જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામે સાયકલ સ્ટોર સંચાલકે દશ વર્ષ પૂર્વે એક આસામીને રૂપિયા પાંચ લાખ પાંચ ટકાના દરે આપ્યા બાદ ઊંચું વ્યાજ વસુલી, વધુ વ્યાજ અને મુદ્દલ મેળવવા માટે જમીન પચાવી પાડી વધુ વ્યાજ માટે ડરાવ્યા-ધમકાવ્યા હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.
જામજોધપુર તાલુકાના જશાપર ગામે રહેતા જમનભાઈ નાથાભાઈ સરધારા નામના ખેડૂતે પોતાની જરૂરિયાત મુજબ શેઠ વડાલા ગામે રહેતા અને મારુતિ સાયકલ સ્ટોર ધરાવતા વલ્લભ માવજી ડઢાણીયા નામના સખ્સ પાસેથી સમયાંતરે રૂપીયા ૫,૦૦,૦૦૦ની રકમ માસીક ૫ ટકાના ઉંચા વ્યાજના દરે લીધી હતી. જે બદલ જમનભાઈએ આરોપીને સને- ૨૦૧૬માં રૂ.૭,૦૦,૦૦૦ની ચુકવણી કરી આપી હતી. છતા આ આરોપીએ સને- ૨૦૧૮માં રૂ.૧૦,૫૦,૦૦૦ માંગણી કરી હતી. ત્યારબાદ આરોપી જણાવેલ કે ‘તમે મને મારા નીકળતા રૂપીયા ચુકવી આપશો ત્યારે હું તમારી જમીન તમને પરત તમારા નામે કરી દઇશ’ તેવો વીશ્વાસ અપાવતા જમનભાઈએ રાજીખુશીથી પોતાના પત્ની પાર્વતીબેન નામે જશાપર ગામે આવેલ જમીન રે.સ.નં.૩૨૮ ખાતા નં.૩૩૦ હેકટર ૨.૫૩૯૪ વાળી જમીનનો દસ્તાવેજ આરોપીના નામે કરાવી દીધો હતો. બે વર્ષ જમનભાઈને આ જમીન વાવવા આપી, જમીનનો કબ્જો ખાલી કરાવ્યો હતો. જમનભાઈએ મુળ રકમ રૂ.૫,૦૦,૦૦૦ ના રૂ.૭,૦૦,૦૦૦ વલ્લભભાઇને ચુકવી આપવા છતા મુળ રકમ તથા વ્યાજ સહીત રૂ.૧૦,૫૦,૦૦૦ની માંગણી કરી હજુ જમીન પરત આપવાના રૂ.૩૨,૦૦,૦૦૦ ની માંગણી કરી, જમીનનો કબ્જો મેળવી લઇ ગાળો આપી ડરાવ્યા અને ધમકાવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે આરોપી સામે ઇ.પી.કો. કલમ – ૫૦૪, ૫૦૬ તથા ગુજરાત મની લેન્ડર્સ એક્ટ-૨૦૧૧ ની કલમ-૫, ૪૦, ૪૨ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.