જામનગર અપડેટ્સ : આગામી વર્ષમાં સરકાર વિવિધ સરકારી કચેરીમાં કલાસ વન-ટુ અને વર્ગ ત્રણની જુદી જુદી જગ્યાઓ પર બમ્પર ભરતી પ્રક્રિયા હાથ ધરશે, સરકારે રાજ્યભરમાં ખાલી જગ્યાઓની યાદી તૈયાર કરી પ્રક્રિયાને આગળ ધપાવવા કાર્યવાહી હાથ ધરી રહી છે. જો કે આ પ્રક્રિયા આગામી ચુંટણી પ્રક્રિયાના ભાગ રૂપે કરવામાં આવી રહી હોવાના પણ આક્ષેપો લાગી રહ્યા છે.
જીપીએસસી દ્વારા ક્લાસ વન- ટુની જુદી જુદી જગ્યાઓ પર ૧૨૦૦ જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરુ કરી દીધી છે. ત્યારે રાજ્યભરના કલાસ થ્રી અને પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે વધુ એક વખત સારા સમાચાર આવ્યા છે. સરકાર ગુજરાતના યુવાનો માટે 35 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવાની તૈયારી શરુ કરી રહી છે. સરકારી સુત્રોનું માનવામાં આવે તો સરકારે રોજગારીના લક્ષ્યાંકને પુરો કરવા માટે કવાયત શરુ કરી છે. ચાલુ વર્ષના બજેટમાં અપાયેલ ખાતરી મુજબ 35 હજારથી વધુ નોકરીઓ માટે પ્રક્રિયા કરશે.
રાજ્ય સરકાર દ્વારા થનારી ભરતીઓમાં જોઈએ તો ખાસ કરીને પોલીસ વિભાગમાં 11 હજાર કરતાં વધુ જગ્યાઓને ભરવામાં આવશે, તે ઉપરાંત અન્ય જગ્યાઓમાં 6 હજારથી વધુ શિક્ષકો અને 2 હજાર જેટલા લોકોને ઉર્જા વિભાગમાં રોજગાર આપવામાં આવશે એમ સરકારી સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. GPSCમાં હાલ મંજૂર થયેલી 2,200 જેટલી જગ્યાઓ પર 160થી વધુ ભરતીઓ થઈ રહી છે. આ પૈકી તાજેતરમાં જાહેર થયેલી 1,200 કરતાં વધુ ભરતીઓ માટે અરજીની તારીખ પહેલી ડિસેમ્બર સુધી લંબાવી દેવાઇ છે.
અન્ય જગ્યાઓ પર પણ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. જો કે ગત વર્ષની બાકી રહેલ પ્રક્રિયાને આગળ ધપાવી ૯૦૦ જગ્યાઓ પરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
જીપીએસસી ઉપરાંત શિક્ષણ અને અન્ય વિભાગોમાં ખાલી પડેલ વર્ગ ત્રણની જગ્યાઓ પર પણ બમ્પર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે એમ ગાંધીનગર સચિવાલયનો ચહલ પહલ અણસાર આપી રહ્યો છે. જો કે દરેક ચૂટણીઓ પૂર્વે સરકાર આવી જ રીતે પ્રસ્તાવના બાંધી ભરતી પ્રક્રિયાની જાહેરાત કરે છે પરંતુ ચૂંટણી બાદ પ્રક્રિયા આગળ વધતી નથી. સરકારની પ્રક્રિયા માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પુરતી મર્યાદિત ન રહે તે પણ સરકારે જોવું જોઈએ એમ બેરોજગાર ઉમેદવારોમાંથી માંગણી ઉઠવા પામી છે.
ઉલ્લેખનીય છે કે જીપીએસસીએ બહાર પાડેલી વન અધીકારી, ડીવાએસઓ, વહીવટી અધિકારી (જીએમડીસી), ઓફિસ આસિસ્ટન્ટ અને અન્ય જગ્યાઓ માટે કોઇપણ વિદ્યાશાખાઓમાંથી સ્નાતક થયેલાં ઉમેદેવારો અરજી કરી સરકારમાં અધિકારી બની શકશે, ભરતી પ્રક્રિયા શરુ થશે તો આગામી સમયમાં ખાનગી કોચિંગ કલાસીસ પણ ફરી ધમધમતા થવાનાં આસાર નિર્માણ પામશે.