જામનગર જિલ્લાના કાલાવડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015ના ગાળા દરમ્યાન સ્થાનિક પોલીસ ઉપરાંત પંચકોષી એ ડિવિઝન તેમજ ગુજસીટોક પ્રકરણ એક આરોપી એવા તત્કાલીન પોલીસકર્મીઓએ એક યુવાનને ટોર્ચર કરી, અડધો લાખ રૂપિયાની માંગની કરી માર મારવા અંગે કોર્ટે ફરિયાદ નોંધવા હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સોશ્યલ મીડિયામાં વિવાદીત પોસ્ટ મુકવા સબબ એક યુવાનને મારમારવાના પ્રકરણમાં પોલીસે કરેલી કાર્યવાહીને લઈને અદાલત દ્વારા ફરિયાદ અંગેનો હુકમ કરવામાં આવ્યો છે.

જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતા અને એલએલબીમાં અભ્યાસ કરતા અફઝલ તૈયબભાઇ દોઢીયા નામના શખ્સ સામે સ્થાનિક પોલીસે તા.12-9-2015ના રોજ જામનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આ શખ્સ દ્વારા એવો અરોપ લગાવવામાં આવ્યો હતો કે કાલાવડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ આર.વી.વીંછી, પીએસઆઇ પી.જે.બાટવા, ડી સ્ટાફના શૈલેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ ગૌતમ મકવાણાએ તા.10-9-2015ના રોજ ઘરે આવી બિભત્સ વાણી વિલાસ આચરી પરિવારની સામે માર માર્યો હતો ત્યાર બાદ 50 હજારની માંગણી કરી કાલાવડ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા ત્યાથી રાત્રીના માટલી ગામે લઇ જઇ પંચકોષી એ ડિવિઝન પોલીસ દફતરના પીએસઆઇ ચૌધરી તથા તેના સ્ટાફને તેનો કબ્જો સોંપવામાં આવ્યો હતો. પંચકોષી એ ડિવિઝન પોલીસે પણ 50 હજાર રૂપિયાની માંગણી કરી ગુપ્તાંગના ભાગે ઇલેકટ્રીક શોક આપી માર માર્યો હોવાનો મેજીસ્ટ્રેક સમક્ષ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. દરમ્યાન આ યુવાનનું મેડીકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કોર્ટે ઇન્કવાયરીનો હુકમ આપવામાં આવેલ હતો. જેના ભાગરૂપે યુવાનના પરિવાર અને હોસ્પિટલ સહિતાનાઓના નિવેદનો લેવામાં આવ્યા હતા.

આ તમામના આધારે કાલાવડ પીએસઆઇ પી જે બાંટવા, કોન્ટેબલ મકવાણા, ડી સ્ટાફના શૈલૈન્દ્રસિંહ, પોલીસ કર્મચારી અશોકભાઇ, કાલાવડ પોલીસ સ્ટેશના તાત્કાલીન અધિકારી ઇન્ચાર્જ પીઆઇ વીંછી, પોલીસ કોન્સ્ટેબલ જયસુખભાઇ તેમજ પંચકોષી એ ડીવીઝન પોલીસ દફતરના તત્કાલીન પીએસઆઇ ચૌધરી, પોલીસ કર્મચારી દિગુભા, ચાલક જાની ભાઇ, કોન્સ્ટેબલ યશપાલસિંહ, રાયટર ભીખભાઇ સહિતનાઓ તેમજ હાલના ગુજસીટોકના આરોપી અને તત્કાલીન પોલીસ કર્મચારી વશરામ આહીર સહિતનાઓ સામે આઇપીસી કલમ 323, 330, 384, 504 અને 114 મુજબ ગુન્હો નોંધવા જામનગર અદાલતના જજ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમને લઇને જામનગર પોલીસ બેડામાં સનસનાટી સાથે ચકચાર મચી જવા પામી છે.
શું હતો મામલો ??
વર્ષ 2015માં કાલાવડના એક શખ્સે ધાર્મિક ઉશકેરણી કરતી એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં મુકી હતી જેને લઇને ટોળાએ યુવાનને માર માર્યો હતો. આ પ્રકરણમાં યુવાનને આરોપી તરીકે દર્શાવાયો હતો જો કે જે-તે સમયે કોર્ટે તેની ધરપકડ કરવા સામે સ્ટે આપ્યો હોવા છતા પોલીસે ઉઠાવી લઇ, માર મારી ટોર્ચરીંગ કરી, રૂપિયા માંગ્યા હોવાનો આરોપ લગાવાયો હતો.