જામનગર સહીત રાજ્યભરમાં આજ થી ટેકાના ભાવની ચણાની ખરીદ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આજે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે જીલ્લાના અગ્રણીઓની હાજરીમાં શરૂઆત કરવામાં આવી છે. ગત વર્ષ કરતા વધુ ખરીદી અને વધુ ભાવ મળતા ખેડૂતોમાં પણ હરખ જોવા મળ્યો છે. આજે પ્રથમ દિવસે ચાર ખેડૂતોની ૪૩૭ મણ ચણાની ખરીદી કરવામાં આવી છે. જામનગર એપીએમસી દ્વારા આજથી ટેકાના ભાવની ચણાની ખરીદ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.

હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડના પદાધિકારીઓ અને ભાજપા અગ્રણીયોએ આ ખરીદ પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે રાજ્ય સરકારે ડબલ ખરીદી અને વધુ ભાવ નિર્ધારિત કર્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે પર્યાપ્ત સિંચાઈ સુવિધાને લઈને ખેડૂતોનો જોક પણ ચણા તરફનો રહ્યો છે. આ વખતે જીલ્લામાં એક લાખ હેક્ટર ઉપરાંત વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે. જેને લઈને મબલખ પેદાસ થવાની ધારણા બંધાઈ છે.

ગત વર્ષે એક ખેડૂત પાસેથી ૫૦ મણની ખરીદી કરવામાં આવી હતી. આ વખતે પ્રતિ ખેડૂત સવાસો મણની ખરીદી નિશ્ચિત કરવામાં આવી છે. ઉપરાંત ભાવમાં પણ ૩૫ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને ખેડૂતોએ પણ વધાવ્યો છે..આજે પ્રથમ દિવસે ચાર ખેડૂતોના ૪૩૭ મણ ચણાની ખરીદી કરવામાં આવી છે.