રણ શખ્સો દ્વારા હત્યા નિપજાવી હોવાથી ત્રણેય સામે હત્યા અંગેનો અપરાધ નોંધાવ્યા પછી પોલીસે એક આરોપીની ધરપકડ કરી લઈ જેલ હવાલે કર્યો છે.

મૃતકની ફાઇલ તસ્વીર

જ્યારે હત્યારા આરોપી પોલીસમેન અને તેના પિતા ભાગી છૂટયા હોવાથી પોલીસે તેના આશ્રય સ્થાનો પર દરોડા પાડી શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વિરેન્દ્રસિંહ છોટુભા જાડેજા નામના ૨૭ વર્ષના ખેડૂત રાજપૂત યુવાન પર ગત ૨૪મી તારીખે હુમલો કરી હત્યા નિપજાવાઇ હતી, જેના ભાઈ અમદાવાદમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે.
ઉપરોક્ત હત્યાના બનાવ અંગે જામજોધપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ જગદીશસિંહ જાડેજા અને તેના પિતા જગદીશ જાડેજા ઉપરાંત તેના સંબંધી કુંદનસિંહ રામભા જાડેજા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. લાલપુર પોલીસે ૩૦૨ સહીતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યા પછી ફરારી આરોપીઓને પકડવા માટે કોમ્બિંગ હાથ ધર્યું હતું જે કોમ્બિંગ દરમિયાન કુંદનસિંહ રામભા જાડેજા નામના એક આરોપીને ઝડપી લીધો હતો, જેને ગઈકાલે અદાલત સમક્ષ રજૂ કરાતાં અદાલતે તેને જેલમાં ધકેલી દેવા હુકમ ફરમાવ્યો હતો. જામજોધપુરના પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજા અને તેના પિતા જગદીશ સિંહ જાડેજા કે જેઓ હત્યાના બનાવ પછી ભાગી છૂટ્યા હોવાથી પોલીસે બંનેને પકડવા દોડધામ શરૂ કરાઇ છે.
બંનેના મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતા હોવાથી પોલીસ દ્વારા કોલ ડીટેઇલ કઢાવાઇ હતી, અને તેઓનું મોબાઈલ ટાવર લોકેશન મેળવવા માટેના પણ પ્રયત્નો કરાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here