આગામી નવેમ્બર માસ દરમ્યાન યોજાનાર સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચુંટણીઓની રાજય ચુંટણીપંચ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જે અંતર્ગત આજે રાજય ચુંટણીપંચ દ્વારા જામનગર જિલ્લા પંચાયત તથા જિલ્લાની 6 તાલુકા પંચાયતોના મતદાર મંડળઓની વારા ફરતી અનામત બેઠકોની ફાળવણી કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લા પંચાયતમાં 24 પૈકી 9 બેઠકો સામાન્ય સ્ત્રી અનામત તેમજ અન્ય 3 બેઠકો અનુસુચિત જાતિ, આદીજાતિ અને ઓબીસી મહિલા અનામત રાખવામાં આવી છે. જેને લઇને 24માંથી 12 બેઠકો સ્ત્રીઓના ફાળે જશે.
જામનગર જિલ્લા પંચાયતની ચુંટણીના પડઘમ હવે શરૂ થઇ ગયા છે ત્યારે 2001ની વસ્તીગણતરી મુજબ રાજય ચુંટણી આયોગ દ્વારા અનામત બેઠકો તથા સામાન્ય વર્ગ સ્ત્રીઓ માટેની બેઠકો નક્કી કરી દેવામાં આવી છે. રાજય વિકાસ કમિશ્ર્નરના જુલાઇ માસના જાહેરનામામાંથી જામનગર જિલ્લા પંચાયતની નવસેરથી અનામત બેઠકો નક્કી કરવામાં આવી છે. આજે બહાર પડાયેલા આદેશ મુજબ કુલ 24 બેઠકો પૈકી અનુસુચિત જાતિ માટે એક સ્ત્રી અને એક સામાન્ય બેઠક, અનુસુચિત આદીજાતિ માટે એક બેઠક સ્ત્રી અનામત તેમજ સામાજિક અને શૈક્ષિણીક રીતે પછાત વર્ગની સ્ત્રીઓ માટે એક બેઠક અને એક બેઠક સામાન્ય જાહેર કરાઇ છે. જયારે અન્ય 9 બેઠકો સામાન્ય સ્ત્રી અને 10 બેઠકો બિન અનામત રાખવામાં આવી છે. ભારતીય બંધારણના અનુછેદ 246/ડ મુજબ તેમજ ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયત ચુંટણી નિયમો તેમજ ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયત મતદાર વિભાગોના સીમાંકનના નિયમો તથા રાજય ચુંટણી આયોગના આદેશને ધ્યાને રાખી રાજય ચુંટણી આયોગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ આદેશ મતદાર વિભાગમાં નક્કી કરવામાં આવેલા સામાન્ય ક્રમાંક અનુસાર વારા ફરતી (રોટેશન) કરી તથા બિન અનામત સામાન્ય બેઠકોની ફાળણવી કરવામાં આવશે.
જયારે જિલ્લાની 24 બેઠકોની યાદી મુજબ આમરા બેઠક સામાન્ય સ્ત્રી, અલીયા બેઠક બિન અનામત સામાન્ય, બેડ અને ભણગોર બેઠક અનુક્રમે સામાજિક શૈક્ષિણીક અને પછાત વર્ગની સ્ત્રી અનામત અને સામાજિક અને શૈક્ષિણીક રીતે પછાત વર્ગમાં ફાળવવામાં આવી છે. જયારે ચેલા, ખરેડી, ખીમરાણા, લતીપુર, મોટી ગોપ, પીઠડ, શેઠવડાળા અને સીંગચની બેઠકો સામાન્ય સ્ત્રીને ફાળવવામાં આવી છે. જયારે ધુંવાવ, ધુતારપર, જોડિયા, ખંઢેરા, ખારવા, મોરકંડા, નિકાવા, પીપરટોડા અને સત્તાપર બેઠક બિન અનામત સામાન્ય રાખવામાં આવી છે. આ ઉપરાંત જામજોધપુરની ગીંગણી બેઠક અનુસુચિત આદી જાતિ સ્ત્રી, કાલાવડના નવા ગામની બેઠક અનુસુચિત જાતિ સ્ત્રી માટે અનામત રાખવામાં આવી છે. જયારે લાલપુર તાલુકાની લાલપુર બેઠક અનુસુચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે.