જામનગરમાં પંચવટી ગૌશાળા નજીક રહેતા એક વેપારીના ઘરે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આઈપીએલની મેચ પર ના સટ્ટાના નેટવર્ક ને ઉઘાડું પડયું છે પોલીસે વેપારી સહિત ત્રણ શખ્સોની રોકડ અને મોબાઈલ સાથે ધરપકડ કરી છે સટાના આ નેટવર્કમાં કપાત લેનાર સહિત નવની સંડોવણી સામે આવી છે. પોલીસે આ નવે શખ્સોને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરમાં પંચવટી ગૌશાળા નજીક ભગવતી એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં રહેતા વેપારી જીતેન્દ્ર મનસુખલાલ સુરાણી પોતાના મકાનમાં બહારથી અન્ય શખ્સોને બેસાડી આઈપીએલ પર સટ્ટાનું નેટવર્ક ચલાવતો હોવાની સીટી બી ડિવિઝન પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. આ હકીકતના આધારે ડી સ્ટાફના પી.એસ.આઈ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ગતરાત્રે દસ વાગ્યાના સુમારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન મકાનમાલિક જીતેન્દ્ર વિઠલાણી ઉપરાંત મોબાઇલ ફોન પર સટ્ટો લઈ આંકડા લખી રહેલા કરસન રામાભાઇ સોલંકી અને પિયુષ પરસોત્તમભાઈ નામના ત્રણ શખ્શો આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે આ ત્રણેય શખ્સોના કબજામાંથી રૂપિયા 27500 ની રોકડ અને ત્રણ મોબાઈલ સહિતનો રૂપિયા ૪૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપી જીતેન્દ્ર પોતાના અન્ય બે સાગરિતો સાથે મળી પોતાના કબજાના મકાનમાં બેસી પોતાના અંગત ફાયદા માટે પોતાના મોબાઈલ ફોનમાં આવેલ ક્રિકેટ લાઇવ ગુરુ નામની એપ્લિકેશન માં આઇપીએલની ટી-૨૦ મેચ નું લાઇવ પ્રસારણ જોઈ, ગ્રાહકો ને મોબાઈલ ફોન પર વાતચીત કરી, હાર જીત અને રન ફેર ના આકડા લઈ જુગાર રમાડતો હોવાનું વિગતો જાહેર થઈ છે. પોલીસે આ ત્રણેય શખ્સોની પ્રાથમિક પૂછપરછ કરતા અન્ય નવ શખ્સોની સંડોવણી ખુલવા પામી હતી. જેમાં દરેડ ગામના સવાભાઈ ભાદાભાઇ ટોયટા, હિરેન ગોસ્વામી, નટુભા, મચ્છર નગરના વિજયભાઈ પુરોહિત, રામેશ્વર નગરમાં રહેતા કરણ ભરવાડ,ડી કે, કનુ જામ, મચ્છર નગરમાં રહેતા ધોળકિયા અને ભરતસિંહ ઝાલા તેમજ ગ્રીન સીટી વિસ્તારમાં રહેતા પ્રવિણ અને રજાક નામના શખ્સોની સંડોવણી ખુલવા પામી હતી. પોલીસે આ તમામ શખ્સોને ફરાર જાહેર કરી, તમામની સામે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.