EXCLUSIVE : કસ્ટમના ચોરાઉ સોનાની કહાની : શરુઆત થી અંત સુધી…..આખરે ક્યા ચૂક થઇ ??? વાંચો વિસ્તારથી….

0
812

જામનગર અપડેટ્સ : એક કરોડ અને દસ લાખની કીમતના ગાયબ થઇ ગયેલ સોના અંગે જામનગર કસ્ટમ દ્વારા ફરિયાદ કરવામાં આવી ત્યારે રાજ્યભરમાં ચકચાર મચી ગઈ ગઈ છે. ચાર દાયકાઓ સાથે સંકળાયેલ સોનાની કહાની કેવી છે ? કચ્છ કસ્ટમે પકડેલ સોનું જામનગર કેમ લઇ આવવામાં આવ્યું ? જામનગરમાં ક્યા રાખવામાં આવ્યું હતું સોનું ? કેવી રીતે રાખવામાં આવ્યું હતું સોનું ? કચ્છ કસ્ટમ દ્વારા પરત લઇ જતી વખતે કઈ વિધિ કરવામાં આવી હતી ? શરૂઆતથી અંત સુધી કયા કયા કસ્ટમ અધિકારીઓએ આ પ્રક્રિયા કરી ? આખરે ક્યા ચૂક રહી ગઈ ? કયાં ગુમ થઇ ગયું સોનું ?

ફાઈલ તસ્વીર : મુન્દ્રા કસ્ટમની ટીમ ભૂતકાળમાં પકડેલ સોના સાથે…

બે દિવસ પૂર્વે જામનગર કસ્ટમ કમિશ્નર કચેરીના ઇન્સ્પેકટર રામસિંગ યાદવે સીટી બી ડીવીજનમાં ગયાબ થઇ ગયેલ સોનાના જથ્થા અંગેની ફરિયાદ નોંધાવી ત્યારે જામનગર રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું, વર્ષ ૨૦૦૧માં કચ્છમાં જોરદાર ભુકંપ આવ્યો, જેમાં ભુજ ખાતે આવેલ કસ્ટમ કચેરીને ભારે નુકસાન પહોચ્યું હતું. બિલ્ડીંગ ક્ષતિગ્રસ્ત બનતા અહી રહેલ સોનાની સલામતી માટે જે તે સમયે જામનગર કસ્ટમ ડીવીજન લઇ જવાનો સતાવાર નિર્ણય લેવાયો હતો. જે તે સમયના ભુજ ડીવીજનના ડેપ્યુટી કસ્ટમ કમિશ્નર વી. પી. સોલંકીએ પાંચ પેજના પરીસિષ્ટમાં તા. ૨૭/૨/૨૦૦૧ના રોજ લેખિત હુકમ કર્યો હતો. જેમાં સોના ચાંદીના ૨૮ સેમ્પલનો ઉલ્લેખ કરાયો હતો. જે પૈકી બે સેમ્પલમાં કુલ ૩.૧૪૯ ગ્રામ સોનાનો સમાવેશ થયો હતો. કમિશ્નર સોલંકીના હુકમને લઈને મુન્દ્રાના તાત્કાલિન સુપ્રીટેન્ડન્ટ પીએમ રાણા સહિતનો કાફલો ભુજથી એક ગાડીમાં કુલ નવ સુટકેસમાં ૨૮ પાર્સલ સાથેનો સોના-ચાંદીનો મુદ્દામાલ લઇ જામનગર આવ્યા હતા.

જામનગરમાં કસ્ટમ ડીવીજન (ગોડાઉન)ના ઇન્સ્પેકટર મોહનલાલ અને કચ્છથી આવેલ કમિશ્નર સોલંકીની ટીમ દ્વારા સેમ્પલ્સને જામનગરના ગોડાઉનમાં રાખવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે તે સમયે ઇન્સ્પેકટર મોહનલાલે નવ પાર્સલ સ્વીકારી, ગોડાઉનમાં લોક એન્ડ કી કર્યો હોવાનો તા. ૧૭/૨/૨૦૦૧નો સેરો મારી વિધિ પૂરી કરી હતી.

દરમિયાન વર્ષ ૨૦૧૬માં ભુજનું બિલ્ડીંગ રીનોવેટ થઇ જતા જામનગરમાં રહેલ સોના-ચાંદીના સેમ્પલ ફરી પરત કચ્છ લઇ જવાની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. ભુજના કસ્ટમ ડીવીજન દ્વારા જામનગર ડીવીજનને પત્ર વ્યવહાર દ્વારા કાર્યવાહીની જાણ કરવામાં આવી હતી. બંને તરફે થયેલ પત્ર વ્યવહાર બાદ જામનગર ડીવીજને તા. ૨૯/૮/૨૦૧૬ના રોજ પાર્સલ લઇ જવા ભુજ ડીવીજનને પત્ર પાઠવ્યો હતો. જેને લઈને તા. ૧૮/૧૦/૨૦૧૬ના રોજ ભુજ ડીવીજનના આસિસ્ટન્ટ કમિશ્નર એમ કે રાઠોડની ટીમ જામનગર આવી હતી. જામનગર કસ્ટમ ડીવીજનના તત્કાલીન સુપ્રીટેન્ડન્ટ જે એસ મલેક અને રાઠોડ વચ્ચે પાર્સલ આપ લેની પ્રક્રિયા થઇ હતી. જામનગર કસ્ટમને વર્ષ ૨૦૦૧માં જે તે સ્થિતિમાં પાર્સલનો સ્વીકાર કર્યો હતો તે જ સ્થિતિમાં રહેલ સોનાના પાંચ પાર્સલ ભરેલ બે સુટકેસ પરત કરી હતી. જે તે સમયે થયેલ આપલે અંગે બંને અધિકારીઓએ વૈધાનિક રીતે કાગળો પર સહી પણ કરી હતી. જો કે બંને સુટકેસમાં જે તે સમયે રાખવામાં આવેલ નમૂનાનું જ અને નિયત વજનનું સોનું  છે કે કેમ ? તેની ખરાઈ કરવામાં માટે લોક કરેલ સુટકેસ ખોલવા સહમત થયા હતા. અહીથી સમગ્ર કહાનીની શરૂઆત થાય છે. સુટકેશ ખોલવા માટે ચાવીની જરૂર હતી. પણ કચેરીમાંથી ચાવી જ ન મળી, આખરે બે પંચ અને એક સોનીને બોલાવવામાં આવ્યા અને ત્રણેયની હાજરીમાં સુટકેશને ખોલવામાં આવી હતી.જેમાં પ્રથમ નંબરની સુટકેસમાંથી શીલ કરેલ આઠ કવર મળ્યા હતા. કાપડની બેગીમાં સીલ કરેલ બે કવર, એક ટીન બોક્સ, એક લાકડાનું બોક્સ, એક પેપર બોકસ અને જીઆરઈ નવે. વી/૧૭-૮૬ લખેલ એક ખાલી કવર નીકળ્યું હતું.

 બીજા નંબરની સુટકેસનું તાળું તોડવામાં તેની ખરાઈ કરવામાં આવી હતી જેમાં અંદરથી લાકડાના ચાર સીલ બોક્સ નીકળ્યા હતા. તત્કાલીન સુપ્રીટેન્ડન્ટ કૃષ્ણ વર્માની હાજરીમાં શીલ તોડીને ખોલવામાં આવતા તેની અંદર રહેલ પાર્સલ,કવર અને સેમ્પલોની પંચો અને સોનીની હાજરીમાં ખરાઈ કરવામાં આવી હતી. આ કાર્યવાહીનું પંચનામું પણ કરવામાં આવ્યું હતું. તા. ૧૮/૧૦/૨૦૧૬ સુધી બધું  જ સમુસુતરું હતું. પણ અહીથી સમગ્ર ઘટનામાં વળાંક આવે છે.

કસ્ટમ હાઉસ કંડલાના એડીશનલ કમિશ્નર યુ બી રાખે દ્વારા તા. ૨૭/૧૦/૨૦૧૬ના રોજ જામનગર કસ્ટમ કચેરીને એક પત્ર પાઠવવામાં આવે છે, જેમાં તેઓએ કરેલ ઉલ્લેખ મુજબ, વર્ષ ૨૦૧૬માં મોકલાવવામાં આવેલ બે સુટકેસમાના પાર્સલના પંચનામા મુજબના પાંચ સેમ્પલોમાં દર્શાવ્યા મુજબનું સોનું ન હતું. પ્રથમ સેમ્પલમાંથી ૩૨૮ ગ્રામ, બીજામાંથી  ૬૭૫ ગ્રામ, ત્રીજા સેમ્પલમાંથી ૭૩૨ ગ્રામ, ચોથા સેમ્પલમાંથી ૩૧૨ ગ્રામ અને પાંચમાં સેમ્પલમાંથી ૧૦૬ ગ્રામ મળી કુલ ૨૧૫૬ ગ્રામ એટલે કે બે કિલો ૧૫૬ ગ્રામ સોનું ઓછું હોવાનું પત્ર પાઠવ્યો હતો. જામનગર કસ્ટમને પત્ર મળતા હડકંપ મચી ગયો હતો. ભુજ કચેરીને મોકલવામાં આવેલ ૩.૧૪૯ ગ્રામ સોનાના બે પાર્સલ પૈકી ૨.૧૫૬ ગ્રામ સોનું ગાયબ થઇ જતા છેલ્લા ચાર વર્ષ સુધી કચ્છ અને જામનગર કચેરીઓ વચ્ચે પત્ર વ્યવહારો થતા રહ્યા, જેમાં સોનું ક્યાં હોઈ શકે અને કેવી રીતે ઘટના ઘટી ? સહિતની બાબતોનો સમાવેશ થતો હતો. પરંતુ કોના દ્વારા સોનું ગાયબ કરી દેવામાં આવ્યું છે તેનો કોઈ તાગ આજ દિવસ સુધી મળ્યો નથી. આ સમગ્ર પ્રક્રિયા અંગે ચીફ કમિશ્નર ગુજરાત જોન, અમદાવાદ સ્થિત કચેરી તરફથી અજાણ્યા કસ્ટમ કર્મચારી સામે ફરિયાદ નોંધાવવાનો આદેશ છૂટ્યો હતો. જેને લઈને જામનગર સ્થિત કચેરી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here