જામનગર : એવા અનેક દંપતીઓ હતા જે એકબીજા સાથે જીવનભરનો સાથ નિભાવી સાથે જીવી ગયા અને એક સાથે આ દુનિયાને પણ અલવિદા કરી, આવી જ ઘટના જામનગરથી સામે આવી છે. જેમાં કોવિડ હોસ્પિટલમાં એક સાથે જ સારવાર અર્થે ખસેડાયેલ દંપતીએ એક-એક કલાકના અંતરે દમ તોડ્યો હતો. દંપતીની એક સાથે જ અર્થી પણ ઉઠી હતી.

જામનગર જનતા ફાટક નજીક આવેલ જનતા સોસાયટીમાં રહેતા તારાબેન જવાહરલાલ છતવાણી (ઉ.વ.65) અને જવાહરલાલ દયારામ છતવાણી (ઉ.વ.75)એ વર્ષો સુધી સાથે જીવન જીવ્યું હતું. કમનશીબે બન્નેને કોરોનાના લક્ષણો દેખાતા સાથે જ જી.જી.કોવિડ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ બંન્નેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ રિર્પોટ બંન્નેનો કોરોના નેગેટીવ આવ્યો હતો. આમ છતા તબિયત લથડતા આ દંપતિનું ગઇકાલે સાંજે કોવિડ હોસ્પિટલમાં મૃત્યું નિપજ્યું હતું.

માત્ર જુજ મીનીટોના ગાળામાં જ દંપતીએ આ ફાની દુનિયાને અલવિદા કરી હતી. બહુ ઓછા દંપતિ એવા હોય છે કે જે જીંદગી આખી સાથે જીવે છે અને એક જ દિવસે અનંતની વાટ પકડે છે. આ દંપતિ જામનગરના તબીબ ડો.સુરજ છતવાણી તેમજ કમલેશભાઇ છતવાણીના માતા-પિતા થતા હતા. ગઇરાત્રે જ આ દંપતિની તેમના નિવાસેથી એક સાથે જ અંતિમયાત્રા નિકળી હતી.
