https://chat.whatsapp.com/HIRXKPzsM0ABnt10sN0YCu
ગુજરાત ગૌરવ દિન ૧લી મે-૨૦૨૩ ની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર જિલ્લા ખાતે યોજવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. આ રાજ્યકક્ષાની ઉજવણી લોકભોગ્ય બને તથા વિવિધ સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર તથા સંલગ્ન વિભાગો દ્વારા વિવિધ ખાસ દિવસોની થીમ આધારિત ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવશે.

ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી આ વખતે જામનગર ખાતે કરવાં આવશે..જે અંતર્ગત તા.૧૪ એપ્રિલના રોજ અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ તથા સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત ઉપક્રમે ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે. તા.૧૭ એપ્રિલના રોજ જિલ્લા આરોગ્ય તંત્ર, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જી.જી.હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ હેમોફિલિયા ડે તથા આરોગ્ય દિવસની ઉજવણી કરાશે.

તા.૨૧મી એપ્રિલના રોજ તમામ પ્રાંત અધિકારી તથા મામલતદાર કચેરી દ્વારા સિવિલ સર્વિસ ડે તથા નાગરિક સેવા દિવસની ઉજવણી કરવામાં આવશે. તા.૨૨ એપ્રિલના રોજ વન વિભાગ, જામનગર મહાનગરપાલિકા તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ અર્થ ડે તથા પર્યાવરણ જાગૃતિ દિવસની ઉજવણી કરાશે. તા.૨૩ એપ્રિલના રોજ જામનગર મહાનગરપાલિકા તથા સરકારી લાઇબ્રેરી દ્વારા વર્લ્ડ બુક ડે તથા શિક્ષણ વિભાગ જામનગર દ્વારા શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવશે. તા.૨૪ એપ્રિલના રોજ જિલ્લા પંચાયત જામનગર તથા પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે પંચાયતી રાજ દિવસ તથા વર્લ્ડ વેટેરનરી ડે ની ઉજવણી કરાશે. તા.૨૫ એપ્રિલના રોજ જિલ્લા ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ તથા બાગાયત વિભાગના સંયુક્ત ઉપક્રમે કૃષિ દિવસની ઉજવણી કરવામાં આવશે.

જ્યારે તા.૨૮મી એપ્રિલના રોજ રોજગાર કચેરી તથા સમાજ સુરક્ષા કચેરી દ્વારા રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.આ તમામ વિશેષ દિનોની ઉજવણી સુચારૂ રીતે યોજાય તેમજ વિવિધ વિભાગો હેઠળ ચાલતી યોજનાઓના લાભો જિલ્લાના મહત્તમ લોકો સુધી પહોંચે તે માટે જિલ્લા કલેક્ટર બી.એ.શાહે સંલગ્ન વિભાગોના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ. આ કાર્યક્રમની ઉજવણીને અનુરૂપ પર્યાપ્ત વ્યવસ્થાઓ કરવા અને ગુજરાત ગૌરવ દિનની ઉજવણીનો અવસર જામનગર જિલ્લાને ગૌરવ અપાવે તે પ્રકારના આયોજનો સુનિશ્વિત કરવા ઉપસ્થિત સૌ અધિકારીઓને જણાવ્યું હતુ.