જામનગર નજીક દરેડ ગામે બે પરિવાર વચ્ચે થયેલ માથાકૂટમાં સામસામે પાંચ વ્યક્તિઓને ઈજાઓ પહોચી છે. યુવાનના યુવતી સાથેના પ્રેમ પ્રકરણને લઈને ચાલતા મનદુઃખને લઈને મારામારી થઇ હોવાનું જાહેર થયું છે. બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર નજીકના દરેડ ગામે રહેતા ડાયાભાઇ આલાભાઇ ગુજરીયા નામના ચારણ માલધારી યુવાને આલાભાઇ જેઠાભાઇ હાજાણી તથા મેઘરાજ જેઠાભાઇ હાજાણી રહે, બન્ને દરેડ વાળાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતાને આરોપીઓની બહેન સાથે પ્રેમસબંધ હોય અને તેની સાથે અગાઉ ભાગીને જતા રહેલ હોય તે વાતનુ મનદુખ રાખી બંને આરોપીઓ એ ડાયાભાઈના ભાઈ રણછોડભાઇને દરેડ ગામે નીલગીરી ગોલાઇ પાસે આ આંતરી લઇ પાઇપ તથા લાકડી વડે માર મારી શરીરે માથાના ભાગે ૭-૮ ટાંકાની તથા બન્ને હાથમા ફ્રેક્ચરની તથા અન્ય મુઢ ઇજાઓ પહોચાડી હતી.
આ બનાવની જાણ થતા ડાયાભાઇ અને તેના ભાઇ ગોવિંદ સાથે આવતા હોય, આ બંનેને પણ આરોપીઓ રસ્તામા ભેગા થઇ જતા દરેડ બસ સ્ટેન્ડ પાસે હુમલો કરી શરીરે લોખંડના પાઇપ તથા લાકડી વડે માર મારી ઈજાઓ પહોચાડી હતી. જેમાં ડાયાભાઇને શરીરે ડાબા પગમા ટાંકા આવેલની તથા અન્ય મુંઢ ઇજા પહોચી હતી જયારે તેના ભાઇ ગોવિંદને શરીરે માથાના ભાગે ૮-૧૦ ટાંકાની તથા અન્ય મુંઢ ઇજાઓ પહોચી હતી.
બીજી તરફ સામે પક્ષે મેઘરાજ જેઠાભાઇ હાજાણી ચારણ ઉ.વ.૨૪ વાળા યુવાને ડાયાભાઇ આલાભાઇ ગુજરીયા તથા ગોવિંદભાઇ આલાભાઇ ગુજરીયા ઉ.વ.૧૭ વર્ષ ૦૯ માસ અને આલાભાઇ ગુજરીયા રહે, બધા દરેડ ગામ વાળાઓ સામે પંચકોશી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાની બહેનને આરોપી ડાયાભાઇ સાથે અગાઉ પ્રેમ સબંધ બંધાયા બાદ બંને ભાગી જતા રહેલ હોય અને પરત ઘરે જતા રહેલ હોય તે વાતનુ મનદુખ રાખી પોતે તથા તેમના ભાઇ આલાભાઇ દરેડ બસ સ્ટેશન પાસેથી જતા હોય ત્યારે આંતરી લઇ માર મારી શરીરે ઈજાઓ પહોચાડી હતી આ બનાવ અંગે પોલીસે સામસામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.