ખંભાલીયા : યુવાને આર્મીની પરીક્ષા પાસ કરી પણ નોકરી ન મળી, ચીટર આપ પ્રમુખ સસ્પેન્ડ,ધરપકડ

0
1117

જામનગર અપડેટ્સ : જામ ખંભાલીયામાં બે ઉમેદવારોએ દ્વારકા ખાતેની આર્મીની પરીક્ષા પાસ કર્યા બાદ પણ નોકરીથી વંચિત રહ્યા છે. કારણ કે, બંને ઉમેદવારોને ટકી ગયેલ રાજકીય ગઠીયાએ ધોરણ દસની દિલ્લી ખાતેની સંસ્થાની બોગસ માર્કશીટ આપી હોવાનું ખુલતા સનસનાટી પ્રસરી ગઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ અને વકીલાત કરતા સખ્સે આ ઠગાઈ આચરી હોવાનું  સામે આવ્યું છે. પોલીસે તેની સામે છેતરપીંડીની ફરિયાદ દાખલ કરી છે. બીજી તરફ આપ પાર્ટી દ્વારા પ્રમુખને સસ્પેન્ડ કર્યા છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના ઉગમણા બારા ગામના પ્રવીણસીહ પથુભા વાઘેલાના પુત્ર વીરમદેવસીહ તથા તેના સંબંધીના પુત્ર જયપાલસીહ મહેન્દ્રસીહ રાઠોડ અને પ્રદયુમનસીહ દોલુભા રાઠોડ રહે. બંને ગોઇન્જ તા. ખંભાળીયા વાળા સને- ૨૦૧૭ની ગુજરાત બોર્ડમાં નાપાસ થયા હતા. આ જ વર્ષે ત્રણેયની કોઇપણ જાતની પરીક્ષા કે ફોર્મ ભર્યા વગર તેઓને વિશ્વાસ અને ભરોસો આપી પ્રવીણસિંહને રૂપિયા ૨૭ હજાર અને અન્ય બે વિદ્યાર્થીઓના રૂ. ૧૫-૧૫ હજારની રકમ લઇ દ્વારકા જીલ્લાના આપના પ્રમુખ અને હાલ કજુરડા ગામના પાટિયા પાસે રહેતા કારૂભાઇ જીવણભાઇ ભાન ગઢવીએ દીલ્હી રાજય બોર્ડની માન્યતા ધરાવતી રાષ્ટ્રીય મુકત વીધાલય શીક્ષા સંસ્થાનના નામે ના ધોરણ – ૧૦નું બોગસ બનાવટી સર્ટી બનાવી આવ્યું હતું. જેના થકી પ્રવિણસિંહના પુત્રએ ધોરણ ૧૧-૧૨ પાસ કરી કોલેજના બીજા વર્ષ સુધી અભ્યાસ પણ કર્યો છે. હાલ તે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.

દરમિયાન આ જ વર્ષે દ્વારકા ખાતે આર્મીની ભરતી આવતા પ્રવીણસિંહના પુત્ર વિરમદેવસિંહે ભરતી પ્રક્રિયામાં ભાગ લઇ ફીજીકલ અને લેખિત તથા મેડીકલ પરીક્ષા પાસ કરી હતી. પરંતુ પ્રમાણપત્રોની ખરાઈ વખતે દિલ્લીનું ધોરણ દસનું પ્રમાણપત્ર બોગસ હોવાનું સામે આવતા આર્મીએ તેનો નોકરી ઓર્ડર કાઢ્યો ન હતો. આ બાબતને લઈને પ્રવીણસિંહે સ્થાનિક પોલીસમાં અરજી કરી હતી. જે અરજીના આધારે પોલીસે તપાસ કરતા આ પ્રમાણપત્ર બોગસ હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોપીએ પ્રવીણસિંહના દીકરા તથા અન્ય બે યુવાનો પાસેથી આર્થીક લાભ લઇ ધોરણ-૧૦ ના બોગસ બનાવટી સર્ટીઓ આપી કૌભાંડ આચરી, નિદોર્ષ અને ભોળા વિધાર્થીઓના ભવીષ્ય સાથે ચેડા કરી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. આમઆદમી પાર્ટીના દ્વારકા જીલ્લાના અધ્યક્ષ સામે ખંભાલીયા પોલીસે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪ મુજબ ફરિયાદ નોંધી છે. પોલીસે આરોપીને પકડી પાડી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણમાં રાજકોટના એક સખ્સની સંડોવણી ખુલવા પામી છે. તેમજ સુત્રો નું માનવામાં આવે તો આરોપીની કજુરડા ખાતે આવેલ શાળા પણ મંજુરી વગર ધમધમતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ તરફ પણ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા આરોપી દ્વારકા જીલ્લા પ્રમુખને સસ્પેન્ડ કરી નાખ્યા છે. પ્રમુખ જ્યાં સુધી નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી પક્ષના સભ્ય પદેથી પણ દુર કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here