સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગર શહેરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલના બાળ વિભાગમાં બાળ દર્દીઓની સંખ્યા વધતા બે નહીં ત્રણ નહીં પરંતુ એ બેડ પર ચાર-ચાર બાળ દર્દીઓને સારવાર આપવાની નોબત આવી પડી છે. છેલ્લા એક પખવાડિયાથી સતત બાળ દર્દીઓનું પ્રમાણ વધતું જ રહ્યું છે. જેમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે.
ઓરી, અછબડા અને સામાન્ય તાવ સહિતની બીમારીઓને લઈને હાલ હોસ્પિટલની ક્ષમતા કરતા ત્રણ ગણા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તો બીજી તરફ હોસ્પિટલ તંત્ર અલાયદા વોર્ડ અને સ્ટાફની ઘટ પુરવા લાગી ગયું છે પરંતુ સતત વધતા જતા બાળ દર્દીઓને લઈને હાલ આરોગ્ય તંત્રમાં એક સાધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

જામનગર શહેરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલ હાલ બાળ દર્દીઓમાં સતત વધી રહેલી દર્દીઓની સંખ્યાને લઈને વધુ એક વખત ચર્ચામાં આવી છે. શહેરની જીજી હોસ્પિટલ છે જ્યાં લગભગ ત્રણ ગણા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

છેલ્લા એક પખવાડિયાથી સામાન્ય તાવ શરદી, ઉધરસ, ઓરી, અછબડા, ન્યુમોનિયા સહિતની બીમારીઓનું પ્રમાણ વધતા જામનગર સહિત અન્ય જિલ્લાઓમાંથી બાળ દર્દીઓ અહીં સારવાર લેવા આવી રહ્યા છે. જેના કારણે એક બેડ પર બે નહીં ત્રણ નહીં પરંતુ ચાર ચાર દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે સૌથી ચોકાવનારી વાત તો એ છે કે ચેપી કહી શકાય તેવા ઓરી રોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

ઓરીના ભરડામાં એક બાળ દર્દીના માતા તેમજ એક તબીબ પણ ઝપટે ચડયા છે. જ્યારે તાવ આવતા મેડિકલ વિભાગના અન્ય સાત કર્મચારીઓ પણ મેડિકલ લિવ પર છે.

હોસ્પિટલ તંત્ર દ્વારા ઓરીના વધતા જતા દર્દીઓને લઈને અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. એમપી શાહ મેડિકલ કોલેજના પેડિયાટ્રિક વિભાગના એસોસીએટ પ્રોફેસર મૌલિક શાહના જણાવ્યા અનુસાર ટ્રોમા સેન્ટર ઉપર આવેલ માનસિક વોર્ડમાં હાલ પંદર બેડનો એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 11 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જ્યારે અન્ય વધતા જતા બાળ દર્દીઓ માટે પણ વધુ એક વોર્ડ તૈયાર કરવા હોસ્પિટલ તંત્ર કામે લાગી ગયું છે.

બીજી તરફ સમસ્યા એ છે કે આ બાળ દર્દીઓને સારવાર માટે ડોક્ટરોનો અભાવ પણ ઊડીને આંખે વળગે છે. હાલ ચાઇલ્ડ હેલ્થ વોર્ડમાં 90 બેડની ક્ષમતા છે અને અહીં 216 બાળ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ બાબતે હોસ્પિટલ પ્રશાસન સમક્ષ સવાલો કરાવતા તેઓએ વધુ એક વોર્ડ ઉભો કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું અને અન્ય તાલીમની ડોક્ટરોને બાળ વોર્ડમાં તેનાત કરી દેવામાં આવ્યા હોવાથી જણાવ્યું છે.

પરંતુ બાળ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થાય છે ત્યારે વિસ્ફોટક સ્થિતિનું નિર્માણ થાય તે પૂર્વે આરોગ્ય વિભાગ અને જામનગરની નેતાગીરીએ પણ અંગત રસ લઈ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ એમ નાગરિકો મત દર્શાવી રહ્યા છે.





