જામનગર: બે ત્રણ વર્ષે એક એવો બનાવ તો સામે આવે જ છે કે ફલાણા ગામના વેપારીએ ફૂલેકું ફેરવી નાખ્યું, ઢીકણા ગામની પેઢી ઉઠી ગઈ, આ ઉઠી જવા વાળી ઘટનાઓમાં ભોગવવાનું નિર્દોષ ખેડૂતોના ભાગે જ આવે છે. ખેડૂતો પાસેથી વર્ષોથી જણસ ખરીદી વેપાર કરતા વેપારી પૈકીના અનેક વેપારીઓએ છેલ્લા એક દાયકામાં અનેક ખેડૂતોને કરોડો રૂપિયામાં નવડાવી નાખ્યા હોવાના ઉદાહરણ સામે છે ત્યાં વધુ એક વેપારી પેઢી ઉઠી ગઈ હોવાની ફરિયાદ પોલીસ દફતર સુધી પહોચી છે. જામજોધપુર પંથકમાં ખેત પેદાસો ખરીદ કરતા પિતા પુત્ર સહીત ત્રણ વેપારીઓએ તાલુકાના જુદા જુદા ગામના ખેડૂતોની જણસ ખરીદી લાખો રૂપિયાનું બુચ મારી દીધું હોવાનો આરોપ લાગ્યો છે. ત્રણેય લોહાણા બંધુઓના વેપારનો ભોગ બનેલ ખેડૂતો હાલ દયનીય સ્થિતિમાં મુકાયા છે.

ખેડૂતો સાથે થયેલ છેતરપીંડીની જામજોધપુર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં તાલુકાના સતાપર ગામના ખેડૂત દિનેશ સુરાભાઇ પરમારે ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો છે કે, ગામના ત્રણ વેપારીઓ રમેશભાઇ મથુરદાસ વીઠલાણી તેનો પુત્ર કિશન અને ગોપાલભાઇ મથુરદાસ વીઠલાણી, આ ત્રણેય આરોપીઓએ પેઢી માલીકોએ વેપારીનાં દરજ્જે પોતાના પાસેથી તથા અન્ય ખેડ્તુઓને વીશ્વાસમાં લઈ પોતાની ખેતીની મગફળી ખરીદ કરી, જેના રૂપિયા ૫,૧૬,૭૫૦ બાકી રાખી ચૂકવ્યા નથી , આ ઉપરાંત ગામનાં અન્ય ખેડુતો પાસેથી પણ ખેત પેદાસ ખરીદ કરી પિતા પુત્ર સહિતના ત્રણેય વેપારીઓએ આશરે સતીયાવીસ લાખ રૂપીયા ચૂકવ્યા નથી. ખેડૂતો લાંબા સમયથી ઉઘરાણી કરવા છતાં ત્રણેય વેપારીઓએ લાખો રૂપિયા ચુકવવામાં ગલ્લાતલ્લા કર્યા હતા. જેને લઈને સમગ્ર પ્રકારના પોલીસ સુધી પહોચ્યું હતું. અને આખરે જામજોધપુર પોલીસે ત્રણેય વેપારીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી સબબ ફરિયાદ દાખલ કરી ભૂગર્ભમાં ઉતરી ગયેલ ત્રણેય વેપારીઓ સુધી પહોચવા તપાસ હાથ ધરી છે.

બીજી તરફ છેલ્લા કેટલાય સમયથી વેપારી રમેશના નામે સોશ્યલ મીડ્યામાં ઉપરોક્ત ઈમેજ વાયરલ થઇ હતી. જેમાં વેપારીએ માત્ર સતાપર ગામ જ નહી પણ આજુબાજુના ગામડાઓમાં વેપાર કરી આઠેક ગામોના ખેડૂતોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી દીધો હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ઈમેજ કેટલી ખરી છે તેનો તાગ તો પોલીસ તપાસ થશે ત્યારે જ સામે આવશે પણ હાલ વેપારી પેઢી ઉઠી જતા ખેડૂતો દયનીય સ્થિતિમાં ચોક્કસથી મુકાઈ ગયા છે.