જામનગરમાં થોડા દિવસો પૂર્વે ચાંદી બજાર વિસ્તારમાં રહેતી એક મહિલાને સરકારી યોજના-સહાયની લાલચ આપી એક મહિલા સોનાના દાગીનાઓની છેતરપીંડી કરી નાશી ગયા બાદ પોલીસે મહિલાના સગળ મેળવી પકડી પાડી છે.આણંદ જીલ્લાના દાધજીપુરા ગામની મહિલાના કબજામાંથી પોલીસે બે લાખ ઉપરાંતના દાગીના કબજે કર્યા છે. આ મહિલાએ જામનગર પૂર્વે અન્ય ૧૩ જિલ્લાઓમાં ૨૫ છેતરપીંડીઓ આચરી હોવાની કબુલાત કરી છે.

તાજેતરમાં ચાંદી બજાર પાસે નેમિનાથ દેરાસર નજીક ઝવેરી ઝાપોમાં રહેતા નુતનબેન નવીનચન્દ્ર મહેતાના માસી રમાબેન રમેશચન્દ્ર મહેતા પોતાના ઘરે હતા ત્યારે એક મહિલા તેના ઘરે આવી હતી. વૃદ્ધ માણસો માટે સરકારે પચીસ હજારની સહાય આપે છે એવી વાત કરી તેણીને ઘરેથી લાલ બંગલા સુધી લઇ જઈ, સહાયના કાગળ તૈયાર કરી તેણીને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી સોનાની ચાર બંગડીઓ, એક સોનાનો ચેઈન, અન્ય બે સોનાની બંગડીઓ, બે સોનાની વીંટીઓ, બે નંગ સોનાની બુટીઓ સહીત ૪.૨૦ લાખની કીમતના દાગીના કબજે લઇ, પંદર દિવસમાં દાગીના પરત આપવાનું વચન આપ્યું હતું.

જો કે દિવસો બાદ કોઈ સગળ નહિ આવતા વુદ્ધ મહિલાએ પોલીસમાં જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સીટી એ ડીવીજન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં દેખાતી મહિલાનો પતો મેળવવા જામનગર પોલીસે રાજ્યભરની પોલીસને ફોટો મોકલી મદદ માંગી હતી. દરમિયાન આ છેતરપીંડી આણંદ જીલ્લાના દાધજીપુરા ગામે રહેતી શાહીદાબીબી ઉર્ફે શાહીદાબાનું ઉર્ફે સલમા ઉર્ફે ચકુ ફિરોજખાન પઠાણ નામની મહિલાએ આચરી હોવાની વિગતો સામે આવી હતી. જેને લઈને સીટી એ ડીવીજન પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી મહિલાને દબોચી લીધી હતી. પોલીસે મહિલાના કબ્જામાંથી રૂપિયા બે લાખની કિંમતના દાગીના કબજે કર્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં આ મહિલાએ રાજ્યના તેર જિલ્લાઓમાં બે ડઝન બનાવોને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે. જામનગરમાં આ મહિલાનો પ્રથમ પ્રયાસ હતો. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવી વિધિવત પૂછપરછ શરુ કરી છે.
આરોપી મહિલાએ કયા જીલ્લામાં કેટલી છેતરપીંડી આચરી?
જામનગર જીલ્લામાં પ્રથમ વખત છેતરપીંડી કરતા પકડાયેલ ચકુએ રાજ્યના તેર જીલ્લામાં સાત વર્ષના ગાળામાં ૨૫ છેતરપીંડી આચરી છે. જેમાં ગીર સોમનાથ જીલ્લામાં બે, અમદાવાદમાં સાત, પંચમહાલ, પાટણ, સુરેન્દ્રનગર, સુરત, નર્મદા, ખેડા, આણંદ, ભાવનગર, ગાંધીનગર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં એક-એક, ખેડા જીલ્લામાં બે, વડોદરા જીલ્લામાં ત્રણ બનાવોને અંજામ આપ્યો છે.