
જામનગર અપડેટ્સ: જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા મથકે મજુરી કામ કરતા એક યુવાને એક સખ્સ પાસેથી આઠ ટકા વ્યાજે લીધેલ ત્રણ લાખની રકમ અને વ્યાજ ચૂકતે કરવા અન્ય વ્યાજખોર પાસેથી લીધેલ ત્રણ લાખ બાદ યુવાન બંને સખ્સોની ચુન્ગાલમાં સપડાઈ ગયો હતો. હાલ બંને વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરી હાથાપાઈ પર ઉતરી આવતા યુવાને બંને સખ્સો સામે સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. યુવાને બંને સખ્સોને મુદ્દલ રકમ કરતા છ ગણી રકમ ચૂકતે કરી દીધી હોવા છતાં વધુ રકમ વસુલ કરવા ધાકધમકીઓ આપતા હોવાનો આરોપ યુવાને લગાવ્યો છે.

કાલાવડ તાલુકા મથકે અમીપીર પાર્ક વિસ્તારમાં રહેતા કાશીમભાઇ હબીબભાઇ અબુભાઇ સમા નામના યુવાને ત્રણ વર્ષ પૂર્વે પોતાના ધંધામાં જરૂરિયાત મુજબ જામનગરના યાસીન અબ્દુલ સમા પાસેથી રૂ.૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ) માસીક આશરે ૮ % ના વ્યાજદરે લીધા હતા. જે મુદ્દલ પેટે કાસીમ દર મહીને તેઓ રૂ.૨૨,૦૦૦/- જેટલુ વ્યાજ ચુકવતો હતો. જો કે સમય જતા કાસીમ પાસે વઘુ રૂપીયા ન હોવાથી યાસીનને વ્યાજ-મુદ્દલ ચૂકતે કરતા જામનગર રહેતા યુનુસ અબ્દુલ સમા પાસેથી રૂ.૩,૦૦,૦૦૦ની રકમ માસીક આશરે ૮ % ના વ્યાજદરે લીધા હતા. ત્રણ ત્રણ લાખની રકમ આપી ત્યારે બન્ને આરોપીઓએ કાસીમ પાસેથી ત્રણ લાખનો ચેક તથા સાત કોરા ચેક લઇ લીધા હતા.

જો કે કાસીમભાઈએ બન્ને આરોપીઓ પાસેથી લીઘેલ રકમના છ ગણી રકમ પરત કરી આપેલ હોવા છતા બન્ને આરોપીઓએ કાસીમને અવાર નવાર જેમફાવે તેમ ભુંડા ગાળો આપી, તમામ રકમ એક સાથે આપી જા નહીતર તારા ઘરે આવીને તારા ટાટીયા ભાગી નાખશુ અને જાનથી મારી નાખશુ એવી ઘમકી આપી હેરાન પરેશાન કરી રૂપીયાની બળજબરી પુર્વક ઉઘરાણી કરી હતી. એટલું ઓછું હોય તેમ આરોપી યુનુશભાઇએ કાસીમને ઝાપટ મારી ધમકી પણ આપી હતી. જેને લઇ યુવાને બંને સખ્સો સામે સ્થાનિક પોલીસમાં વ્યાજખોરી સબંધિત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીઆઈ એનવી આંબલીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.