
જામનગર શહેર કક્ષાના ગણતંત્ર પર્વની વોર્ડ નંબર છ ખાતે અને જિલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વની કાલાવડ તાલુકાના નવા એપીએમસી મેદાનમાં કરવામાં આવી હતી. જામનગરમાં મેયર અને કાલાવડમાં જિલ્લા કલેક્ટરના હસ્તે દવજવંદન કરવામાં આવ્યું હતું. દવજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ મેયરે શહેરનું આગામી વિજન અંગે માહિતગાર કર્યા જયારે જિલ્લા કલેક્ટરએ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિમોહન સૈની સાથે ૯ પ્લાટુન પરેડનું નિરીક્ષણ કર્યું હતું. જામગનર મહાનગરપાલિકાના મેયરે ધ્વજવંદન કરી શહેરીજનોને સંબોધન કરતા કહ્યું કે, આગામી ૨૨ વર્ષ એટલેકે વિકસિત ભારત ૨૦૪૭ સુધીમાં શહેરને વિકાસની નવી દિશા આપવાની ખાતરી આપી, જયારે પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા ગણમાન્ય રાષ્ટ્રીય નેતાઓના નેતૃત્વમાં આઝાદીની લડતમાં અનેક લોકોના બલિદાનો પછી આપણને મહામૂલી આઝાદી પ્રાપ્ત થઇ છે. આવા સ્વાતંત્ર્યવીરોને આજે આપણે નમન કરીએ. તેમનો ઈતિહાસ અને આદર્શો આવનારી પેઢી માટે સદાય પ્રેરણારૂપ રહેશે.
ડો. બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્ણાંત અને વિદ્વાનો દ્વારા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. ઉત્તમ બંધારણના પરિણામે આપણો દેશ સુરાજયના નિર્માણ માટે તેમજ વંચિતો-શોષિતોના વિકાસ માટે અને પીડિતોના ઉત્કર્ષ માટે આગળ વધ્યો છે. આપણા ભારતનું બંધારણ વિશ્વના લોકતાંત્રિક દેશો માટે પણ આદર્શ નમુનારૂપ રહ્યું છે. આપણું રાષ્ટ્ર આ બંધારણ થકી દિનપ્રતિદિન પ્રગતિ કરી રહયું છે.
છોટીકાશી તરીકે પ્રચલિત જામનગર જિલ્લનો બાંધણી ઉધોગ, બ્રાસપાર્ટ ઉદ્યોગ તેમજ પેટ્રો કેમિકલ્સ જેવી મહાકાય રીફાઇનરી, વિન્ડ ફાર્મ અને રાષ્ટ્રીય પક્ષી અભ્યારણ તેમજ ભુજીયો કોઠો રાજ્યના ગૌરવ સમાન છે. જામ રણમલજીએ પ્રજાને રોજીરોટી આપવા તથા જળસંચયના હેતુથી જામ રણમલજીએ કેટલાંક બાંધકામ કરાવ્યા હતા. તેમાંથી એક છે ભુજીયો કોઠો. જેને હાલ નવરંગ રૂપ આપવામાં આવતા શહેરના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જામનગરની ઓળખમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા આઇકોનિક ઓવરબ્રિજનો ઉમેરો થયો છે.
આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સોમનાથ સ્વાભિમાન પર્વ જેવી વિચારધારાત્મક અને સાંસ્કૃતિક પહેલો થકી આપણામાં રાષ્ટ્રગૌરવ, સાંસ્કૃતિક મૂલ્યો અને આત્મગૌરવની ભાવના મજબૂત બની છે. સમગ્ર દેશ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના અભૂતપૂર્વ પ્રદાનને યાદ કરવું એ દરેક ભારતવાસી માટે ગૌરવની વાત છે. ભારતની અખંડ ચેતનાના પ્રતીક સમાન સોમનાથના જીર્ણોદ્ધારમાં તેમનો ફાળો પાયાના પથ્થર સમાન રહ્યો છે. સોમનાથ મંદિર પરિસરમાં ભવ્યતાથી ઊભેલું “દિગ્વિજય દ્વાર” એ માત્ર પ્રવેશદ્વાર નથી, પરંતુ મહારાજાની અખંડ રાષ્ટ્રભાવનાનું શિલ્પિત સ્મરણ છે.
ભારત દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત – 2047’ ના સંકલ્પને સાકાર કરવા તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. ઓપરેશન સિંદુર ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમનું ઉદાહરણ છે. જેની સફળતા બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને અભિનંદનનો સૌ પ્રથમ સંદેશ જામનગરના રાજવીશ્રી શત્રુશલ્યસિંહજીએ પાઠવ્યો હતો.આ વર્ષે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ‘ભારત-પર્વ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. પંદર દિવસ સુધી ચાલેલાં આ પર્વમાં ભારતની અનેકતામાં એકતા પ્રદર્શિત કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
વર્ષ-2003માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું બીજ રોપ્યું હતું, તે આજે એક વટવૃક્ષ બની ચૂકી છે. વૈશ્વિક રોકાણકારોમાં લોકપ્રિય બનેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં હવે ‘લોકલ’નો આયામ ઉમેરાયો છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેનું પ્રદેશ સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની પ્રથમ શૃંખલાનું મહેસાણા ખાતે આયોજન થયું. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની દ્વિતિય શૃંખલાનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સમાં 5.78 લાખ કરોડના રોકાણ માટે 5,000થી વધુ કરારો થયા.વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ હોય કે 2036નું ઓલિમ્પિક, ગુજરાત ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનવા પૂરી તાકાતથી આગળ વધી રહ્યું છે.
મહિલાઓનો સમાજમાં સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આપણા વડાપ્રધાનશ્રીએ કન્યા કેળવણીને સમાજ અને રાષ્ટ્રના વિકાસની ચાવી ગણાવી છે. જામનગર જિલ્લા વહીવટી તંત્રના સફળ પ્રયાસો થકી શાળાએ ન જતી 137 બાળકીઓને શાળામાં પુનઃ પ્રવેશ અપાવવામાં આવ્યો છે. શિક્ષણ, બાળ વિકાસ અને કન્યા કેળવણીની વિવિધ યોજના હેઠળ જિલ્લાની તમામ કન્યાઓને મફત શિક્ષણ આપવામાં આવે છે. આર.ટી.ઈ. હેઠળ રૂ. 620 કરોડથી વધુની ગ્રાન્ટ વિવિધ શાળાઓને આપવામાં આવી છે. સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ 18 હજારથી વધુ બાળકોને પોષણ અને શિક્ષણ આપવામાં આવ્યું છે.
જામનગર જિલ્લામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ 31 ગૌશાળાઓને રૂ.1 કરોડ 84 લાખની સહાય આપવામાં આવી છે. પશુપાલન વિભાગ દ્વારા એક વર્ષમાં 130 પશુ આરોગ્ય મેળા યોજી, 14 હજાર 460 પશુઓને સારવાર અને 29 હજાર 161 પશુઓને કૃમિનાશક દવા આપવામાં આવી છે.જામનગર જિલ્લામાં પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ 16 હજાર 341 વીજ જોડાણોમાં સોલાર પ્લાન્ટ લગાવાયા છે. ખેતીવાડી માટે 2 હજાર 758 વીજ જોડાણો આપવામાં આવ્યા. જલ જીવન મિશન હેઠળ જિલ્લામાં 1 લાખ 42 હજાર 84 ઘરોમાં નળ જોડાણો પૂર્ણ કરાયા, અને વિવિધ ઓગમેન્ટેશન યોજનાઓથી 427 ગામોને શુદ્ધ પાણી પહોંચાડાયું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આપણે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવ્યું છે. રાજ્ય સરકાર ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’નો મંત્રનો અપનાવી નાગરિકોને રોજગાર સાથે ઉત્તમ જીવનશૈલી આપવા પણ કટિબદ્ધ છે. આ મંત્રને અનુરુપ અમદાવાદ પાસે સાણંદ, વડોદરા પાસે સાવલી સુરત પાસે બારડોલી અને રાજકોટ પાસે હીરાસરને ‘સેટેલાઈટ ટાઉન’ વિકસાવવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકારે ગરીબ લાભાર્થીઓના આર્થિક બોજને દૂર કરવા અને રાષ્ટ્રવ્યાપી એકરૂપતા અને કાયદાનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા માટે લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અમલમાં મૂકી છે. છેલ્લા એક વર્ષમાં જામનગર જિલ્લામાં NFSA હેઠળ 8 લાખ 21 હજાર 327 લાભાર્થીઓને અનાજ વિતરિત કરાયું છે. સાથે જ 9 પંડીત દિન દયાળ ગ્રાહક ભંડાર શરૂ કરવામા આવેલ છે. જામનગર જિલ્લો ઉદ્યોગ અને સ્વરોજગારના ક્ષેત્રે પણ આત્મનિર્ભરતા તરફ મક્કમ ડગ માંડી રહ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન કુલ 244 એકમોને કામચલાઉ સહાય મંજૂરી પત્ર તેમજ 701 એકમોને 2 હજાર 607 લાખથી વધુની સહાય ચૂકવીને તેમને આર્થિક રીતે સદ્ધર કરવામાં આવ્યા છે. મત્સ્યોદ્યોગમાં 5 હજાર 407 મેટ્રિક ટન દરિયાઈ અને 1 હજાર 792 મેટ્રિક ટન આંતરિક મત્સ્ય ઉત્પાદન થયું છે. ચેરના વનોમાં ગુજરાત બીજા ક્રમે છે. ત્યારે આપણા જિલ્લામાં 974 હેક્ટરમાં ચેરનું વાવેતર કરાયું છે.
ગુજરાત આખા દેશમાં સૌથી સુરક્ષિત રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. તેનું કારણ છે ગુજરાત પોલીસની પ્રૉ-એક્ટિવ અભિગમ સાથેની કામગીરી. આધુનિક યુગમાં ગુનાઓનું સ્વરૂપ બદલાયું છે. આ બદલાયેલા સ્વરૂપને અનુરુપ પોલીસ પણ પોતાની કામગીરીમાં પરિવર્તન લાવી રહી છે. જામનગર પોલીસ વિભાગમાં પોલીસ અધિક્ષકની નવી કચેરીનું રૂ.20 કરોડ 36 લાખના ખર્ચે બાંધકામ ચાલુ છે, જે સુરક્ષા અને કાયદા અમલને વધુ મજબૂત કરશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સીધી દેખરેખ હેઠળ રાજ્યમાં રસ્તાઓના અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે. વિકાસની આ ગતિને વધુ વેગ આપવા જામનગર જિલ્લામાં હાલ રૂ.494 કરોડના ખર્ચે રસ્તા-પુલોના કામો અને રૂ.108 કરોડથી વધુના ખર્ચે મકાનોના 6 કામો પ્રગતિ હેઠળ છે. જે જિલ્લાની કનેક્ટિવિટી અને માળખાગત સુવિધાઓમાં અભૂતપૂર્વ વધારો કરશે.
વિકાસ માત્ર ઈમારતો કે માર્ગોથી જ નહિ, પરંતુ નૈતિક મૂલ્યો, સામાજિક સમરસતા અને સંવિધાન પ્રત્યેની નિષ્ઠાથી થાય છે. આપણું કર્તવ્ય છે કે આપણે દેશની એકતા, અખંડિતતા અને લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ.રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ૫ સાંસ્કૃતિક તેમજ દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સરકારના વિવિધ વિભાગના ટેબ્લો જેમાં વન વિભાગ, પીજીવીસીએલ, ITRA, કૃષિ, આત્મા, બાગાયત અને પશુપાલન વિભાગ, આઇસીડીએસ સેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વનવિભાગ,આરોગ્ય વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર,108ના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
જામનગર જિલ્લાના વિકાસ માટે કલેકટરશ્રીના હસ્તે રૂ.25 લાખનો ચેક નિવાસી અધિક કલેકટરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. બાદમાં મહાનુભાવોના હસ્તે જામનગર જિલ્લાના વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ૨૭ જેટલા વ્યક્તિઓ/સંસ્થાઓનું, આરોગ્ય કેન્દ્રોની, હોસ્પિટલની સુંદર સેવાઓ તેમજ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ ક્રમે આવેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિભાગનો ટેબ્લો, દ્વિતીય ક્રમે પીજીવીસીએલ અને તૃતીય ક્રમે આવેલ ખેતીવાડી વિભાગના ટેબ્લો વિજેતા થવા બદલ સમ્માન કરાયુ હતું.
કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પર્વમાં ધારાસભ્ય સર્વશ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડાશ્રી ડો.રવિમોહન સૈની, નિવાસી અધિક કલેક્ટરશ્રી શારદા કાથડ, અગ્રણીશ્રીઓ આર.સી.ફળદુ, શ્રી રમેશભાઈ મુંગરા, કાલાવડ તાલુકા પંચાયતના પ્રમુખ અને સદસ્યો, આગેવાનો, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ,
વિવિધ પ્લાટુનના પ્લાટુન કમાન્ડરશ્રીઓ, હોમગાર્ડ જવાનશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત હતા. કાર્યક્રમનું સફળ સંચાલનશ્રી હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.





