જામનગર: રખડતા ઢોરની ઢીંકે ચડેલા આધેડ દિવસો સુધી કણસતા રહ્યા, અંતે નીપજ્યું મૃત્યુ

0
1047

જામનગર: જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ અવિરત રહેવા પામ્યો છે. આવા જ રખડતા ઢોરની ઢીંકે ચડેલા એક આધેડનું મૃત્યુ નીપજ્યું છે. ગુલાબનગર વિસ્તારમાં રહેતા મૃતકને ૨૦ દિવસ પૂર્વે પોતાના ઘર પાસે જ રખડતા ખુંટીયાએ હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી હતી. ઘાતક ઈજાઓ બાદ હોસ્પિટલ ખસેડાયેલ આ આધેડનું બેસુધ્ધ અવસ્થામાં જ મૃત્યુ નીપજ્યું છે. બીજી તરફ મહાનગરપાલિકા રખડતા ઢોરનો ત્રાસ સ્વીકારી તો રહ્યું છે પણ નક્કર કામગીરી કરવામાં ક્યાંકને ક્યાંક થાપ ખાઈ જતું હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. એક તરફ તંત્ર ઢોરને છોડી મુક્ત પશુપાલકો સામે ફરિયાદ નોંધાવવા સુધીની કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે આવા જ રખડતા ઢોરથી માનવ મૃત્યુ થયું છે ત્યારે મૃતકના પરિવારે મહાનગરપાલિકા સામે ફરિયાદ નોંધવાની  માંગણી કરી છે.

જામનગરમાં રખડતા ઢોર તંત્ર અને નાગરિકો માટે મુખ્ય અને વિકરાળ સમસ્યા બની ગઈ છે. સમયાંતરે રખડતા ઢોરના ત્રાસથી માનવ મોત સુધીના બનાવો બનતા રહ્યા છે ત્યારે વધુ એક ઢોરની ઢીંકે ચડેલ આધેડનું મૃત્યુ થયું છે. શહેરના ગુલાબનગર વિસ્તારમાં લક્કી હોટલવાળો મેઇન ઢાળીયો રામ મંદિરવાળી શેરી નવી નિશાળ પાસે રહેતા હરેશભાઇ નટવરલાલ રાઠોડ વાણંદ ઉ.વ.૪૫ નામના આધેડ ગત તા. ૬/૦૮/૨૦૨૩ ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યે તેની શેરીમા ચાલીને જતા હોય ત્યારે રખડતા ખુટીયાએ એકાએક હુમલો કરી, તેઓને ઢીક મારી દીધી હતી. જેના કારણે નીચે પટકાયેલ આધેડને માથામા ઇજા થતા બેભાન થઇ ગયા હતા. દરમિયાન ૧૦૮ મા જામ જી.જી.હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં લાંબી સારવાર બાદ તેનોનું ગઈ કાલે મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના ભાઈ ભાવેશભાઈએ પોલીસને જાણ કરી હતી. ભાવેશભાઈએ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે જ બનાવ બન્યો હોવાનો વસવસો જતાવી જેએમસી સામે ફરિયાદ કરવા સુધીની માંગણી કરી છે. મૃતક ભાવેશભાઈના નાના ભાઈ હતા અને તેઓના લગ્ન નહી થયા હોવાનું જાણવા મળ્યું છે. ગઈ કાલે તેનોની અંતિમ વિધિ અને ઉઠમણું પણ સંપન્ન થયું હોવાનું જાણવા મળ્યું છે.

રખડતા ઢોરના ત્રાસ અંગે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી મુકેશ વરણવાના જણાવ્યા મુજબ છેલ્લા પખવાડિયામાં ૧૭૫ ઢોરને પકડવામાં આવ્યા છે. તો છેલ્લા જાન્યુઆરીથી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા ૨૬૦૦ ઉપરાંત ઢોર ડબ્બે પુરવામાં આવ્યા છે. હાલ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ચાર ટીમ કાર્યરત છે અને દિવસ દરમિયાન ઢોર પકડવાની કાર્યવાહી  કરી રહી છે. બીજી તરફ શહેરના જુદા જુદા ટ્રાફિક પોઈન્ટ પર ૧૮ માણસો રોકી ઢોરને અન્યત્ર હાંકવાની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં વરણવાએ ઉમેર્યું છે કે શહેરમાં જુદા જુદા વિસ્તારમાં રહેતા પશુપાલકોને નોટીસ આપી સચેત કરવામાં આવ્યા છે કે જો ઢોર રખડતા પકડાશે તો ફોજદારી સુધીના પગલા ભરવામાં આવશે. 

તંત્ર દાવા તો કરી રહ્યું છે પરંતુ કયાંકને ક્યાંક કામગીરી સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. કેમ કે તંત્ર ઢોરને પકડે જ છે અને અન્ય જગ્યાએ સ્થળાંતર કરે છે તો નવા ઢોર ક્યાંથી આવી જાય છે ? તંત્રના દાવા અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે મનમેળ બેસતો નથી. ત્યારે પદાધિકારીઓ પણ નાગરિકોના થતા મોતને ગંભીર ગણી મુખ્ય માર્ગો પર આવી સમસ્યાનું સમાધાન થાય તેવા પ્રયાસો કરે તે પણ અસ્થાને છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here