જામનગર :આજે ખુલ્લા બજારમાં મગફળીનો ઓલ ટાઈમ હાઈ ભાવ,જાણો કેટલો ભાવ ?

0
1749

જામનગર : જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ લાભ પાંચમ ના મુહૂર્ત સાથે ઓપન બજારમાં હરાજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં ખાસ કરીને મગફળીને હરાજી દરમિયાન નવા-નવા વિક્રમો સર્જાઈ રહ્યા છે. આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મગફળીના વેચાણનો વિક્રમ સર્જક ઊંચો ભાવ બોલાયો હતો, અને મગફળીના મણનો ૧,૬૬૫ રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ ભાવે સોદો થયો છે. જેથી ખેડૂતો ભારે ખુશખુશાલ થયા છે. તેમ જ સૌરાષ્ટ્રના અન્ય ખેડૂતો પણ જામનગર ના હાપા યાર્ડ તરફ આવી રહ્યા છે.


જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લાભપાંચમના દિવસથી મુહૂર્ત ના સોદા કરીને મગફળી સહિતની જુદી-જુદી જણસની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે જ મગફળીની દસ હજાર ગુણી ઠાલવવામાં આવી હતી. જે પૈકી ગઇકાલ સુધીમાં પાંચ હજાર મગફળી ની ગુણી ના સોદા થઈ ગયા હતા, જ્યારે બાકીની પાંચ હજાર મગફળીની ગુણી ના બાકી સોદા પૈકી આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બારાડી પંથકના ખેડૂતોની મગફળીની સારી જાતની હરાજીની પ્રક્રિયા દરમિયાન નવો કિર્તીમાન સ્થપાયો છે.
તામિલનાડુથી આવેલા વેપારીઓ સહિત ૧૫૦થી વધુ વેપારી હરાજીની પ્રક્રિયા માં જોડાયા હતા, અને મગફળી નો ભાવ ૧,૬૬૫ સુધી બોલાયો હતો. જે સમગ્ર ગુજરાત રાજ્યનો ઊંચામાં ઊંચો ભાવ છે. અને ઓલ ટાઈમ હાઈ ભાવે મગફળીના સોદા થયા છે. જેથી ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ થયા છે.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જામનગર તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા, રાજકોટ, ગોંડલ, અમરેલી, સહિતના ખેડૂતો પણ પોતાની મગફળી લઈને હાપા માર્કેટિંગ યાર્ડ તરફ આવી રહ્યા છે. બે દિવસ માટે મગફળીની નવી આવક બંધ કરવામાં આવી હતી, પરંતુ આજે મોડી રાત્રીથી ફરી મગફળીની આવક શરૂ કરાશે, અને ત્યાર પછી તેના નવા સોદા થશે. જે માટે ખેડૂતોને મોડી રાત્રીથી મગફળી નો જથ્થો લાવવા માટે હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલ દ્વારા અનુરોધ કરાયો છે. મગફળી ઉપરાંત લાલ મરચા, લસણ, કપાસ સહિતની અન્ય જણસોની પણ હરાજીની પ્રક્રિયા ચાલુ છે, અને તેમાં પણ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here