અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના માલકોલ ગામના સરપંચ બે લાખની લાંચ લેતા પકડાઈ ગયા છે. એક આસામીએ બનાવેલ દુકાનોમાંથી બે દુકાનોની માંગણી કર્યા બાદ ૧૯ લાખ આપવા નક્કી થયું ને સરપંચ બે લાખનો પ્રથમ હપ્તો લેતા એસીબીના હાથે પકડાઈ ગયા, જયારે જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના સરસઈ ગામ સરપંચ અને ઉપસરપંચે એક મહિલાનું શોષણ કરી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાયા બાદ સરપંચની ધરપકડ કરી છે.

અમદાવાદના માલકોલ ગામે એક આસામીએ રોડ ટચ સવા વીઘા જમીન એનએ કરાવી દુકાનોનું બાંધકામ શરુ કર્યું હતું. પરંતુ સરપંચ અરવિંદ દીપાભાઈ રાઠોડએ આ કામમાં વાંધા કાઢી અવારનવાર કામ બંધ કરાવી દેતા હતા. દરમિયાન આ બાંધકામમાંથી બે દુકાનો પોતાના નામે કરી દેવા સરપંચે આસામીને કહ્યું હતું. અને રકજક બાદ દુકાનો નહિ પણ વીસ લાખની લાંચ આપવા સરપંચે કહ્યું હતું.
છેલ્લે ૧૯ લાખ આપવાનું એ પણ હપ્તે હપ્તે ચૂકતે કરવાનું નક્કી થયું હતું. ગઈ કાલે સાંજે આ આસામીએ એસીબીને સમગ્ર લાંચ પ્રકરણની જાણ કરી હતી. જેને લઈને એસીબીએ ટ્રેપ ગોઠવી ગઈ કાલે સરપંચ પ્રથમ હપ્તા પેટે રૂપિયા બે લાખની લાંચ લેતા પકડાઈ ગયા હતા.

જયારે જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના સરસઈ ગામના સરપંચ ચેતન દુધાત અને ઉપ સરપંચ જયદીપ લાખાણી સામે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ દાખલ કરી છે. દસ માસ પૂર્વે સરપંચ ચેતન પરિણીતાના ઘરે પહોચ્યો હતો અને ત્યાં એકલી પરણીતાને તાબે થવા દબાણ કરી પતિને પતાવી દેવાની ધમકી આપી હતી. દસ માસ પૂર્વે તેણીની પર બળાત્કાર ગુજાર્યા બાદ સરપંચ તેણીને તેના ઘરે બોલાવતો અને ધાક ધમકીથી બળાત્કાર ગુજારતો હતો.

આ વાત ઉપ સરપંચ જયદીપને ધ્યાને આવતા તેઓએ પણ તેણીને બ્લેકમેઈલ કરી બળાત્કાર ગુજારી બીભત્સ ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ આ ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. પરિણીતાની ફરિયાદને પગલે પોલીસે સરપંચને પકડી પાડ્યો છે જયારે ઉપ સરપંચ હજુ ફરાર છે.