જામનગર: અર્ચનાની હત્યા પૂર્વે ભાવેશે એક પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી? 

0
2264

જામનગર: જામનગર નજીકના ચેલા ગામની પ્રેમિકાને લાલપુર પંથકમાં નાની રાફૂદળ ગામે પોતાના કાકાની  વાડીએ લઇ જઈ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દેનારા આરોપીને એલસીબીએ ગૌહાટી-આસામથી પકડી પાડ્યો છે. આ સખ્સે પ્રેમિકાની હત્યા પૂર્વે રાજકોટમાં એક પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની તથા જામનગરમાં એક પ્રેમિકાનું ઘર સળગાવી દીધાની વિગતો સામે આવી છે. રાજકોટ હત્યા પ્રકરણમાં આરોપી નિર્દોષ છૂટ્યો હતો અને જામનગરમાં કારખાનામાં કામે લાગ્યો હતો. જ્યાં કામ કરતી અર્ચના સાથે આંખ મળી હતી. અર્ચનાએ લગ્નની જીદ કરતા આરોપીએ તેણીના જન્મ દિવસે જ તેણીને રહેસી નાખી હતી.

મૂળ દેવભૂમિ દ્વારકા જીલ્લાના વતની એવા ભાવેશ સોનગરા નામના આરોપીએ ગત તા. ૫/૪/23ના રોજ લાલપુર તાલુકાના નાની રાફૂદળ ગામે પોતાની પ્રેમિકા અર્ચના કણજારીયાની કરપીણ હત્યા નીપજાવી હતી. જે દિવસે જ પ્રેમિકાનો જન્મ દિવસ હતો તે દિવસે જ બંને વચ્ચે લગ્ન કરવા બાબતે બોલાચાલી થઇ હતી ત્યારબાદ આરોપીએ તેણીનું ગળું વાઢી હત્યા નીપજાવી હતી. પોલીસ તપાસમાં આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ સામે આવ્યો છે.

આ હત્યા પૂર્વે આરોપી ભાવેશે રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસ દફતર હસ્તકના વિસ્તારમાં પોતાની પ્રેમિકાની હત્યા નીપજાવી હતી. આ પ્રકરણમાં ભાવેશ કોર્ટમાં નિર્દોષ સાબિત થયો હોવાનું ડીવાયએસપી વાઘેલાએ જણાવ્યું છે. આ પ્રકરણ બાદ ભાવેશ જામનગર સ્થાઈ થયો હતો. જામનગરમાં સીટી સી ડીવીજન વિસ્તારમાં પણ પ્રેમાલાપ રચી ભાવેશે પોતાની પ્રેમિકાના ઘરને આગ ચાંપી હોવાનું પોલીસે જણાવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર પોલીસ દફતરમાં આરોપી ભાવેશે એક યુવતીનો ફોટો મર્ફ કરી વાયરલ કરવાનું કૃત્ય કર્યું છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા ભાવેશના કારનામાંને જાણવામાં અર્ચના અસર્થ રહી હોવાથી તેણીને ભોગવવું પડ્યું છે ત્યારે આ કિસ્સો તમામ યુવા વર્ગ માટે લાલબતી ધરી રહ્યો છે. પ્રથમ નજરના પ્રેમને ઓળખવામાં થાપ ખાઈ જતી અનેક યુવતીઓએ આ બનાવ પરથી બોધપાઠ લેવો જ રહ્યો, 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here