જામનગર જીલ્લાના ધ્રોલ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયામાં બેંક બહાર રેકી કરી આર્થિક વ્યવહારો કરવા આવતા જતા આસામીઓને નિશાન બનાવી ખિસ્સા કાતરી લેતા બે સખ્સોને જામનગર એલસીબી પોલીસે પકડી પાડ્યા છે. આ બંને સખ્સો સામે એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય સખ્સોએ મળીને ધ્રોલ અને ખંભાલીયામાં બે આસામીઓને નિશાન બનાવ્યાની કબુલાત આપી હતી.

તાજેતરમાં ધ્રોલ તાલુકાના જાળીયા માનસર ગામના એક વૃદ્ધનું ધ્રોલ તાલુકા મથકે બેંક ઓફ બરોડાની બ્રાંચ બહાર અડધા લાખની રોકડ ધરાવતું ખિસ્સું કપાયું હતું. ત્યારબાદ ખંભાલીયા ખાતેથી પણ આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. જામનગર એલસીબીએ આ દિશા સીસીટીવી ફૂટેજ મંગાવી તપાસ કરતા બંને બનાવમાં આરોપીઓ એક જ હોવાનુ દેખાયું હતું.

ત્યારબાદ એલસીબીએ બે યુવાન દેખાતા સખ્સો અને એક મહિલા સહિતનાઓની ઓળખ મેળવવા તપાસ વિસ્તારી હતી. આ સખ્સો જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક રહેતા હોવાની વિગતો સામે આવતા પોલીસે વિક્રમ કાના બાવરી અને રામભાઈ કાંતિલાલ બાવરી તેમજ ચાંદની ધનરાજ ઉર્ફે ઘનીયો વાનખેડે નામના સખ્સોને આંતરી લઇ પૂછપરછ કરી હતી. જેમાં આ ત્રણેય સખ્સોએ એટીએમ આસપાસ રેકી કર્યા બાદ આસામીઓને નિશાન બનાવ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.