દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે સતત બે માસ સુધી પોરબંદર જિલ્લાના મિયાણી ગામના આરોપીએ પોરબંદરની યુવતી પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પોરબંદરની યુવતીએ આરોપી સામે કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરવા તજવીજ શરૂ કરી છે.

આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસ દફતરમાં નોંધાયેલી ફરિયાદની વિગતો મુજબ, પોરબંદરમાં બિરલા ફેક્ટરી પાછળ આવેલ 100 યાર્ડના દંગામાં રહેતા એક પરિવારની 19 વર્ષીય પુત્રી સાથે પોરબંદર તાલુકાના મિયાણી ગામના રાહુલ પરબતભાઈ વાઘેલા નામના યુવાને મિત્રતા કેળવી હતી, દરમિયાન આ યુવાને ગત તારીખ 3/6 ના રોજ લગ્નની લાલચ આપી હતી. દરમિયાન આરોપી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે પહોળી વિસ્તારમાં તેણીને લઈ ગયો હતો, જ્યાં આરોપીએ સતત બે માસ સુધી તેણીની મરજી વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ અવારનવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારીયો હતો. લગ્નની લાલચ આપી તેણી સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધનાર આરોપીએ લગ્ન નહીં કરતા આખરે યુવતીએ કલ્યાણપુર પોલીસનો સહારો લીધો હતો. તેણીએ આરોપી રાહુલ વાઘેલા વિરુદ્ધ બળાત્કાર સંબંધિત ફરિયાદ નોંધાવી છે.

જેને લઈને કલ્યાણપુર પોલીસ દફતરના સ્ટાફે યુવતીનો કબજો સંભાળી, મેડિકલ પરીક્ષણ કરાવવા તજવીજ હાથ ધરી છે તો બીજી તરફ આરોપીને પકડી પાડવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હોવાની અને આજ સાંજ સુધીમાં ધરપકડ દર્શાવે તેવી માહિતી પોલીસ સૂત્રોમાંથી મળી છે.