જામનગર: શહેરના ઇન્દિરા માર્ગ પર આવેલ ફોરેસ્ટ ઓફીસ સામેના મહેશ્વરીનગરમાં એક સાથે ત્રણ મકાનમાં ચોરી થવાની ઘટના પોલીસ દફતર સુધી પહોચી છે. બે મકાનમાંથી છ તોલા દાગીના અને એક મકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.
જામનગરમાં ગઈ કાલે મહેશ્વરીનગર, ચોક નં-૦૩,ફોરેસ્ટ ઓફીસ સામે,ઇંદીરા માર્ગ પરના ત્રણ મકાનમાં ધોળા દિવસે ચોરી થયાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ભોગગ્રસ્ત મકાન માલિક માયાભાઈ ભીખાભાઈ ગોહીલએ સીટી બી ડીવીજન પોલીસ દફતરમાં અજાણ્યા સખ્સો સામે ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં બપોરે કોઈ પણ સમયે પોતાના તથા પ્રવિણભાઇ પરમારના બંધ રહેણાંક મકાનના દરવાજાના નકુચા તોડી, મકાનોમા અંદર પ્રવેશ કરી અંદરના મેઇન દરવાજાના તાળા તથા નકુચા તોડી અંદર રૂમમા કબાટની તિજોરી તોડી તેમાં રહેલ મેપાભાઈના સોનાના દાગીના આશરે ચાર તોલા તથા પ્રવિણભાઇના સોનાના દાગીના આશરે બે તોલા મળી કુલ-૦૬ તોલા સોનાના દાગીના કિ.રૂ.૧,૮૦,૦૦૦ની ચોરી કરી હતી. ત્યારબાદ બાજુમાં જ રહેતા લક્ષ્મીબેન ના ખુલ્લા રહેણાક મકાનમા પ્રવેશ કરી રૂપિયા છ હજારની કિંમતના એક મોબાઈલ ફોનની ચોરી કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.