જામનગર જિલ્લો
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા.૦૯/૦૪/૨૦૨૩ના રોજ જુનિયર ક્લાર્ક પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષાના સુચારૂ આયોજન માટે કલેક્ટર બી. એ. શાહના અધ્યક્ષપણા હેઠળ જિલ્લા વિકાસ અધિકારી ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, જિલ્લા શિક્ષણાધિકારી સાથેની જિલ્લા પરીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે. જામનગર શહેરના તથા તાલુકાના મળીને કુલ ૮૦ શાળા અને કોલેજોના ૯૫ યુનિટના ૮૯૭ વર્ગ ખંડોમાં કુલ ૨૬,૮૮૨ ઉમેદવારો પરીક્ષા આપનાર છે.

આ પરીક્ષા માટે પરીક્ષા કેંદ્રો ઉપર કેંદ્ર સંચાલક, સુપરવાઈઝર, ઈન્વિજીલેટર, ક્લાર્ક, પટાવાળા તરીકે ૧૯૪૮ સ્ટાફ ફરજ બજાવશે. તેમજ દરેક કેંદ્ર ઉપર બોર્ડ પ્રતિનીધિ, CCTV ઓબ્ઝર્વર અને CCTV સંચાલક તરીકે ૩૦૦થી વધુ સ્ટાફને મૂકેલ છે. પરીક્ષા દરમ્યાન કોઈ ગેરરીતિના થાય તે માટે ડાયરેક્ટર DRDAને મુખ્ય ઓબ્ઝર્વર તરીકે અને ૦૬ તાલુકાના મામલતદારોને તાલુકા ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરેલ છે. ઉપરાંત ૧૭ ફ્લાઈંગ સ્ક્વોર્ડ બનાવેલ છે જેમાં મહેસૂલ, પંચાયત સહીત અન્ય વિભાગના વર્ગ-૧/૨ કક્ષાના ૧૭ અધિકારી અને ૩૪ કર્મચારીઓ અને હથીયારધારી પોલીસ મૂકેલ છે. જેઓ તમામ પરીક્ષા કેંદ્રો ઉપર ચાંપતી નજર રાખશે. તમામ પરીક્ષા કેંદ્રો CCTVથી સજ્જ રાખવામાં આવેલ છે. ઉપરાંત પરીક્ષાલક્ષી તમામ કામગીરી CCTV/ વિડીયોગ્રાફી સર્વેલન્સ હેઠળ કરવામાં આવનાર છે.
પરીક્ષાલક્ષી સીલબંધ સાહિત્ય જિલ્લા મથકે હથીયારધારી પોલીસ / SRPની દેખરેખ હેઠળ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે. આ સાહિત્યને પરીક્ષા કેંદ્રો સુધી પહોંચાડવા માટે ૩૧ રૂટ તૈયાર કરેલ છે. જેમાં વર્ગ-૧/૨ કક્ષાના અધિકારી સાથે એક આસીસ્ટંટ, હથીયારધારી પોલીસ અને વિડીયોગ્રાફર મુકેલ છે.પરીક્ષા દરમ્યાન કાયદો વ્યવસ્થા જાળવણી માટે એસ.પી.ના નેતૃત્વ હેઠળ ૦૩ DySP, ૨૪ PI/PSI, પરીક્ષા કેંદ્રો ઉપર ઉમેદવારોની ચકાસણી અને કેંદ્ર બહાર બંદોબસ્ત તથા પેટ્રોલીંગ માટે ૪૯૪ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, મહીલા કોન્સ્ટેબલ અને ૧૬૦ હોમગાર્ડ/TRB મળીને કુલ ૬૮૨ પોલીસ કર્મીઓ ફરજ બજાવશે.

ઉમેદવારોએ પરીક્ષા ખંડમાં મોબાઈલ, સ્માર્ટ વોચ કે અનઅધિકૃત સાહિત્ય લઈ જવા ઉપર પ્રતિબંધ, પરીક્ષા કેંદ્રની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા, પરીક્ષા કેંદ્રની આસપાસ એકઠા થવા ઉપર પ્રતિબંધ, ખોદકામ કરવા ઉપર પ્રતિબંધ માટેના જાહેરનામા કલેક્ટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ છે.
પરીક્ષા દરમ્યાન વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે વીજ વિભાગને સુચના આપેલ છે અને અન્ય જિલ્લાના ઉમેદવારોને જામનગર મુકામે પરીક્ષા કેંદ્ર સુધી પહોંચવામાં અને પરત જવામાં કોઈ અગવડ ના પડે તે માટે એસ.ટી. વિભાગને વધારાની બસો ગોઠવવા સુચના આપેલ છે. તમામ પરીક્ષા સ્ટાફને જિલ્લા મથકે તા.૩૧ માર્ચના રોજ સઘન તાલીમ આપવામાં આવી તેમજ તા.૦૬ અપ્રિલના રોજ સમગ્ર રાજ્યમાં બાયસેગના માધ્યમથી ઓનલાઈન સંયુક્ત તાલીમ આપવામાં આવનાર છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે મહેસૂલ, પંચાયત અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે સજ્જ થયેલ છે અને જિલ્લા કક્ષાએથી પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવેલ છે. આ તકે ઉમેદવારોને કોઈ અનધિકૃત વ્યક્તિઓ પાસેથી પરીક્ષાલક્ષી સાહિત્ય નહીં મેળવવા તાકીદ કરવામાં આવે છે તેમજ રાજ્ય સરકાર દ્વારા આવી ગેરરીતિઓ માટે કડક કાયદો પણ ઘડવામાં આવ્યો છે. તેમ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
*દેવભૂમિ દ્વારકા જિલ્લો*
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. ૯ની રવિવારે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા ઉમેદવારો નિશ્ચિંત બની આપી શકે એ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. તે દિવસે પરીક્ષાર્થીઓ ૧૨ :૧૦ વાગ્યા પહેલા વર્ગ ખંડમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવા કલેક્ટર અશોક શર્માએ જણાવ્યું છે. જિલ્લા કલેક્ટર અશોક શર્માએ જણાવ્યું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૪૧ પરીક્ષા કેન્દ્રોમાં ૧૦૧૪૦ ઉમેદવારો પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના છે.

પરીક્ષા આપવા આવતા ઉમેદવારોનું પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. મહિલાઓનું મહિલા પોલીસકર્મી દ્વારા ગરિમાપૂર્ણ રીતે ચેકિંગ કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક ગેઝેટ જેવા કે, મોબાઈલ, બ્લુટૂથ, સ્માર્ટ વોચ, કેમેરા, લેપટોપ જેવા ગેજેટ પરીક્ષા ખંડમાં લઇ જવાના નથી. પરીક્ષા કેન્દ્રો પર ફરજમાં રોકાયેલા કર્મચારી પણ મોબાઈલ ફોન લઈ જઇ શકશે નહિ. ઉમેદવારો બ્લ્યુ/ કાળી પેન, કોલ લેટર અને સરકાર માન્ય ઓળખપત્ર વર્ગખંડમાં લઇ જઇ શકશે. પરીક્ષાર્થી ૧૨ : ૧૦ વાગ્યા સુધીમાં પોતાની બેઠક લઇ લે તે જરૂરી છે.ઉમેદવારોના માર્ગદર્શન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. લેન્ડ લાઇન નંબર ૦૨૮૩૩-૨૩૪૨૦૭ ઉપર ફોન કરી ઉમેદવારો માર્ગદર્શન મેળવી શકશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૫ રૂટ સુપરવાઇઝર તેમજ ૨ રિઝર્વ તથા ૧૫ આસીસ્ટન્ટ રૂટ સુપરવાઇઝર અને ૨ રિઝર્વની પણ નિયુક્તિ કરવામાં આવી છે. સમગ્ર પરીક્ષા પ્રક્રીયાનું સીસીટીવી દ્વારા નિરીક્ષણ, ફ્લાઇંગ સ્ક્વોર્ડ ઉપરાંત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ મોનિટરિંગ કરવાના છે.
વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા જાહેર પરીક્ષામાં થતી ગેરરીતિ અને પ્રશ્નપત્ર ફૂટી જતું અટકાવવા અને તેની સામે કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત જાહેર પરીક્ષા ( ગેરરીતિ અટકાવવા બાબત) અધિનિયમ, ૨૦૨૩ તા. ૧૪/૦૨/૨૦૨૩ થી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. આ કાયદા અંતર્ગત જો કોઈ વ્યક્તિ ગુનો કરશે તો તેને જુદી જુદી કલમોની જોગવાઈ મુજબ ૩ વર્ષથી ૧૦ વર્ષ સુધી કેદ અને / અથવા એક લાખથી એક કરોડ સુધીના દંડની શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે.

પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટરના વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ દુકાનો ૦૯:૩૦ થી ૧૪:૩૦ કલાક સુધી બંધ રહેશે તેમજ ખોદકામ ઉપર તા. ૦૭/૦૪/૨૦૨૩થી તા. ૦૯/૦૪/૨૦૨૩ સુધી પ્રતિબંધ રહેશે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પરીક્ષા આપવા આવતા તમામ ઉમેદવારો નિશ્ચિંત અને નિર્ભિક બનીને પરીક્ષા આપે તેવી અપીલ કરતા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ સફળતા માટેની શુભકામનાઓ પણ આપી છે.




