શિયાળુ પાક: આ વખતે જિલ્લામાં આ પાકનું સૌથી વધુ વાવેતર

0
592

જામનગર જિલ્લામાં પિયતની સગવડતાના કારણે હાલ શિયાળુ સિઝનમાં અનેક પ્રકારના પાકોનું વાવેતર ચાલુ છે. જે અંતર્ગત, ચણા અંદાજિત ૮૧૮૭૦ હેકટરમાં, ઘઉં ૨૯૩૭૫ હેકટરમાં, ધાણા ૧૭૩૨૩ હેકટરમાં, જીરૂ ૭૨૯૬ હેકટરમાં, રાયડો ૩૦૯૧ હેકટરમાં અને અન્ય પાકો ૧૦૫૯૧ હેકટરમાં- આમ મળી કુલ ૧૪૯૪૫૬ હેક્ટરમાં વિવિધ પ્રકારના શિયાળુ પાકોનું વાવેતર કરવામાં આવેલ છે. હાલમાં, શિયાળુ પાકોના વાવેતર માટે યુરિયા ખાતરની જરૂરિયાત રહે છે.

જે અન્વયે, અત્યારે સમગ્ર જિલ્લામાં તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના વિક્રેતાઓ પાસે પુરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. જીલ્લામાં ૦૬ તાલુકા કેન્દ્રો તેમજ ગ્રામ્ય સહકારી મંડળીઓ કુલ મળીને રવિ પાકો માટે ઓનલાઈન પી.ઓ.એસ. મુજબ યુરિયા ખાતરનો અંદાજિત ૩૫૮૨ મેટ્રિક ટન સ્ટોક ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાપા ખાતેના ક્રિભકો કંપનીના રેક પોઈન્ટ પર યુરિયા ખાતરની રેક આવનાર હોય, તેમાંથી જામનગર જિલ્લાને કુલ ૮૦૦ મેટ્રિક ટન યુરિયા ખાતરની ફાળવણી થનાર છે.

આ ઉપરાંત, બેડી બંદર ખાતે આવેલ જી.એસ.એફ.સી. કંપનીની વેસલમાંથી જામનગર જિલ્લાને ૩૮૦ મેટ્રિક ટન યુરિયા ખાતરની ફાળવણી થનાર છે. હાલમાં ઉપલબ્ધ યુરિયાનો જથ્થો ૩૫૮૨ મેટ્રિક ટન તથા આગામી ૨-૩ દિવસમાં સપ્લાય થનાર ૧૧૮૦ મેટ્રિક ટન જેટલા જથ્થાને ધ્યાને લેતા જિલ્લામાં કોઈ પણ જગ્યાએ યુરિયા ખાતરની અછત ઉદભવવાની કોઈ શક્યતાઓ રહેલી નથી.

તેથી, યુરિયા ખાતરની અછત અંગેની અફવાઓથી દુર રહી યુરિયા ખાતરની ખરીદી માટે બિન-જરૂરી દોડાદોડી ન કરતા ખેડૂતોએ પોતાની જરૂરિયાત મુજબનો જથ્થો માન્ય રાસાયણિક ખાતરના વિક્રેતાઓ પાસેથી પોતાનો આધાર નંબર રજુ કરીને ખરીદીનું પાકું બિલ મેળવીને જ રાસાયણિક ખાતરની ખરીદી કરવા નાયબ ખેતી નિયામક દ્વારા સુચન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here