
જામનગર અપડેટ્સ: જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં એક સોની વેપારી ની દુકાને ગ્રાહક ના શ્વાગમાં આવેલી એક મહિલા રૂપિયા ૫.૯૪ લાખના ઘરેણા ભરેલો ડબ્બો ઉઠાવી ગયા ની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ટાઉન પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને રાજકોટના એક દંપતિની અટકાયત કરી લઈ ત્રણ તોલા સોનું, દોઢ લાખની રોકડ અને મોબાઈલ તથા રિક્ષા વગેરે કબજે કર્યા છે, જ્યારે અન્ય દાગીના લઈને રફુ ચક્કર થઈ જનાર મુખ્ય મહિલાની શોધખોળ ચલાવાઈ રહી છે.
ચોરીના આ બનાવની વિગત એવી છે કે કાલાવડ ટાઉનમાં સ્વામિનારાયણ શેરીમાં રહેતા અને મેઇન બજારમાં મંગલમ જ્વેલર્સ નામની સોના ચાંદીના ઘરેણાંની દુકાન ધરાવતા જયેશકુમાર નવીનચંદ્ર ઝીંઝુવાડીયા નામના સોની વેપારીએ પોતાની દુકાનમાં ગ્રાહક તરીકે આવેલી એક મહિલા રૂપિયા ૫.૯૪ લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાં પારદર્શક ડબ્બાની ઉઠાંતરી કરી ગયા ની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાવી છે.

ગત ૨૮મી તારીખે બપોરે પોણા બારેક વાગ્યાના અરસામાં જયેશભાઈ પોતાની દુકાને વેપાર માટે બેઠા હતા, જે દરમિયાન એક મહિલા ખરીદી માટે આવી હતી, અને પોતાની દુકાનમાંથી અલગ અલગ ઘરેણાં બતાવવા માટે કહ્યું હતું, અને ડિસ્પ્લે ના ટેબલ ઉપર સોનાના દાગીના ભરેલો પ્લાસ્ટિકનો એક પારદર્શક ડબ્બો રાખેલો હતો, જે ડબ્બાની મહિલા દ્વારા વેપારીની નજર ચુકવીને ઉઠાંતરી કરી લેવામાં આવી હતી, અને મહિલા રફફુચક્કર થઈ ગઈ હતી. પાછળથી સોની વેપારીને ગણતરી દરમિયાન ૫.૯૩.૮૫૪ ની કિંમતના જુદા જુદા દાગીનાઓ ભરેલો એક ડબ્બો ગાયબ થઈ ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી આખરે આ મામલો કાલાવડ ટાઉન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસ ઇન્સ્પેક્ટર એન. વી. આંબલીયા અને તેઓની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી, અને સીસીટીવી કેમેરા વગેરે ની ચકાસણીના આધારે ઉપરોક્ત દાગીનાની ચોરી કરી જનાર રાજકોટની મહિલા કિરણબેન પોપટભાઈ સોલંકી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે આરોપી મહિલા હાલ ફરાર છે. અને તે પોતાની સાથે કેટલાક ઘરેણા લઈને ભાગી છુટી છે.

પરંતુ આ પ્રકરણમાં પોલીસે રાજકોટના એક દંપતિ કિશન નટુભાઈ સોલંકી અને પૂજાબેન કિશનભાઇ સોલંકી ની અટકાયત કરી લીધી છે. જેઓ પાસેથી ત્રણ તોલા સોનું એક લાખ ચાલીસ હજારની રોકડ રકમ ૧૦,૦૦૦ ના મોબાઈલ ફોન તેમજ એક રીક્ષા વગેરે કબજે કરી લીધા છે. મુખ્ય આરોપી મહિલાની શોધખોળ ચલાવાઇ રહી છે. બનાવના સમયે મુખ્ય આરોપી મહિલા કિરણબેન દુકાનમાં અંદર ગઈ હતી, જ્યારે તેનો પુત્ર અને પુત્રવધુ બહાર ઊભા હતા, અને ડબ્બો લઈને નીકળ્યા બાદ ત્રણેય રિક્ષામાં ભાગી છુટ્યા હતા. પરંતુ પોલીસના હાથે દંપત્તિ ઝડપાયું છે, અને મુખ્ય આરોપી મહિલાની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.