
જામનગર અપડેટ્સ: પંજાબથી એક ટ્રકમાં રવાના કરવામાં આવેલ દારૂનો વિશાળ જથ્થો દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં કટિંગ થાય તે પૂર્વે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચાલતી રેઇડ કરવામાં આવી અને ૯૩ લાખની કિંમતનો સાત હજાર ઉપરાંત બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પંજાબથી રવાના કરાયેલ દારૂનો જથ્થો દેવભૂમિ દ્વારકા જીલ્લાના કુખ્યાત બુટલેગર દ્વારા માંગવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એસએમસીની ટીમે હાલ જામનગર નજીકના દરેડ ગામે રહેતા ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી માળિયા પોલીસના હવાલે કર્યા છે. આ પ્રકરણમાં દ્વારકા જીલ્લાના બે બુટલેગર અને પંજાબના અજ્ઞાત સપ્લાયર સહીત સાત સખ્સોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

પંજાબ રાજ્યથી વાયા રાજસ્થાનથી ગુજરાત રાજ્યમાં છેક દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સપ્લાય કરવામાં આવતા વિદેશી દારૂના નેટવર્ક પર SMCએ ગઈ કાલે રાત્રે મોરબી જીલ્લામાં રેઇડ કરી છે. જેની વિગત મુજબ પંજાબથી જામનગર જીલ્લા આરટીઓ પાસીંગ ધરાવતો ચોક્કસ નંબરનો ટ્રક વિદેશ દારુ ભરી દ્વારકા જીલ્લા તરફ આવતો હોવાની SMCની ટીમને ચોક્કસ હકીકત મળી હતી. જેને લઈને SMCની ટીમે ગત રાત્રે મોરબી જીલ્લાના માળીયા રેલ્વે ક્રોસિંગ ખાતે વોચ ગોઠવી હતી. જેમાં જીજે ૧૦ ટીટી ૯૧૮૫ નંબરના શકાસ્પદ ટ્રકને પોલીસે આંતરી લઇ તલાસી લીધી હતી જેમાં આ ટ્રકમાં પાછળ અને ઉપરના ભાગે ભૂસા ભરેલ ૨૦૦ કટ્ટા મળી આવ્યા હતા. આ કટ્ટા નીચે વિદેશી દારૂનો સંતાડવામાં આવેલ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી દારૂનો જથ્થો નીચે ઉતારી ગણતરી કરી હતી જેમાં કુલ ૯૨,૬૯,૧૦૦ની કીમતનો ૭૨૧૩ બોટલ હોવાનું સામે આવ્યું હતું.

ટ્રક ચાલક અને કલીનરે દારૂ સંતાડવા માટે ઉપયોગમાં લીધેલ રૂપિયા ત્રણેક લાખની કિમતના ભૂસાના કટ્ટા પણ કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે ટ્રક, ભુસાના કટ્ટા અને દારૂ અને એક મોબાઈલ સહીત રૂપિયા ૧,૧૫,૬૯,૫૫૦ નો મુદ્દામાલ કબજે કરી માળિયા પોલીસ દફ્તને હવાલે કર્યો હતો. SMCની ટીમે પકડાયેલ જામનગર નજીકના દરેડ ગામના ચાલક ભાવેશ નાથા મોરી અને લીલા ટપુ મોરી નામના બંને શખ્સોની પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં આ દારૂનો જથ્થો અજ્ઞાત પંજાબી સખ્સે ભરી દેવભૂમિ દ્વારકા જીલ્લાના ટીંબડી ગામના બુટલેગર અરજણ આલા કોડીયાતર સુધી સપ્લાય કરવા સોંપેલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ પૂછપરછમાં અરજણ ઉપરાંત ભરત ઉર્ફે જીગો સોમાભાઈ કોડીયાતર, ટ્રક માલિક અને પંજાબના ત્રણ સપ્લાયર સહીત સાત સખ્સોની સંડોવણી સામે આવી હતી. SMCની ટીમે સાત ફરાર સહીત નવ સખ્સો સામે માળિયા મિયાણા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.