જામનગર: હાલનું જામનગર એટલે કે રાજાશાહી વખતનું નવાનગર, કચ્છના જામ રાજવીઓએ 483 વર્ષ પૂર્વે આ નગરને વસાવ્યું, જતન કરી લાલન પાલન કર્યું, નવા નગરની આ ધરા પર જામ રાજવીએ લગભગ 407 વર્ષ સુધી રાજ કર્યું. આ રાજ્યકાળ દરમિયાન અનેક નવા આયામો સિદ્ધ કર્યા જામનગરની જનતાનું પાલન જ નહીં પરંતુ સર્વાંગી વિકાસ માટે જામ રાજબીઓએ ન્યોછાવર થઇ, તન મન ધનથી કામ કર્યું. આ જ રજવાળાઓએ અનેક ઇમારતો બનાવી નગરને ભવ્યતા આપી, આવી એક ઐતિહાસિક ઇમારત એટલે ભુજીયો કોઠો, ભૂકંપની કારમી થપાટ ઝીલી જીર્ણ થયેલ આ કોઠો બે દાયકાઓથી બંધ છે. પરંતું જામનગર મહાનગરપાલિકાએ આ ઐતિહાસિક વારસાને સાચવવા જબરી મહેનત કરી છે. જર્જરિત થયેલ આ ઇમારતને ફરીથી જીવંત કરવા મહાનગરપાલિકાએ હાલ કોઠાનું સમારકામ હાથ ધર્યું છે. ટૂંક સમયમાં આ કોઠો તૈયાર થઈ પ્રજાજનો માટે મુકાઈ જશે. ત્યારે આ કોઠાનો ભવ્ય ભૂતકાળ શુ છે? કેમ અને કયા જામ રાજાએ, કેવા ઉદ્દેશથી બનાવ્યો હતો આ કોઠો? આવો જાણીએ સમગ્ર વિગત

કચ્છના જાડેજા રાજવીઓએ ઇસવીસન 1540 માં જામનગર શહેરની સ્થાપના કરી જામરાવળ દ્વારા સ્થાપના કરાયા બાદ જામ પરિવારના જામરાવળ થી માંડી છેક દિગ્વિજયસિંહજી સુધીના રજવાડાઓ એ જામનગરની ભવ્યતા માટે અનેક ઇમારતો બનાવી કચ્છથી આવેલા આ રાજવીઓએ કચ્છ સાથેનો નાતો જાળવી રાખવા માટે એક કોઠાનું નિર્માણ કર્યું અને એ જ ગોઠવો એટલે કે ભુજીયો કોઠો, વિક્રમ સવંત 1882 આસો વદ છઠના દિવસે જામરાજવી રણમલજી બીજાએ ભુજીયા કોઠાના કામનો પ્રારંભ કરાવ્યો રાજ્યમાં પડેલા ભારે દુષ્કાળને કારણે પ્રજાને રોજેરોટી મળી રહે અને દુશ્મનોના આક્રમણ સમયે દુશ્મનો પર નજર રાખવા માટે આ કોઠાનુ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યો એમ કહેવાય છે એક વાયકા મુજબ આ કોઠા પરથી ભુજ પણ દેખાતું હતું. પરંતુ આ વાતને તથ્ય મળતું નથી. 4,25,000 કોરીના ખર્ચે અને 13 વર્ષની લગાતાર જહેમત બાદ રણમલ-લાખોટા તળાવના કિનારે આ ઐતિહાસિક કોઠાનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું, 13 વર્ષ સુધી ચાલેલા કાર્ય દરમિયાન પાંચ માળની ઇમારત ઊભી કરવામાં આવી વિક્રમ સંવત 1895 ભાદરવા વધ નોમના દિવસે આ કોઠાને ખુલ્લો મુકવામાં આવ્યો,

સમયના ચક્ર વચ્ચે વર્ષ 2001 માં કચ્છમાં આવેલા ભારે ભૂકંપ થી જામનગર ની આઈમારતને વ્યાપક ક્ષતિ પહોંચી હતી અને ક્ષતિગ્રસ્ત આઈ મારત ને બંધ કરી દેવામાં આવી હતી. આ ઐતિહાસિક ઈમારતને પુનઃ ભવ્યતા અપાવવા માટે જામનગર મહાનગરપાલિકાએ ભુજીયાકોઠા રેસ્ટોરેશન કાર્ય હાથ ધર્યું છે પાંચ માળની ઇમારતનું કામ હાલ પૂર્ણતાના આરે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં આ કોઠો ફરી પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવશે એમ કમિશનર ભાવેશ જાનીએ જણાવ્યું છે.




