જામનગરમાં લાલપુર ઠેબા ચોકડી બાય પાસ વચ્ચે આવેલી એક હોટલ પાછળથી બાવળની જાળીઓમાં કરપીણ હત્યા કરી દેવાયેલ મહિલા અને તેની માસુમ પુત્રીના મૃત્દેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. હત્યા તેના પતિએ જ કરી હોવાનું શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી પતિને પકડી પાડી પૂછપરછ શરૂ કરી છે.
જામનગર શહેર સહિત જિલ્લાભરમાં સનસનાટી મચાવનાર ડબલ મર્ડર પ્રકરણની પ્રાપ્ત વિગત અનુસાર આજે રાત્રે લાલપુર બાયપાસ થી ઠેબા ચોકડી વચ્ચે આવેલ હોટેલ હાઇવે 10ની પાછળની બાવળની જાડીઓમાં એક મહિલાને માસુમ બાળકીનો મૃતદેહ પડ્યા હોવાની પોલીસને વિગતો મળી હતી. જેના આધારે પંચકોશી અને સીટી એ ડિવિઝનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં બંનેની માતા પુત્રી તરીકેની ઓળખ થઈ હતી. જ્યારે બંને મહિલા અને તેની પુત્રીના ગળા કાપીને હત્યા નિપજાવવામાં આવી હોવાની વિગતો સામે આવી હતી. જેને લઈને પોલીસની જુદી જુદી ટુકડીઓ દ્વારા તેના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મૃતક મહિલાનો પતિ ન મળતા પોલીસને પતિ સામે શંકા ઉપજી હતી. મૃતક મહિલાનું નામ સબાના બેન અને તેની પુત્રીનું નામ રૂબીના હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોનું માનવામાં આવે તો હત્યા નિપજાવી છૂટેલ પતિ રાજકોટ પોલીસની પકડમાં આવી ગયો છે અને જામનગર પોલીસ તેને લેવા માટે રવાના થઈ છે.
જોકે હત્યા કેવી રીતે અને કયા કારણે? કેવા સંજોગોમાં નિપજાવી છે? તે અંગેનો તાગ પૂછપરછ બાદ સામે આવશે એમ પોલીસે જણાવ્યું છે.