જામનગર : ૨૫ લાખની મુદ્દલનું વ્યાજ ૪૭ લાખ, ધમકી અપાતા વેપારીએ ઘર છોડ્યું, ઘરે પહોચી વ્યાજખોરે કર્યું આવું

0
1055

જામનગર અપડેટ્સ  : જામનગરના જાણીતા બોકસાઈટ ધંધાર્થીના ઘરે પહોચી એક માથાભારે સખ્સે બોલાચાલી કરી અડધા લાખનું સોનું બળજબરીથી કઢાવી ધાક ધમકી આપી હોવાની વેપારીએ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. વર્ષ ૨૦૧૯માં વેપારીના વેપારી પુત્રએ વ્યાજખોર પાસેથી દસ ટકા વ્યાજે લીધેલ ૨૫ લાખની મુદ્દલ અને વ્યાજ વસુલવા ધાકધમકીઓ અપાતા વેપારી પુત્ર અઢી વર્ષ પૂર્વે ઘર છોડી ચાલ્યો ગયો છે. મુદ્દલ અને વ્યાજ વસુલવા આરોપી વ્યાજખોરે તેના પરિવારને નિશાન બનાવી બે-ત્રણ વખત ફોન કરી, પહોચી અડધા લાખનું સોનું બળજબરીથી લઇ ગયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ગુમ પુત્રના બંધ કરી દેવાયેલ ખાનગી બેંકના એકાઉન્ટમાં આરોપીએ રૂપિયા ૭૨ લાખની રકમનો ચેક નાખતા ચેક રીટર્ન થયો હતો  ત્યારબાદ રૂપિયા વસુલવા આરોપી ઘર સુધી પહોચી વેપારી પિતાના ધાક ધમકી આપી નાશી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જુન માસના ગાળામાં પણ આ જ વેપારીની કાર પર ફાયરીંગ કરાવી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ગત વર્ષે વેપારીના ઘર નજીક કાર પર આરોપીઓએ કરેલ હુમલા બાદ પોલીસ ઘરે પહોચી ત્યારની તસ્વીર

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ જય કો-ઓપરેટીવ સોસાયટીમાં રહેતા બોક્સાઈટના વેપારી અરવિંદ પાબારીએ દેવેન્દ્રસિંહ પરમાર નામના સખ્સ સામે સીટી સી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષ ૨૦૧૯માં ધંધાર્થે તેઓના પુત્ર જયએ આ સખ્સ પાસેથી રૂપિયા ૨૫ લાખની રકમ દસ ટકાના વ્યાજે લીધી હતી. વેપારી પુત્રએ શરૂઆતમાં કટકે કટકે વ્યાજ ભર્યા બાદ આર્થિક સંકળામણ થતા વ્યાજ કે મુદ્દલ ચૂકવી શક્યો ન હતો. બીજી તરફ વ્યાજખોરની ધમકી મળતા ગત તા. ૩૦/૭/૨૦૧૯ થી પોતાનો મોબાઈલ ઘરે છોડી ઘર છોડી ચાલ્યો ગયો છે. જેને લઈને આરોપી દેવેન્દ્રસિંહે પોતાની વ્યાજ સહિતની  રકમ પરત મેળવવા જયના ઘર સુધી પહોચ્યો હતો. ઘરે પહોચેલ સખ્સે અરવિંદભાઈ સામે વાણી વિલાસ આચરી બળજબરીથી રૂપિયા ૫૦ હજારનું સોનું લઇ ધમકી આપી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ગત વર્ષે આરોપી દ્વવારા અરવિંદભાઈની કાર પર ફાયરીંગ કરવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં જેલમાંથી છૂટ્યા બાદ ફરી આરોપીએ એ જ ધાકધમકીઓ ચાલુ રાખી, તા. ૮/૪/૨૦૨૧ના ફોન પર ધમકી આપ્યા બાદ તા. ૧૪/૪/૨૦૨૧ના ઘરે પહોચી આરોપીએ વાણીવિલાસ આચરી અરવિંદભાઈને ધાક ધમકીઓ આપી હતી. આ ઉપરાંત તા. ૨/૬/૨૦૨૧ના ફોન કરી વેપારી અરવિંદભાઈને ધમકી આપી, ગુમ પુત્ર જયએ આપેલ ચેકમાં આરોપીએ રૂપિયા ૭૨ લાખની  રકમ ભરી  બેંકમાં નાખ્યો હતો. જો કે ખાતું જ બંધ હોવાથી ચેક રીટર્ન થયો હતો. આરોપીએ નશાખોર હાલતમાં ઘરે પહોચી અરવિંદભાઈ સાથે આચરેલ વાણીવિલાસ અંગેના સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે કરી આરોપી સુધી પહોચવા કવાયત શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here