જામનગર અપડેટ્સ: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ એક સુરક્ષા એજન્સીની જાસુસી કરી ગોપનીય માહિતી પાકિસ્તાની નેવી ઓફિસરને આપનાર સ્થાનિક સખ્સને એટીએસની ટીમે ગઈ કાલે પકડી પાડ્યો છે. આ સખ્સની પ્રાથમિક પૂછપરછમાં સનસનાટીભરી વિગતો સામે આવી છે. સોશ્યલ મીડીયાના માધ્યમથી પાકિસ્તાની નેવી ઓફિસર સાથે સંપર્કમાં આવેલ જાસુસે કોસ્ટગાર્ડની બોટની ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોચાડી હોવાનો ખુલાસો થયો છે. એક દિવસના માત્ર ૨૦૦ રૂપિયાની લાલચે ભારતીય નાગરિકે દેશદ્રોહી પ્રવૃત્તિ કરી હોવાનો ઘટ:સ્પોટ થયો છે. સતત સાત માસ સુધી પાકિસ્તાની જાસુસ બની આ સખ્સે સુરક્ષા એજન્સીની ખુફિયા માહિતી દુશ્મન દેશ સુધી પહોચાડી છે.
ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોડની એક ટીમ ગઈ કાલે દ્વારકા આવી ઓખા જેટી પાસે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. છેલ્લા લાંબા સમયથી એટીએસની ટીમ દ્વારા દીપેશ બટુકભાઈ ગોહેલ પર નજર રાખી રહી હતી. દીપેશના ફોન અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એટીએસ દ્વારા નજર રાખવામાં આવી હતી. જેમાં છેલ્લા સાત માસથી આરોપી દીપેશ કથિત પાકિસ્તાની નેવી ઓફિસરના સંપર્કમાં હોવાની વિગતો સામે આવી હતી. જેને લઈને એટીએસની ટીમે ગઈ કાલે ઓખા પહોચી આરોપીને દબોચી લીધો હતો અને અમદાવાદ લઇ જઈ દેશદ્રોહ સબંધિત જુદી જુદી ધારાઓ મુજબ ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી.
ઓખામાં જ રહેતા દીપેશ ગોહેલ અહી કોસ્ટગાર્ડ સાથે સંકળાયેલ એક કોન્ટ્રાકટ પેઢીમાં કર્મચારી તરીકે ત્રણ વર્ષ પૂર્વે જોડાયો હતો. કોસ્ટ ગાર્ડની જુદી જુદી સીપમાં વેલ્ડીંગ સહીતના કામ કરતી કોન્ટ્રાકટ પેઢીમાં કામે લાગ્યા બાદ દીપેસને ફેસબુક સોશ્યલ મીડિયામાં પોતાના એકાઉન્ટમાંથી કથિત પાકિસ્તાની નેવી ઓફિસર સહીમાંએ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી જેનો સ્વીકાર કરી દીપેશે ચેટ શરુ કરી હતી ત્યારબાદ મોબાઈલ નંબરની આપલે થઇ હતી. મોબાઈલમાં વાતચીત દરમિયાન કથિત પાકિસ્તાની મહિલા નેવી ઓફિસરે દીપેસને કોસ્ટગાર્ડની બોટો અંગે જાસુસી કરવા અને આ જાસુસી પેટે રોજના ૨૦૦ રૂપિયા આપવાની લાલચ આપી હતી. જેને લઈને દીપેશ ગુપ્ત માહિતી આપવા તૈયાર થયો હતો. ઓખા જેટી પર રહેતી અને આવતી જતી બોટના નામ મોકલવા અને અંદરના ફોટોગ્રાફ સહિતની માહિતી આપવા નક્કી કરવામાં આવ્યું હતું. દીપેશ છેલ્લા સાત માસથી ઓખા જેટી પર કોસ્ટગાર્ડની બોટની જાસુસી કરતો હતો સાત માસ સુધી કરેલ જાસુસી પેટે દીપેશને ૪૨ હજાર રૂપિયા પણ ચૂકતે કરવામાં આવ્યા છે. દીપેશે તેના ત્રણ મિત્રોના બેંક એકાઉન્ટ મારફત આ રકમ વિડ્રો કરી હોવાની વિગતો પણ સામે આવી છે.
એટીએસની ટીમ દ્વારા દીપેશના મોબાઈલનો ટેકનીકલ સર્વેલ્સ કરતા પાકિસ્તાની આઈપી એડ્રેસ અંગેની વિગતો સામેં આવી હતી. જેને લઇ એટીએસની ટીમે દીપેસને પૂછપરછ અર્થે બોલાવ્યો હતો જેમાં તમામ વિગતો સામે આવતા તેની સામે દેશની જાસુસી કરવા બદલ કાયદાની જુદી જુદી ધારાઓ મુજબ ફરિયાદ નોંધી ધરપકડ કરી લેવામાં આવી છે. દીપેસના મિત્રોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ એટીએસની એક ટીમ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.