કારસેવા…જ્યારે અયોધ્યાની બજારો લોહીના ખાબોચિયામાં ફેરવાઈ- દિનેશભાઇ વ્યાસ

જામનગર : બરાબર ત્રીસ વર્ષ પૂર્વે 1990માં દેશભરમાંથી થયેલી અયોધ્યા ખાતેની કાર સેવા અને ત્યારબાદના બાબરી ઢાંચાના ધ્વંશ બાદના ત્રણ દાયકાઓ સમીકરણોના સાક્ષી રહેલા જામનગરના જે તે સમયના સંનિષ્ઠ કારસેવકોએ રામ મંદિર નિર્માણના શિલાન્યાસ પૂર્વે અમુક દર્દનાક તો અમુક સુખદ ઘડીઓને વાગોળી સ્મરણો તાજા કર્યા છે. વર્ષ 1990ની કાર સેવા દર્દનાક તો વર્ષ 1992ની કાર સેવા સુખદ અનુભૂતિ કરાવનારી રહી હોવાનો મત પીઢ કાર સેવકોએ દર્શાવ્યો છે.

મને આજે પણ બરાબર યાદ છે કે વર્ષ 1990માં સમગ્ર દેશમાં શ્રી રામ જય રામનો એક નારો ગુંજી ઉઠ્યો હતો. જે તે વર્ષે પ્રથમ કારસેવા શરૂ થઈ, સમગ્ર દેશમાંથી કાર સેવકોનો કાફલો અયોધ્યા તરફ રવાના થયો હતો. તત્કાલીન મુખ્ય મંત્રીએ એક પણ કાર સેવકને અયોધ્યા સુધી નહીં પહોંચવા દેવાયની કરેલી જાહેરાતના પગલે કાર સેવકોમાં નવું જોમ ઉમેરાયું, દેશભરમાંથી યુપી અયોધ્યા જતી સરહદો સિલ કરી દેવામાં આવી, જામનગરથી જે તે સમયે અમે 250 જેટલા કાર સેવકોએ અયોધ્યા તરફ પ્રસ્થાન કર્યું હતું એમ પીઢ કાર સેવક દિનેશભાઈ વ્યાસે જણાવ્યું હતું. એ દિવસોને યાદ કરતા વ્યાસે ઉમેર્યું કે સરકાર દ્વારા ઠેર ઠેર જગ્યાએ કાર સેવકોની અટકાયતો કરી પરત રવાના કરવામાં આવતા હતા. અમારી પણ બે-ત્રણ જગ્યાએ અટકાયત કરવામાં આવી હતી, સુલ્તાનપુરમાં થયેલ અટકાયત બાદ અમે 23 કાર સેવકોએ અંતરિયાળ વિસ્તારો ખૂંદી અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં પહોંચેલા કાર સેવકો પર દમન ગુજારવામાં આવ્યો, ગોળીબાર થયો જેમાં અયોધ્યાની શેરીઓમાં લોહીના ખાબોચિયામાં ફેલાયેલ કાર સેવકોના લોહીના ખાબોચિયાનો હું સાક્ષી છું. એમ કહી વ્યાસે અંત્યત દુઃખ જતાવ્યું હતું હતું. જે તે કાર સેવામાં બંગાળના બે કોઠારી બંધુ છેક બાબરીના ઢાંચા ઉપર ચડી ગયા હતા.આ દ્રષ્યો પોલીસે નિહાળી બંને બંધુઓને ઠાર કર્યા હતા.
ત્યાર બાદ વર્ષ 1992માં થયેલ કાર સેવામાં જ્યારે વિવાદિત સ્થળના એક પછી એક એમ ત્રણ ઢાંચા ધ્વંસ થયા ત્યારે જે અનહદ ખુશી થઈ એવી જ ખુશી હાલ શિલાન્યાસના પ્રસંગે થઈ રહી છે એમ વ્યાસે જણાવી પોતાના એ કાર સેવાના દિવસો યાદ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે તાજેતરના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિર નિર્માણનો માર્ગ મોકળો થયો છે. જેને લઈને આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરનો શિલાન્યાસ કરશે.