દેવભૂમિ દ્વારકા એલસીબીએ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે દરોડો પાડી નિર્મલ નિવાસ નામના મકાનમાં ચાલતા ક્રિકેટના સટ્ટાને પકડી પાડ્યો છે. પોલીસે એક સખ્સની ધરપકડ કરી છે જયારે અન્ય પાંચ સખ્સોના નામ ખુલવા પામ્યા છે. પોલીસે પાંચેય સખ્સોને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા એલસીબીની ટીમે ગઈ કાલે કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે દરોડો પાડ્યો હતો. લાંબામાં હાઇસ્કુલ પાસે, નાગનાથ મહાદેવ જતા રોડ પર, “નિર્મલ નિવાસ” નામના મકાનમાં રહેતો મુકેશભાઇ ભગવાનજી બારાઇ નામનો સખ્સ ક્રિકેટનો ડબ્બો ચલાવતો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન મુકેશ આઇ.પી.એલ. ક્રિકેટ ટુર્નામેન્ટના મેચ ઉપર રન ફેર, વિકેટ અને હાર-જીત તથા પૈસા વતી નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમાડતા આબાદ પકડાઈ ગયો હતો. પોલીસે આરોપીના કબ્જામાંથી રોકડા રૂપિયા ૪૦૧૫૦ તથા રૂપિયા ૧૩૦૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન, રૂપિયા દશ હજારની કિંમતનું એક એલઇડી ટી.વી. તથા એક સેટઅપ બોકસ, એક રીમોટ તથા પાવર કેબલ-૨ તથા ઓડીયો વીડીયો કેબલ – ૧ સહિતનો રૂપીયા ૬૩૬૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં પોતાના ડબ્બા પર રાજશીભાઇ રાવલીયા રહે. લાંબા મો.નં. ૯૦૧૬૪૧૭૫૦૯, ભરતભાઇ હાજાભાઇ કુછડીયા(મેર) રહે. ગાંધવી મો.નં. ૮૯૮૦૯૫૨૪૦૯ , વિજયભા માણેક, વાઘેર રહે. લાંબા મો.નં.૯૭૨૬૪૨૧૬૫૪, રાહુલ ભીમશીભાઇ ધોકીયા રહે. લાંબા મો.નં.૭૦૧૬૮ ૫૪૩૧૫, મનસુખભાઇ રામદતી (મારાજ) રહે.ગાંધવી મો.નં.૯૯૧૩૧૯૯૮૫૨ નામના સખ્સો પંટર તરીકે રમતા હતા જ્યારે સમગ્ર ડબ્બાની કપાત આરોપી કિંગભાઇ મો.નં. ૭૮૦૨૯૯૭૯૮૪, ૯૫૧૨૭૬૦૨૩૫ પાસે થતી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આ સખ્સોને ફરાર જાહેર કરી પકડાયેલ મુકેશની ધરપકડ કરી કલ્યાણપુર પોલીસને સુપ્રત કર્યો હતો.