જામનગર : 1200 બેડની કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ, આવતીકાલે શુ ? વિકટ સ્થિતિ

60 ટકા દર્દીઓ જામનગર શહેર-જિલ્લાના: જયારે 40 ટકા દર્દીઓ રાજકોટ, મોરબી, દ્વારકા અને અન્ય જિલ્લાના: 40થી 50 વર્ષના દર્દીઓનું પ્રમાણ વધારે: જામનગર શહેરમાં નવાગામ ઘેડની હાલત અતિ ગંભીર: 6 પૈકી જામનગર તાલુકામાં દર્દીઓનું પ્રમાણ સૌથી વધુ: એક પખવાડીયાથી દરરોજ 200 દર્દીઓની ઓપીડી: છેલ્લા એક સપ્તાહમાં દરરોજની 600 ઉપરાંત દર્દીઓની ઓપીડી

0
460

જામનગર :જામનગર શહેર-જિલ્લામાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની છે આજે તો દર્દીઓઓ ઘસારો કોવિડ હોસ્પિટલ તરફ વળતા હોસ્પિટલના તમામ બેડ ભરચક થઇ ગયા છે.

કલેકટરના જણાવ્યા અનુસાર જી.જી.હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં કુલ 1200 બેડની ફાળવણી કરવામાં આવી હતી. આ તમામ બેડ હાલ હાઉસફૂલ થઇ ગયા છે ઉપરાંત વધારાના સર્જીકલ અને સ્વાઇનફલુ વોર્ડમાં 100 બેડ ઉભી કરવામાં આવી હતી. આ તમામ બેડ પણ દર્દીઓથી ઉભરાઇ જતા એક પણ પેશેન્ટની જગ્યા બચી નથી. જે આગામી દિવસોમાં શહેરની હાલત અતિગંભીર થવાની દહેશત દર્શાવી રહી છે. 1200 પૈકી 965 બેડ નોન આઇસીયુ અને ઓકિસજન ધરાવે છે. વેન્ટીલેટર ફેસેલીટી ધરાવતી 235 બેડ પણ ફૂલ છે ત્યારે વેન્ટીલેટર પર રહેલા આ 235 દર્દીઓની હાલત ગંભીર ગણતા આગામી દિવસોમાં મૃત્યુંઆંક વધવાની પણ સંભાવના સેવાઇ રહી છે.
કોરોનાના વધતા જતા સંક્રમણના ઓપીડીના આંકડાઓની વાત કરીએ તો તા.11-4-થી 12-4ના સવારે આઠ વાગ્યા સુધીના પુરા થતા 24 કલાકના ગાળા દરમ્યાન જામનગર શહેર-જિલ્લામાં 60 ટકા દર્દીઓ નોંધાયા છે. જેમાં જામનગરના 294 જયારે ગ્રામ્યના 89 દર્દીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના 24 ટકા તથા રાજકોટ જિલ્લાના 7 ટકા ઉપરાંત દર્દીઓની ઓપીડી સત્તાવાર જાહેર કરવામાં આવી છે.
આ દર્દીઓની ઉંમર અંગેની વાત કરવામાં આવે તો સૌથી વધુ 40 થી 49 વય ધરાવતા ત્યારબાદ 50 થી 60 વર્ષની વય ધરાવતા દર્દીઓનો સમાવેશ થાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે, 20 દર્દીઓની ઉંમર 10 વર્ષ આસપાસની છે. જયારે 55 દર્દીઓ 70 વર્ષથી ઉપરની ઉંમર ધરાવે છે. જામનગર શહેરની વાત કરવામાં આવે તો સૌથી વધુ દર્દીઓ નવાગામ ઘેડ વિસ્તારમાંથી આવી રહ્યા છે. જેમાં 67 દર્દીઓનો સમાવેશ થાય છે. જયારે બીજા નંબરે કામદાર કોલોની (49 દર્દીઓ) નીલકંઠ અને પાણાખાણમાં અનુક્રમે 34 અને 32 દર્દીઓ તેમજ ગોમતીપુર, બેડી બંદર, ગુલાબનગર સહિતના વિસ્તારોમાં 20 થી 30 વચ્ચે દર્દીઓ નોંધાયા છે.
જયારે તાલુકાની વાત કરવામાં આવે તો જામનગર તાલુકામાં સૌથી વધારે એટલે કે ગઇકાલે 31 ઓપીડી, કાલાવડ 16, જોડિયા 15, ધ્રોલ 12, લાલપુર 10 અને જામજોધપુર તાલુકામાંથી 5 ઓપીડી સામે આવી હતી. છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં દરરોજ 200 આસપાસની ઓપીડી સામે આવી રહી છે.
જામનગર જિલ્લામાંથી તા.29-3થી શરૂ થયેલા 200 ઉપરાંતની ઓપીડીનો પ્રવાહ ગઇકાલ સુધી જળવાઇ રહ્યો છે. તા.4-4થી 400થી માંડી 650 દર્દીઓની ઓપીડીનો સમાવેશ થાય છે. સતત વધતા જતા ગ્રાફને લઇને આગામી દિવસોમાં કોરોનાની મહામારી અતિ ગંભીર તબક્કામાંથી પ્રસાર થાય એવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે ત્યારે નાગરિકોએ સરકાર દ્વારા બનાવવામાં આવેલ કોરોના સંબંધીત ગાઇડલાઇનનો અમલ કરી માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને કામ વગર બહાર ન નિકળવુ એ જરૂરી બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here