જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકા પંચાયતમાં ખેતીવાડી શાખામાં ફરજ બજાવતા એક ગ્રામ સેવક આજે રૂપિયા દસ હજારની લાંચ લેતા સ્થાનિક એસીબીના હાથે સપડાઈ ગયા છે. વાડીએ બનાવેલ ગોડાઉનની સબસીડીની ફાઈલ પાસ કરાવી આપવા દસ હજારની લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના એક ગામડામાં રહેતા ફરિયાદીએ સ્થાનિક તાલુકા પંચાયતમાં ખેતીવાડી શાખામાં ગોડાઉન માટે સબસીડીની અરજી કરી હતી. જેના અનુસંધાને ખેતીવાડી શાખામાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા સંજયભાઇ ચતુરભાઇ ઓળકીયા નામના વર્ગ ત્રણ કર્મચારીએ સ્થળ વિજીટ કરી હતી અને સબસીડીની ફાઈલ પાસ કરાવવા માટે રૂપિયા દસ હજારની માંગણી કરી હતી. જે ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ સ્થાનિક એસીબી શાખાનો સંપર્ક કર્યો હતો

જેને લઈને એસીબી પીઆઈ પરમાર સહિતના સ્ટાફે આજે ખેતીવાડી શાખા, જુની તાલુકા પંચાયત કચેરી, ભાણવડ ખાતે જ ટ્રેપ ગોઠવી હતી. જેમાં ફરિયાદી પાસેથી રૂપિયા દસ હજારની લાંચ સ્વીકારતા ગ્રામ સેવક આબાદ પકડાઈ ગયા હતા. એસીબીએ ગ્રામસેવકની ધરપકડ કરી ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
                




