જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ આજે સતાધારી જૂથ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. પ્રથમ વખત હિંદુ મુશ્લીમને લઈને જનરલ બોર્ડ ગૂંજ્યું હતું. સ્ટેન્ડીગ ચેરમેન દ્વારા બજેટ રજુ કરી બોર્ડને સુપ્રત કર્યા બાદ તુરંત કોમ્યુનલ મુદ્દે ડખ્ખો થયો હતો. કોંગ્રેસના નગરસેવક અને પૂર્વ વિપક્ષી નેતાએ દબાણ હટાવ મુદ્દે મુસ્લિમ કાર્ડ ખેલતા જ બોર્ડ અધ્યક્ષ અને કોર્પોરેટર આમને સામને આવી ગયા હતા. રંગ મતી રીવર ફ્રન્ટ યોજનાને લઈને કોર્પોરેટર અસ્લમ ખીલજીએ મુસ્લિમોના જ દબાણ હટાવવા તંત્ર અધીરું થયું હોવાનો આક્ષેપ કરતા બોર્ડમાં ગરમી આવી હતી. કોંગી નગરસેવકને માફી માંગવાનું કહી એક તબ્બકે મેયરે બોર્ડ વિખેરી નાખવાની પણ ચીમકી આપી હતી. જો કે થોડી મીનીટોની ચડસાચડસી બાદ મામલો થાળે પડ્યો હતો.

બજેટનું પઠન કરાયા બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયાએ બોર્ડ અધ્યક્ષ અને કમિશ્નરને બજેટ સુપ્રત કર્યું હતું. ત્યારબાદ બજેટ મુદ્દે સતાધારી જૂથ અને વિપક્ષે પોતપાતાના મત રજુ કર્યા હતા. પ્રથમ સતાધારી જૂથના કોર્પોરેટર નીલેશ કગથરાએ બજેટના વખાણી પદાધિકારીઓ – વહીવટી તંત્રની પ્રસંસા કરી હતી. ત્યારબાદ વિપક્ષના કોર્પોરેટર અને પૂર્વ નેતા અસલમ ખીલજીએ પોતાનો મત રજુ કર્યો હતો. શરૂઆત વોટર વર્કસ શાખાના અધિકારી નરેશ પટેલને એકાતરા પાણી વિતરણ કરી ૩૬૫ દિવસનો ચાર્જ કેમ વસુલાય છે ? ઉપરથી ચાર્જ વધારાને પણ વણી લીધો હતો. ત્યારબાદ અસ્લમ ખીલજીએ રંગમતી નદી પર આકાર પામનારા નવા રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ બાબતે મુસ્લિમ કાર્ડ ખેલ્યું હતું. જો રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવે તો મોટાભાગના દબાણો દુર કરવા પડે, આ દબાણો પૈકીના મોટાભાગના દબાણ મુસ્લિમોના હોવાથી પૂર્વ વિપક્ષી નેતાએ સતાધારી જૂથ ભેદભાવ કરતો હોવાનો સણસણતો આક્ષેપ કર્યો હતો. શહેરના ક્રીમ ગણાતા એવા ઘણા વિસ્તારો છે જ્યાં પણ દબાણો છે. આ દબાણ દુર કેમ કરાતા નથી ? એવા સવાલ કરી તંત્ર કોમી ભેદભાવ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

અસ્લમ ખીલજીના આ આક્ષેપ સાથે જ બોર્ડ અધ્યક્ષ અડધી પીચે આવી ગયા હતા અને કોમી તંગદીલી ભર્યા આક્ષેપને નકારી કાઢી ખીલજીને માફી માંગવા કહ્યું હતું. બીજી તરફ ભાજપા કોર્પોરેટર ગોપાલ સોરઠીયાએ કોમ્યુનલ ભેદભાવના આક્ષેપને ફગાવી દીધા હતા. આ વખતે ભાજપા અને કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા. બોર્ડ અધ્યક્ષ બીનાબેન કોઠારીએ વિપક્ષી કોર્પોરેટર ખીલજીને માફી માંગવા કહ્યું હતું. જો કે ખીલજીએ માફી માગવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. વધુ સ્થિતિ વણસે તે પૂર્વે આમને સામે આવી ગયેલ ભાજપા કોંગ્રેસના નગરસેવકો વચ્ચે બંદોબસ્તમાં રહેલ પોલીસે મધ્યસ્થી કરવી પડી હતી. થોડી મીનીટોની શાબ્દિક ટપાટપી બાદ ફરી વખત ચર્ચાઓ શરુ થઇ હતી.




