જામનગર અપડેટ્સ: દેશમાં સરકારી પદો થતી ભરતી પ્રક્રિયા ક્યાંકને ક્યાંક વિવાદમાં આવતી રહી છે. ત્યારે હવે દેશની સરક્ષણ પાંખમાં પણ ભરતી પ્રક્રિયામાં ગોબાચારી આચરી નોકરી મેળવી લેવાઈ હોવાની ફરિયાદ ઓખા કોસ્ટ ગાર્ડમાંથી સામે આવી છે. હરિયાણાના એક યુવાને અન્ય યુવાનને ૨૦ હજાર રૂપિયા આપી પરીક્ષામાં બેસાડી, પાસ થઇ નોકરી મેળવી લીધી હોવાની વિગતો સામે આવતા ઓખા મરીન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. દેશની સુરક્ષા માટે મહત્વ પૂર્ણ એવી કોસ્ટ ગાર્ડ યુનિટમાં સામે આવેલ ભરતીમાં ગોબાચારીને લઈને ઓખા મરીન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા ખાતે આવેલ કોસ્ટ ગાર્ડ એજન્સીમાં નોકરી મેળવવા એક સખ્સ દ્વારા આચરવામાં આવેલ ગોબાચારી સામે આવી છે. આ બનાવ અંગે કોસ્ટ ગાર્ડના અધિકારી સમીર દેવચરન લાગુરીએ ઓખા મરીન પોલીસ દફ્તમાં વિધિવત ફરિયાદ દાખલ કરાવી છે. જેની વિગતો મુજબ તા.૨૬/૦૩/૨૦૨૫ થી તા.૦૩/૦૬/૨૦૨પ દરમ્યાનમાં ઓખા ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન હેડકવાર્ટર નં.૧પમાં ફરજ બજાવનાર સતીશ જાપાન નામના હરિયાણાના જુલના જીલ્લાના સખ્સે પોતાની જે પોસ્ટ છે તે એમટીડીઓજીની નોકરી મેળવવા માટે હરિયાણાના નીવાલી ખાતે રહેતા મનીષકુમારને રૂપિયા ૨૦ હજાર આપી પોતાની જગ્યાએ તેઓને પરીક્ષામાં બેસાડી પાસ થઇ નોકરી મેળવી લીધી હોવાની જાણ સ્થાનિક કોસ્ટગાર્ડને થઇ હતી. ત્યારબાદ તપાસ કરતા તથ્યો સામે આવ્યા હતા. જેને લઈને કોસ્ટ ગાર્ડના જવાબદાર અધિકારી સમીરએ બંને સખ્સો સામે ઓખા મરીન પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. આરોપી સતીશે રૂપિયા આપી મનીષકુમાર પાસે પરિક્ષા અપાવી, એમ.ટી.ડી ઓ.જી. ની પરિક્ષામાં પાસ થઇ પોતાના અંગત લાભ માટે નોકરી મેળવવા ગુનાહીત કાવતરુ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા છેતરપીંડી કરી નુકશાન પહોંચાડવાના ઇરાદાથી ખોટા બનાવટી દસ્તાવેજો ઉભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા સબબ ઓખા મરીન પોલીસે બંને સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨), ૩૧૯(૨), ૩(૫), ૬૧ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે નોકરી મેળવનાર શખ્સને પકડી પાડવા તજવીજ શરુ કરી છે જયારે આ પ્રકરણની તપાસ હરિયાણા સુધી પણ લંબાશે એવું પણ જાણવા મળ્યું છે. તાજેતરમાં એટીએસ દ્વારા ઓખા મંડળમાં કોસ્ટ ગાર્ડની જાસુસી કરતા એક શખ્સને પકડી પાડ્યો હતો ત્યારે આવી રીતે નોકરી મેળવી દુશ્મન દેશ સુરક્ષા એજન્સીમાં જાસુસને ઘુસાડે તો કેવી સ્થિતિ પેદા થાય એ સવાલ અસ્થાને છે ત્યારે નોકરીની શરૂઆતમાં જ ઓખા કોસ્ટ ગાર્ડની તપાસમાં ઉમેદવારની નોકરી મેળવવામાં ગોબાચારી ઉઘાડી પડી છે.