
જામનગર અપડેટ્સ: રાજ્યના મહેસુલ અને પોલીસમાં ફરજ બજાવતા રાજ્ય સેવકો સૌથી વધુ ભ્રષ્ટાચાર કરતા હોવાની સાબિતી એસીબીની ટ્રેપ્સ પરથી સામે આવતી રહી છે ત્યારે વધુ એક વખત લાંચ લેવામાં પોલીસ વગોવાઈ હોવાની ઘટના સામે આવી છે. મોરબીમાં એ ડીવીજન પોલીસ દફ્તરમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલને એસીબીની ટીમે ₹ બે લાખ પાંત્રીસ હજાર સાથે રંગે હાથ દબોચી લીધો છે. પ્લોટના દસ્તાવેજમાં ગોલમાલ સબંધે થયેલ અરજીના અનુસંધાને કોસ્ટેબલે તપાસનું ફિંડલું વાળી દેવા લાંચ માંગી હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદ એસીબીની ટીમે આરોપી કોન્સટેબલને રંગે હાથ પડકી અન્ય કોઈ પોલીસ કર્મચારીઓની સંડોવણી છે કે કેમ ? સહિતની વિગતો મેળવવા તપાસ હાથ ધરી છે.

અમદાવાદ એસીબીની ટિમ દ્વારા કરવામાં આવેલ ટ્રેપની વિગતો મુજબ, એક ફરીયાદીએ તા.૦૬/૦૯/૨૦૨૪ ના રોજ મોરબી જીલ્લાના ગામ નાની વાવડી ખાતે પ્લોટ ખરીદ કર્યો હતો. જે પ્લોટ બાબતે નગર દરવાજા પોલીસ ચોકી ખાતે ખોટી રીતે દસ્તાવેજ કર્યા બાબતે એક અરજી કરવામાં આવી હતી. જે અરજીમાં ગુનો દાખલ ન કરવા અને આ અરજીના નિકાલ કરવા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના નગરદરવાજા ચોકીમાં ફરજ બજાવતા વર્ગ ત્રણના આરોપી પોલીસ કોન્સ્ટેબલ હિતેષભાઇ સુખાભાઇ મકવાણાએ ફરીયાદી પાસે રૂ.બે લાખ પચાસ હજારની લાંચની માંગણી કરી હતી.

બંને પક્ષે થયેલ રકઝક્નાં અંતે રૂ.૨,૩૫,૦૦૦/- લાંચની રકમ આપવાનું નક્કી થયું હતું. જો કે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેને લઇ અમદાવાદ એસીબીના મહિલા પીઆઇ એ કે ચૌહાણની ટિમ દ્વારા ગઈ કાલે મોરબી ખાતે દલવાડી ચાર રસ્તા ખાતે આવેલ સુરેશ પાન પાર્લરની બાજુમાં આવેલ રોડ પર ટ્રેપ ગોઠવી હતી જેમાં કોસ્ટેબલ ફરિયાદી પાસેથી ₹ 2.35 લાખની રોકડ લેતા રંગે હાથ પકડાઈ ગયો હતો.
એસીબીની ટીમે આરોપીને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.