જામનગર: જોડિયા PSIએ કર્યું કાર પર ફાયરિંગ

0
6124

જામનગર જિલ્લાના જોડિયા નજીક પાદરા પાટીયા પાસે ગઈકાલે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. મોરબી તરફથી પુર ઝડપે આવતી એક scorpio કારે. નાકાબંદી કરી રહેલા પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. નાકાબંદીમાં રહેલ જોડિયા પીએસઆઇએ તાત્કાલિક સર્વિસ રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પરંતુ આરોપીઓ કાર પરત  આમરણ તરફ હંકારી નાસી છૂટ્યા હતા. પોલીસે પીછો કરીને કારને આંતરી લઈ, કારમાંથી નીચે ઉતરી નાસી ગયેલ બે શખ્સોને પણ સીમ વિસ્તારમાંથી પકડી પાડ્યા છે. કોણ છે આ બંને શખ્સો ? શું કર્યું હતું બંને શખ્સોએ ?  પોલીસે કેવી કાર્યવાહી કરી ? આવો જાણીએ આ તમામ વિગતો આ અહેવાલમાં

કેવી છે ઘટના ? શાબાશ જોડિયા પોલીસ

મોરબીથી એક યુવાનનું અપહરણ કરી ને બે શખ્સો સ્કોર્પિયો કારમાં જામનગર તરફ ભાગી છુટ્યા હોવાની મોરબી પોલીસે જામનગર પોલીસને જાણ કરી હતી. જામનગર એલસીબીએ જોડિયા પોલીસને વોચ રાખવા અને નાકાબંધી કરવા સૂચના આપી હતી. જેના પગલે જોડીયા psi આર ડી ગોહિલ સહિતનો સ્ટાફ સચેત થયો હતો. પીએસઆઇ ગોહિલે તાત્કાલિક ત્રણ ટીમ બનાવી ત્રણેય ટીમને અલગ અલગ સ્થળે નાકાબંધી કરવાની સૂચના આપી. જેમાં પોતે જમાદાર અજીતસિંહ જાડેજા, હેડ કોસ્ટેબલ જીતેશ મકવાણા, કોસ્ટેબલ રવિ મઢવી અને ડ્રાઇવર રવિ જોશી સાથે ભાદરા પાટિયા પાસે તેમજ નિકુલસિંહ જાડેજા અને અશોક સિંહ જાડેજા ને બાદનપર પાટિયા પાસે નાકાબંધીમાં રાખ્યા હતા જ્યારે ખીરી ચેકપોસ્ટ પર જમાદાર આર એમ જાડેજાને તૈનાત કરવામાં આવ્યા હતા. દરમિયાન સાડા ચાર વાગ્યાના સુમારે મોરબી તરફથી એક કાળા કલરની સ્કોર્પિયો પૂર ઝડપે ઘસી આવી હતી. પોલીસની નાકાબંધી જોઈને scorpio ચાલકે પૂર ઝડપે પોતાની કાર ચલાવી પીએસઆઇ ગોહિલ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો તો પરંતુ તેઓ હટી ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ અન્ય પોલીસ સ્ટાફ પર કાર ચડાવી દઇ હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને પીએસઆઇ ગોહિલ હરકતમાં આવ્યા હતા અને તેઓએ પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી હતી. બીજી તરફ નાકાબંધીને જોઈ આરોપીઓએ પોતાની કાર પરત આમરણ તરફ પુર ઝડપે હંકારી હતી. આ જ સમયે પીએસઆઇ ગોહિલે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી નાસી છૂટેલા આરોપીઓ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક રાઉન્ડ મિસ ફાયર થયો હતો. જોકે આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જેને લઈને પીએસઆઇ ગોહિલ સહિતના સ્ટાફે સરકારી વાહન સાથે આરોપીઓનો પીછો કર્યો હતો. દરમિયાન આરોપીઓની કાર કેશીયા ગામના પાટીયા પાસે રોડ સાઈડના સિમેન્ટ પોલ પર અથડાયેલી હાલતમાં મળી આવી હતી. પરંતુ આરોપીઓ મળ્યા ન હતા. જેને લઈને પોલીસે આ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું એક કલાકની જહેમત બાદ બંને આરોપીઓ હાડાટોડાની સીમમાંથી થાકેલી પાકેલી હાલતમાં મળી આવ્યા હતા. મોરબી તાલુકાના વાવડી ગામે રહેતા સલીમ દાઉદ માણેક અને મોરબીમાં વાવડી રોડ પર રહેતા રફીક ગફુર મોવર નામના બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

ઘટના પાછળની આવી છે ઘટના…

મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં સતિષભાઈ મેરજાનું સૂર્યા પ્લાસ્ટિક નામનું કારખાનું આવેલું છે. આ કારખાનામાં હિતેશ રામાવત નામના લેબર કોન્ટ્રાક્ટરના માણસો કાર્યરત છે. આ કોન્ટ્રાક્ટર સાથે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામના રશીદાબેન હનીફભાઈ જામ તેમની દીકરી સાઈના જામ તેમજ શાહીન અને મુસ્કાન ઉંમર ભાઈ સોઢા તથા તેની બેન નાઝમીન, સમીના તથા અસ્મિતા અને રિયા તેમજ આરીફ તથા મહેબૂબ નામના માણસો કામ કરે છે.  ગઈ કાલે બપોરે કારખાનામાં અગાઉ કામ કરતી ગોવાણીયા ગામની માયા નામની યુવતી કારખાને આવી હતી અને મુસ્કાનને ખરીદ કરવાના બહાને બજારમાં લઈ ગઈ હતી દરમ્યાન લેબર કોન્ટ્રાક્ટર પીપળી ગામેથી વેપાર કરીને પરત આવતા તેઓને આ બાબતની જાણ થઈ હતી. માતાએ ના પાડવા છતાં મુસ્કાન માયા સાથે ગઈ હોવાનું ધ્યાને આવતા લેબર કોન્ટ્રાક્ટર તાત્કાલિક માયા અને મુસ્કાન નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બંને નવયુગ સિલેક્શનમાં ખરીદી કરવા ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ લેબર કોન્ટ્રાક્ટર ઉપરોક્ત સ્થળે પહોંચ્યા હતા પરંતુ ત્યાં બંને મહિલાઓ જોવા મળી ન હતી. દરમ્યાન મહેશ્વરી કોલ્ડ્રીંક્સ નામની દુકાન નજીક વિજય ટોકીઝ પાસેથી આ બંને મળી આવી હતી. બપોરના એક વાગ્યાથી બજારે નીકળ્યા છો હજુ કેમ ખરીદી કરેલ નથી તેમ લેબર કોન્ટ્રાક્ટરે કહેતા માયાએ તખતસિંહજી રોડ પર આવેલી દુકાનમાંથી કપડાની ખરીદી કરી હોવાનું કહ્યું હતું.

જેને લઈને લેબર કોન્ટ્રાક્ટર રામાવતે બંને મહિલાઓને સાથે રાખી નવયુગ સિલેક્શન પહોંચ્યા હતા પરંતુ આ બંને મહિલાઓ અગાઉ આ દુકાને ખરીદી કરવા આવી ન હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન માયાએ ફોન કરીને અન્ય કોઈ શખ્સને બોલાવી લીધો હતો થોડી જ વારમાં સ્થળ પર પહોંચેલ સલીમભાઈ નામના શખ્સને માયાએ કહ્યું હતું કે તું  શા માટે છોકરીઓને લેવા આવેલ છો? એમ.કહી કોન્ટ્રાક્ટર હિતેશભાઈ પર હુમલો કરી માર મારી દુકાન બહાર કાઢી ધોલ ધપાટ કરી હતી. જ્યાં તેની સાથે રફીક નામનો શખ્સ જોડાયો હતો અને બંને શખ્સોએ હિતેશભાઈ પર હુમલો કરી ઠીકા પાટુનો માર મારી ઢસડીને શોરૂમની બહાર રોડ પર લઈ ગયા હતા ને રોડ બહાર કાળા કલરની scorpio માં બળજબરીથી બેસાડી દીધેલ, ત્યારબાદ સલીમ અને રફીકે કાર જડેશ્વર મંદિર તરફ પુરપાટ હંકારી દીધી હતી, ચાલુ કારે પણ સલીમે હિતેશભાઈ ને માર માર્યો હતો. દરમિયાન જડેશ્વર મંદિર પાસે લેબર કોન્ટ્રાક્ટરને કારમાંથી ઉતારી દઈ આરોપીઓ રેલવે સ્ટેશન તરફ નાસી ગયા હતા. આ બનાવ સંદર્ભે હિતેશભાઈએ મોરબી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ કર્યા બાદ સ્કોર્પિયો સવાર બંને આરોપીઓ જામનગર તરફ નાસિયા હોવાની હકીકતને લઈને મોરબી પોલીસે જામનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. જામનગર પોલીસે  બંને આરોપીઓને દબોચી લીધા હોવાની જાણ કરી હતી જેને લઈને મોરબી પોલીસે જામનગર પોલીસ પાસેથી બંને આરોપીઓનો કબજો સંભાળી પરત મોરબી લઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here