જામનગર: ખેડૂતે મહામહેનતે પકવેલ ૩૭૨ મણ ઘઉં રાજકોટનો ચીટર વેપારી ખરીદી ગયો પણ..

0
915

જામનગર અપડેટ્સ: જામનગર તાલુકાના વિજરખી ગામે એક ખેડૂતે મહામહેનતે પકવેલ ઘઉં ખરીદ કરી લઇ ગયા બાદ રાજકોટના વેપારીએ આપેલ બે લાખનો ચેક રીટર્ન થયો છે. ખેડૂતે અન્ય ચેક મંગાવી બેંકમાં જમા કરાવ્યો પણ બીજો ચેક પણ બાઉન્સ થયો, ત્યારબાદ વેપારીએ ફોન બંધ કરી દેતા ખેડૂતે રાજકોટના વેપારી સામે પોણા ચાર મણ ઘઉં ખરીદી વિશ્વાસઘાત કરવા સબબ ફરિયાદ નોંધાવી છે. ખેડૂતે પોતાના સોશ્યલ મીડિયાના પેજ પર ઘઉં વેચવાની જાહેરાત કરી હતી જે જાહેરાત જોઈ રાજકોટના વેપારીએ ફોન કરી સોદો કરી ઘઉં ખરીદ કર્યા હતા.

જામનગર તાલુકાના વિજરખી ગામે રહેતા ખેડૂત દેવાયતભાઈ મેઘાભાઈ ખીમાણીયા નામના ખેડૂતે પોતાના પરિવારની મિયાત્રા ગામના સર્વે નંબરમાં આવતી સંયુક્ત ૧૮ વીઘા જમીનમાં શિયાળામાં ઘઉંનું વાવેતર કરી પાક ઉપજ મેળવી હતી. ઘઉં પાકી જતા ખેડૂત પરિવારે લલણી કરી હતી અને કુલ સાડા પાંચસો મણ ઘઉં થયા હતા. જે પૈકી પોતાના પરિવાર માટે ઘઉં રાખી અન્ય ઘઉં પોતાના દેવ આહીર નામના ફેસબુક પેજ પર વેચવા માટેની જાહેરાત કરી હતી. જે પોસ્ટ જોયા બાદ રાજકોટના હિમત ચોહાણ નામના સખ્સે ફોન કરી રાજકોટમાં પોતાની ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ છે એમ કહી ઘઉં ખરીદ કરવાની વાત કરી હતી. ત્યારબાદ તા. ૨૭/૫/૨૦૨૫ના રોજ રાત્રે હિમતભાઇ અને તેની સાથે અન્ય બે માણસો આઈસર ગાડી લઈ વાડીએ આવેલ અને ૩૭૨ મણ ઘઉં જોખ કરી બચાકામાં ભરી વેચાણ તરીકે લઇ ગયા હતા. એક મણના સાડા પાંચસો રૂપિયા લેખે રાજકોટના વેપારી હિમાંતભાઈએ હિસાબ કરી કુલ બે લાખ ચાર હજાર છસ્સો રૂપિયાનો ચેક લખી આપ્યો હતો.

બીજા દિવસે ખેડૂત પરિવારે આ ચેક બેંકમાં જમા કરાવતા રકમમાં છેકછાકને લઈને ચેક પરત ફર્યો હતો. જેથી દેવાયતભાઈએ વેપારી હિમતભાઈનો ટેલીફોનીક સંપર્ક કર્યો હતો જેને લઈને રાજકોટના વેપારીએ રાજકોટથી સહી કરેલ કોરો ચેક મોકલ્યો હતો. જેની સામે દેવાયતભાઈએ જરૂરી રકમ ભરી ચેક બેંકમાં નાખતા પુરતું બેલેન્સ નહિ હોવાના કારણે ચેક પરત ફર્યો હતો. ત્યારબાદ વેપારીનો સંપર્ક કરતા ખેડૂતને જવાબ આપવામાં બહાનાબાજી શરુ કરવામાં આવી હતી. રાજકોટના વેપારીએ બે લાખની રકમ નહિ ચુકવતા આખરે ખેડૂત દેવાયતભાઈએ પંચકોશી એ ડીવીજન પોલીસમાં વેપારી હિમતભાઈ અંને આઈસરના ચાલક સુલતાન હુસેન પતાણી તથા અન્ય એક સખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે આ ફરિયાદના આધારે રાજકોટ સુધી તપાસ લંબાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here