જામનગર : જામનગર નજીક દરેડ જીઆઈડીસી વિસ્તારમાં કડિયા કામ કરી પરત સરાપાદર ગામે જતા પિતા-પુત્ર અકસ્માતનો ભોગ બની ગયા છે. મોટી ભલસાણ નજીક એક ટ્રેક્ટરની ઠોકરે પિતાની નજર સામે જ પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ પિતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
જામનગર નજીક આવેલ મોટી ભલસાણ ગામથી એકાદ કી.મી દુર રવીવારે સાંજે પુર ઝડપે દોડતા એક ટ્રેક્ટરે જીજે ૧૦ એજી ૪૮૨૩ નંબરના મોટર સાયકલને ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો જેમાં સરાપાદર ગામથી દરરોજ દરેડ ખાતે જીઆઈડીસી વિસ્તારમાં કડિયા કામે આવતા પાલાભાઇ આણંદ ભાઇ પરમાર ઉ.વ.૭૦ને જમણા પગમાં ગોઠણમા ફેકચરની ઇજા તથા જમણા હાથમાં છોલછાલની ઇજા પહોચી હતી અને બાઈક ચલાવતા તેના પુત્ર નરેશ ઉવ ૩૨ને જમણા પગમા ગોઠણ પાસે ગંભીર ઇજા તથા કપાળના ભાગે તથા મોઢા પર છોલ છાલ ની ઇજા પહોચી હતી. આ બનાવના પગલે હતભાગીઓના સબંધીની કારમાં જામનગર ખસેડવામાં આવ્યા હતા. જોકે લાલપુર બાયપાસ પાસેથી બંનેને ૧૦૮માં રીફર કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને જીજી હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન નરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જયારે તેના પિતાને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક અને તેના ઘાયલ પિતા જામનગરની ભાગોળે આવેલ દરેડ જીઆઈડીસી વિસ્તારમાં કડિયા કામે આવતા હતા. ગઈ કાલે કામ પૂર્ણ કરી બંને પરત ગામડે જતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બની ગયા હતા. ઘાયલ પાલાભાઈને સંતાનમાં મૃતક સહિત ચાર સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. એક અજાણ્યા ટ્રેકટર ચાલકે પોતાનું ટ્રેકટર પુરઝડપે અને બે ફીકરાઇ થી ચલાવી મોટર સાયકલ સાથે ટ્રેકટર નુ પાછળ જોડેલ સાંતી અથડાવ્યુ હતું. જેમાં મૃતક નરેશને ગંભીર ઈજાઓ પહોચી હતી. પોલીસે નાશી ગયેલ ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.