જામનગર: દિન દહાડે સગા બનેવીએ યુવતીને વેતરી નાખી

0
2979

જામનગરમાં ક્રૂર હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના કાલાવડ નાકા બહાર સિલ્વર પાર્ક સોસાયટીમાં કચરો નાખવા બહાર આવેલી એક યુવતિ પર તેના જ બનેવીએ ધારદાર છરી વડે હુમલો કરી ઢીમ ઢાળી દેતાં સનસનાટી મચી જવા પામી છે. પારિવારીક કંકાશમાં યુવતિનું લોહી રેળાયું હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદ રહેતાં આરોપીની ભાળ મેળવવા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં કાલાવડ નાકા બહાર સિલ્વર પાર્ક સોસાયટીમાં આજે બપોરે બનેલી ઘટનાની વિગતો મુજબ, શેરી નં.2માં રહેતી કરીમાબેન શકીલભાઇ (ઉ.વ.36) નામની યુવતિ પોતાના ઘરમાંથી કચરો નાખવા બહાર નિકળી હતી. ત્યાં જ અગાઉથી જ બહાર નિકળવાની જાણે વાટ જોઇને બેઠેલા તેના જ બનેવીએ ધારદાર છરી વડે હુમલો કરી તૂટી પડ્યો હતો. ઘરથી બહાર નિકળેલી કરીમાબેન વિચારે તે પૂર્વે આરોપીએ છરીના ઉપરાઉપરી ઘા પેટના ભાગે ઝીંકી દીધા હતાં. આરોપીના અચાનક હુમલાથી યુવતિ લોહીના ખાબોચિયા વચ્ચે ઢળી પડી હતી. આ વારદાતને અંજામ આપી આરોપી મુઠિઓ વાળીને નાશી છૂટ્યો હતો. દરમિયાન ગંભીર રીતે ઘવાયેલી મહિલા ઘરની બહાર જ ઢળી પડી હતી. આ બનાવના પગલે તેના પરિવારજનો અને આજુબાજુના રહેવાસીઓ દોડી આવ્યા હતાં અને ત્વરિત 108 તથા પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલ 108 ની ટીમે પ્રાથમિક સારવાર આપી તેણીને જી.જી.હોસ્પિટલ ખસેડી હતી જ્યાં મહિલાનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો.  આ બનાવના પગલે સિટી એ ડિવિઝનના પીઆઇ એમ.જે.જલુ, ડી સ્ટાફ તથા એલસીબીનો સ્ટાફ ઘટનાસ્થળ બાદ હોસ્પિટલ પહોંચ્યો હતો. સિટી એ ડિવિઝનના પીઆઇ જલુના જણાવ્યા અનુસાર મૂળ ભાવનગરનો આરોપી અને હાલ અમદાવાદ રહેતો ફિરોઝ ઉર્ફે મુન્નો મૃત્તકનો બનેવી થાય છે. પારિવારીક કંકાશને લઇને જામનગર આવેલા આરોપીએ તેણીની હત્યા નિપજાવી નાશી ગયો છે. આરોપીને શોધવા માટે જુદી જુદી ટીમો બનાવી તાબડતોબ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મૃત્તક યુવતિના પણ લગ્ન થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે પોલીસે આરોપી સામે હત્યાની કલમો મુજબ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. મહિલાના મૃત્યુના પગલે સિપાઇ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here