જામનગર: વેપારીને લુંટી લેનાર સખ્સો ફરાર

0
807

જામનગરમાં ગત રાત્રે લુંટનો બનાવ સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. ગ્રેઇન માર્કેટમાં અનાજ કારીયાણાની હોલસેલ પેઢી ધરાવતા વેપારી પેઢીને વધાવી એકટીવા પર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ખંભાલીયા નાકા બહાર નાગરપરામાં પાછળથી બાઈક પર આવેલ બે સખ્સોએ એકટીવાને ધક્કો મારી, વેપારીને પછાડી દઈ, આંખમાં મરચાની ભૂકી છાંટી, રૂપિયા ૪૫ હજારની રોકડ ભરેલ થેલો લુંટી બંને સખ્સો પોતાના કબ્જાના બાઈક સાથે નાશી જતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે રાત્રે બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવી લુટારુઓએને પકડી પાડવા કવાયત કરી હતી. પરંતુ હજુ સુધી આરોપીઓ હાથ લાગ્યા નથી

જામનગરમાં ચકચાર જગાવનાર લુંટના બનાવની વિગત મુજબ, શહેરના ખંભાલીયા નાકા બહાર આવેલ નાગરપરા શેરી નં-૨ ખંભાળીયા નાકા બહાર, સિધ્ધનાથ હાઉસમાં રહેતા અને ગ્રેઇન માર્કેટમાં અનાજ કારીયાણાની જ્યોતિ ટ્રેડર્સ નામની હોલસેલ પેઢી ધરાવતા પ્રકાશભાઇ ચંદ્રકાન્તભાઇ લાલ ગઈ કાલે રાત્રે સાડા આઠેક વાગ્યે પોતાની પેઢી વધાવી પોતાના એકટીવા પર ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેઓના  ઘર નજીક નાગરપરા વિસ્તારમાં પાછળથી બાઈક પર આવેલ બે સખ્સોએ પ્રૌઢ વેપારીને આંતરી લીધા હતા. બાઈક પાછળ બેઠેલ સખ્સ વૃદ્ધના એકટીવાની પાસે આવી ધક્કો મારી પછાડી દીધા હતા. ત્યારબાદ અન્ય સખ્સે એકટીવાના આગળના હેન્ડલના હુકમાં ભરાવેલ થેલી આંચકી લઇ, અન્ય સખ્સે મરચાની ભૂક્કી વેપારીના ચહેરા પર ફેકી, બંને પોતાના બાઈક પર નાશી ગયા હતા. આ બનાવની જાણ થતા સીટી એ ડીવીજન પોલીસ દફતરનો સ્ટાફ તેમજ એલસીબી, એસઓજી પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો. આંખમાં બળતરા થવાથી વેપારીએ પ્રાથમિક સારવાર લઇ સીટી એ ડીવીજનમાં ફરિયાદ નોંધાવી હતી.

વેપારીનો ગ્રેઇન માર્કેટથી જ પીછો થતો હતો ?

ગ્રેઇન માર્કેટમાં ખાંડ બજારમાં અમૃત વાડી પાસે જ્યોતિ ટ્રેડર્સ નામની પેઢી ધરાવતા પ્રકાશ ચંદ્રકાંતભાઈ લાલ ગઈ કાલે આઠેક વાગ્યે પોતાની પેઢીએથી રૂપિયા ૪૫ હજારની રોકડ અને હિશાબના બે ચોપડા એક પર્સમાં રાખી, એકટીવાના હેન્ડલમાં રાખી ઘરે જવા નીકળ્યા હતા. ગ્રેઇન માર્કેટથી એકટીવા લઇ વેપારી દીપક ટોકીઝ થઇ, ચાંદી બજાર, માંડવી ટાવર, હવાઈ ચોકથી ખંભાલીયા ગેઇટ, દ્રારકાપૂરી રોડ થઇ નાગરપરા શેરી બેમાં પહોચ્યા હતા. આ રૂટ પર નિરીક્ષણ કરતા બંને સખ્સો શરૂઆતથી જ વેપારીનો પીછો કરતા હોવાનું સામે આવ્યું છે. બંને લુટારુઓએ અગાઉ આ જ રૂટ પર રેકી પણ કરી હોવાની પોલીસે શંકા સેવી આ રૂટના સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.

વેપારી ઉભા થઇ નાશી જતા આરોપીઓની પાછળ દોડ્યા પણ…

નાગરપરામાં શેરી નંબર બેમાં એકટીવા પ્રવેશતા જ પાછળથી બાઈક પર આવેલ બે સખ્સો પૈકીના પાછળ બેઠેલ ૨૦ થી ૨૫ વર્ષની ઉમરના કાળા કલરનો શર્ટ પહેરેલ એક લુટારુ સખ્સે એકટીવાને લાત મારી હતી. જેને લઈને વૃદ્ધ એકટીવા પરથી ફંગોળાઈ નીચે પડી ગયા હતા. ત્યારબાદ મરચું છાંટતા વેપારીને આંખમાં બળતરા થઇ હતી. બંને સખ્સો રોકડ ભરેલ થેલાની લુંટ ચલાવી નાશી ગયા હતા. જેને લઈને વેપારીએ બંને સખ્સોની પાછળ દોડ મૂકી હતી. પરંતુ કનખરા સમાજની વાડી સુધી જ તેઓ પહોચી શક્યા હતા ત્યારબાદ તેઓને આંખમાં વધુ બળતરા થતા તેઓ ઉભા રહી ગયા હતા. જયારે બંને સખ્સો પુરપાટ ઝડપે નાશી ગયા હતા.

વિપુલભાઈ નંદા અને જાગૃતિબેન દવેને બનાવની વાત કરી

આ ઘટના સમયે વેપારીએ બંને સખ્સોનો નિષ્ફળ પીછો કર્યો હતો. જો કે બંને સખ્સો અંધકારમાં ઓગળી ગયા બાદ વેપારી કનખરા સમાજની  વાડી સુધી જ પહોચી શક્યા હતા જ્યાં તેઓને તેના પાડોશી વિપુલભાઈ નંદા અને જાગૃતિબેન દવે મળી ગયા હતા, આ બંનેને બનાવની વાત કરી હતી અને પુત્ર સાગરને ફોન કરી ઘટના સ્થળે બોલાવ્યો હતો. ત્યારબાદ પિતા-પુત્ર બંને સીટી એ ડીવીજન પોલીસ દફતરમાં ફરીયાદ નોંધાવવા ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here