સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગર શહેરની જીજી હોસ્પિટલમાં છેલ્લા એક પખવાડિયાથી બાળકોમાં ઓરીના દર્દીઓની સંખ્યામાં ઉછાળો નોંધાયો હતો. આ ઉછાળો વિકરાળ બનતા બાળકોના વોર્ડમાં એક ખાટલે બે-ત્રણ બાળકોને સારવાર આપવાની નોબત આવી પડી હતી. જેને લઈને હોસ્પિટલ પ્રસાસન સફાળું જાગ્યું હતું. હોસ્પિટલ તંત્રએ ખાટ્લાઓની સમસ્યામાંથી છૂટવા માટે માનસિક વોર્ડમાં ૨૦ બેડનો અલાયદો વોર્ડ તૈયાર કર્યો છતાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થતા નવી બિલ્ડીગ ખાતે ૪૦ બેડનો વોર્ડ આજે શરુ કરવામાં આવ્યો છે.

જામનગરમાં એકાએક ઓરીના દર્દીઓમાં વધારો થતા એક બાદ એક બાળ દર્દીઓથી હોસ્પિટલ ઉભરાવા લાવી હતી. ૨૦૦ બેડનો વોર્ડ બાળ દર્દીઓથી ઉભરાવવા લાગતા એક ખાટલે બબ્બે-ત્રણ ત્રણ બાળકોને દાખલ કરવાની ફરજ પડી હતી. ઋતુજન્ય રોગચાળાની સાથે સામાન્ય તાવ, જાડા, ન્યુમોનિયા અને ઓરી જેવા રોગના બાળ દર્દીઓનું પ્રમાણ વધ્યું છે. ગંભીર બાબત એ છે કે બાળ દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલમાં હાલ 23 દર્દીઓ ઓરીના છે.

અંત્યત ચેપી ગણાતા આ રોગમાં એક બાળ દર્દીની માતા અને તબીબ પર સપડાઈ ગયા છે. ઓરીના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા હોસ્પિટલ પ્રસાસને તાત્કાલિક માનસિક વોર્ડમાં ૨૦ બેડનો અલાયદો વોર્ડ તૈયાર કર્યો હતો. અને ગઈ કાલે ૧૩ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ઓરીના દર્દીઓમાં સતત વધારો સામે આવ્યો હતો આજે વધુ ૧૦ દર્દીઓ સામે આવતા હોસ્પિટલ પ્રસાસને ઉચ્ચસ્તરીય બેઠક કરી નવી બિલ્ડીંગમાં એક આઈસોલેશન વોર્ડ તૈયાર કરી ૪૦ બેડ અને બાળકોના વોર્ડમાંથી સ્ટાફની નિમણુક આપી દીધી છે. હાલ બાળકોની હોસ્પિટલમાં ૨૨૬ દર્દીઓ દાખલ હોવાનું હોસ્પિટલ અધિક્ષક દીપક તિવારીએ જણાવ્યું છે. વધુમાં ઉમેર્યું હતું કે પીઆઈસીયુમાં ૪૮ દર્દીઓ દાખલ છે. આ ઉપરાંત બાળ વિભાગમાં ફરજ બજાવતા સાત તબીબ પણ માંદગીમાં સપડાયા છે.

હાલ બાળકોના વિભાગમાં સાત સીનીયર ડોક્ટર, ૪૧ જુનીયર ડોક્ટર, ૨૫ ઇન્ટર્ન તબીબ ફરજ પર છે. જયારે ૪૦ બેડના નવા વોર્ડમાં ૨૫ વધારાના તબીબની ફળવાની કરવામાં આવી છે. ઉપરાંત ૧૦ નર્સિંગ સ્ટાફને પણ નવા વોર્ડમાં ફરજ સોંપવામાં આવી છે. બીજી તરફ ચિંતા ઉપજાવતી બાબત એ છે કે ઓરીના દર્દીઓ પૈકી એક બાળકની ઉમર માત્ર નવ માસ છે. જેને લઈને ગર્ભાવસ્થા દરમિયાન વેક્સીનેશન સામે પણ સવાલો ઉભા થયા છે. આરોગ્ય તંત્રના અંતરંગ સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે સરકાર પાંચથી નવ વર્ષના બાળકોમાં ફરી ઓરી વેક્સીનેશન જુંબેશ ચલાવશે.

હોસ્પિટલ અધિક્ષક દીપક તિવારીના જણાવ્યા મુજબ ઓરીના ફેલાવાને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સંસ્થા પણ ચિંતિત બની છે અને દાખલ દર્દીઓની ચકાસણી કરી, તેમાં શારીરિક ફેરફાર અંગે અભ્યાસ પણ કરશે, હાલ ઓરીના વોર્ડમાં જે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે જેમાં મોટા ભાગના બાળકો જ છે એમ પણ ઉમેર્યું હતું.