
જામનગર અપડેટ્સ: જામનગર ની અતિ પ્રખ્યાત સેન્ટ્રલ બેન્ક રોડ પર આવેલી એચ. જે. વ્યાસ મીઠાઈવાલા ના સંચાલક જયંતભાઈ હીરાલાલભાઈ વ્યાસ (૮૫ વર્ષ) એ પોતાની સર્વિસ રિવોલ્વર માંથી લમણામાં ગોળી જીકી દઈ આત્મહત્યા કરી લેવા અંગેના પ્રકરણમાં પોલીસને સ્વહસ્તે લખાયેલી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં પત્નીના અવસાન બાદ પોતે વ્યથિત બની જતાં આ પગલું ભરી રહ્યા હોવાનું જણાવ્યું હતું, સાથોસાથ પોતાની દુકાનમાં જ ૫૦ વર્ષથી વધુ સમયથી કામ કરતા એક કર્મચારી પોતાને અગ્નિદાહ આપે તેવી ઈચ્છા પણ દર્શાવી હતી, જે અંતિમ ઈચ્છા અનુસાર પરિવારે તે કર્મચારી ના હસ્તેજ અંતિમવિધિ કરાવડાવી હતી, ત્યારે વાતાવરણમાં ભારે ગમગીની જોવા મળી હતી.
જામનગર શહેરમાં એચ. જે. વ્યાસ મીઠાઈવાલા ના નામથી પ્રચલિત મીઠાઈ ની વેપારી પેઢી ચલાવતા જયંતભાઈ વ્યાસ કે જે ના પત્ની ઉમાબેન નું આજથી છ માસ પહેલાં વાહનના અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું, ત્યાર પછી તેઓ ગુમસુમ રહેતા હતા, અને ગઈકાલે સવારે સિધ્ધનાથ મહાદેવ મંદિર ની પાસે જ આવેલા બાલનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા પછી ત્યાં પોતાના લમણામાં ગોળી ધરબી દઈ આત્મહત્યા કરી લીધી હતી.જે બનાવને લઈને શહેરભરમાં ભારે અરેરાટી પ્રસરી હતી, અને વેપારી આલમમાં અને પરિવારમાં ભારે શોક છવાયો હતો. આ બનાવની જાણ થયા બાદ સીટી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ તપાસ માટે બનાવના સ્થળે અને જીજી હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને જયંતભાઈ વ્યાસના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવાયા બાદ મૃતદેહ તેમના સ્વજનોને સોંપી દેવાયો હતો.

પોલીસને બનાવના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેઓએ પોતાના પત્નીના નામનો ઉલ્લેખ કર્યો હતો, અને તેના અવસાન થી પોતે વ્યથિત બન્યા હતા, અને જેના કારણે તેઓએ આ પગલું ભરી રહ્યા હોવાનું લખ્યું હતું.
જેની સાથે સાથે તેઓએ પોતાની એક અંતિમ ઈચ્છા દર્શાવી હતી, કે પોતાની દુકાનમાં લગભગ ૫૦ વર્ષ જેવા સમયથી અને બે પેઢી થી કામ કરતા બટુકભાઈ પ્રજાપતિ નામના કર્મચારી, કે જેનો પુત્ર સહિતનો પરિવાર આ પેઢી સાથે જ જોડાયેલો રહ્યો છે, અને અહીં કામ કરે છે તેમના હાથેજ અંતિમ ક્રિયા કરવામાં આવે, અને અગ્નિદાહ આપે તેવો ઉલ્લેખ કર્યો હતો. જે ઉલ્લેખ અનુસાર તેમના પરિવારજનોએ સ્વ.જયંતભાઇ ની અંતિમ ઈચ્છા પૂરી કરી હતી. મુંબઈથી પુત્રી અને જમાઈ ઉપરાંત ભાણેજ વગેરે જામનગર આવી ગયા હતા, ત્યારબાદ તેઓની અંતિમયાત્રા નીકળી હતી. ત્યારે બહોળી સંખ્યામાં પરિવારજનો તથા મીઠાઈ વિક્રેતા એસોસિએશનના તમામ હોદ્દેદારો- વેપારીઓ વગેરે જોડાયા હતા. જામનગરના આદર્શ સ્મશાનમાં તેઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી, ત્યારે બટુકભાઈ પ્રજાપતિએ સમગ્ર પરિવારની હાજરીમાં તેઓને મુખાગ્નિ આપી હતી, ત્યારે સ્મશાન પરિસરમાં ભારે ગમગીની ફેલાઈ હતી.

સ્વ. જયંતભાઈ વ્યાસ અને તેમના પત્ની બન્ને એ દેહદાનનો સંકલ્પ કર્યો હતો
એચ. જે. વ્યાસ નામની પેઢી થી જામનગર અને ગુજરાત નહીં પરંતુ મુંબઈ ઉપરાંત દેશ-વિદેશમાં કચોરીના વેપારીથી પ્રચલિત એવા મીઠાઈ વિક્રેતા જયંતભાઈ વ્યાસ અને તેમના પત્ની ઉમાબેન કે જે બંનેએ દેહદાન કરવાનો સંકલ્પ કર્યો હતો. આજથી છ માસ પહેલા જ પત્નીનું અવસાન થતાં તેમની અંતિમ ઈચ્છા અનુસાર તેઓનું દેહદાન કરાયું હતું. પરંતુ જયંતભાઈ કે જેઓએ આત્મહત્યા કરી હોવાથી તેઓના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેથી દેહદાન શક્ય બન્યું ન હતું, અને ત્યારબાદ તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.