જામનગર અપડેટ્સ: જામનગર નજીકના ઠેબા ગામે રહેતા એક કારખાનેદારને મોટા નફાની લાલચ આપી માર્કેટિંગ એપ વડે શેર બજારમાં મોટું રોકાણ કરાવી કોઈ અજ્ઞાત ઈ-ટોળકીએ ટૂંકા ગાળામાં રૂપિયા ૧.૮૭ કરોડની છેતરપીંડી આચરી હોવાની સાયબર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રથમ મેસેજ કરી ત્યારબાદ કોલ કરી શેર માર્કેટમાં મોટો નફો અપાવી દેવાની લાલચ આપી પોતાના ગ્રુપમાં જોઈન કરાવી કારખાનેદારને સતત ચાલીસ દિવસ સુધી રોકાણ કરાવ્યુ હતું. ત્યારબાદ ઓનલાઈનની તમામ પ્રક્રિયા બંધ થઇ જતા કારખાનેદારને સમજાયું હતું કે આપણી સાથે તો ફ્રોડ થઇ ગયો.
એક દિવસ બપોરે કારખાનેદારને મેસેજ આવ્યો કે….

જામનગર નજીકના ઠેબા ગામે રહેતા અને દરેડ જીઆઈડીસી ફેસ ૩માં હેરિક ટેકનોલોજી બ્રાસનું કારખાનું ધરાવતા કૌશિકભાઇ જયસુખભાઇ માધવદાસ અગ્રાવત સાથે શેર બજારમાં રોકાણ અને મોટા પ્રોફિટની લાલચે છેતરપીંડી આચરવામાં આવી છે. જેમાં ગત તા. ૨/૧/૨૦૨૫ના રોજ વોટ્સએપ નંબર +૧૮૫૯૨૮૭૫૨૨૮થી કોન્ટેક્ટ કરી, ટ્રેડીંગ એડવાઈઝર ટ્રેસી ક્લાર્ક તરીકેની આપી, શેર બજારમાં મોટા પ્રોફિટ સાથે નાણા રોકવાની લાલચ આપે છે. ત્યારબાદ મેટેક્ષઓપસન વેબ સાઈટની એક લીંક મોકલવામાં આવે છે. આ લીંક કૌશિકભાઈએ ઓપન કરતા તેને એક ટ્રેડીંગ પ્લેટફોર્મ ફોર્મ ખુલ્યું હતું. જેમાં તેઓની કંપની મારફતે શેર બજારમાં ટ્રેડીંગ કરવાનું કહેવામાં આવે છે.
સિલ્વર, ગોલ્ડ અને પ્લેટીનમ કેટેગરીની મેમ્બરસીપ

પોતાની મેટેક્ષઓપસન કંપની શેર બજારમાં ઓનલાઈન રોકાણ કરવાની સલાહ આપી દલાલીનું કામ કરતી હોવાની એડવાઈઝરની સુચન બાદ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટીનમ તેમજ સિગ્નેચર તરીકે ચાર જુદી જુદી કેટેગરીમાં રોકાણ કરતા એક બીજાથી ચડિયાતો નફો અપાવવાની જે તે કંપની તરફથી લાલચ આપવામાં આવી હતી જેને લઈને કૌશિકભાઈએ સિલ્વર મેમ્બરશીપ પસંદ કરતા તેઓને ટ્રેડીંગ હીટ શેરી નામના વોટ્સએપ ગૃપમાં જોઈન કરી દેવામાં આવ્યા હતા. અને તેઓને સેર બજારમાં ઇન્વેસ્ટ શરુ કર્યું હતું.
૪૧ દિવસમાં કરાયું રૂપિયા ૧.૮૭ કરોડનું રોકાણ

ઓનલાઈન વ્યાપાર કરાવતી ટોળકીએ કૌશિકભાઈને બેંક ઓફ મહારાષ્ટ્રના દિવાન એન્ટરપ્રાઈઝ નામના ખાતેદાર પેઢીનો એકાઉન્ટ નંબર આપી જે તે ટ્રેડીંગની રકમ આ ખાતામાં જમા કરાવવા પણ સુચના આપી હતી. જેને લઈને કૌશિકભાઈએ ૮/૧/૨૦૨૫થી નિયમિત રોકાણ શરુ કર્યું હતું. પ્રથમ સપ્તાહમાં કારખાનેદાર વેપારીએ દરરોજનું ૧૫થી માંડી ૮૫ હજાર રૂપિયા જે તે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધું હતું. જેમ જેમ રોકાણની રકમ વધતી ગઈ તેમ તેમ ટોળકીએ મોટો પ્રોફિટ બતાવવો શરુ કરી દીધો હતો. રોકાણની સામે મોટો પ્રોફિટ જોઈ વેપારી વધુ ને વધુ રોકાણ કરતા ગયા અને નાણા જેતે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા ગયા હતા. કૌશિકભાઈએ તા. ૧૭/૨/૨૫ સુધીના ૪૧ દિવસમાં ૪૫ ટ્રાન્જેક્શન કરી જે તે બેંક ખાતામાં રૂપિયા એક કરોડ, સીત્યાસી લાખ, ચુમાલીસ હજાર ચારસો સાત રૂપિયા જમા કરાવ્યા હતા.
એક દિવસ વેબસાઈટ લીંક જ ડીલીટ થઇ ગઈ

જુલાઈ માસનો એક દિવસ એવો આવ્યો કે જે તે વેબ્સાઈટ પર મોટું પ્રોફિટ બતાવતી લીંક જ ડીલીટ થઇ ગઈ હતી. હવે વેપારીને એહસાસ થયો કે આપણી સાથે મોટી છેતરપીંડી થઇ ગઈ છે. વેબ્સાઈટમાં લીંક ડીલીટ થઇ જતા કૌશિકભાઈએ પોતાના મિત્રનો સંપર્ક કર્યો હતો અને તપાસ કરાવતા જાણવા મળેલ કે કોઈ અજાણી વ્યક્તિઓએ શેર બજારમાં રોકાણ અને મોટા પ્રોફિટની લાલચ આપી રૂપિયા ૧,૮૭,૪૪,૪૦૭ ની છેતરપીંડી આચરી છે.
સાયબર પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરી તપાસ

પોતાની સાથે થયેલ છેતરપીંડી સબંધે વેપારીએ પ્રથમ સાયબર પોલીસ દફતરનો સંપર્ક કરી અરજી આપી હતી. જે અરજીની ખરાઈ બાદ સાયબર પોલીસે અજ્ઞાત સખ્સો સામે કૌસીક્ભાઈને પોતાની કંપની મારફતે અલગ-અલગ સ્કિમમાં ઈન્વેસ્ટમેન્ટ કરાવી, ટ્રેડીંગ પર મોટુ પ્રોફીટ અપાવવાની લાલચ આપી, વિશ્વાસમાં લઈ ઈન્વેસ્ટમેન્ટના બહાના હેઠળ કૂલ રૂપીયા.1,87,44,407ની રકમ Bank of Maharashtra A/c No.60505691032, DIWAN Enterprise” Bank of Maharashtra A/c No.60505691032 વાળા ટ્રેડીંગ ફર્મના એકાઉન્ટમાં ટ્રાન્ફર કરાવી લઈ, https://metaxoption.com વાળી વેબસાઈટ પર ખોટુ પ્રોફીટ બતાવી, બાદમાં કૌશિકભાઈને રકમ પરત નહીં આપી છેતરપીંડી આચરવા સબબ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી શરુ કરી છે.