જામનગર અપડેટ્સ: દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા નજીક કોટડીયા ગામ પાસે સસરા અને સાઢુભાઈએ મોટરસાયકલથી પીછો કરી બાઈક પર જતા યુવાનને આંતરી લઇ હુમલો કરવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવાને ખંભાલીયા પોલીસ દફતરમાં પોતાના સસરા અને સાઢુભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં હુમલાનો પ્રયાસ અને ધાક ધમકી અંગેનું કારણ સામે આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના સુતારીયા ગામે રહેતા સાગર અરવિંદભાઈ ગોસાઈ ગત તા.૧/૦૬/૨૦૨૫ના રોજ બપોરે સાડા બારેક વાગ્યે પોતાની મોટરસાયકલ લઇ મિત્ર હેમત બારડ સાથે ખંભાલીયાથી પરત પોતાના ગામ સુતારીયા જતા હતા ત્યારે ભાણખોખરી ગામના પાટિયા પાસેથી તેના સસરા એવા જામનગર તાલુકાના બેડ ગામે રહેતા પ્રભાતગર વિરગર ગોસ્વામી અને તેનો ખાવડી ગામે રહેતો જમાઈ મનીષગર અરવિંદગર મેઘનાથીએ મોટરસાયકલ સાથે સાગરનો પીછો કર્યો હતો. દરમિયાન ભાણખોખરી ગામના પાટિયાથી કોટડીયા ગામના પાટિયા વચ્ચે બંને આરોપીઓએ સાગરના બાઈક સુધી પહોચી જઈ, સાગરના સસરાએ લાકડાનો ધોકો ઉગામી મારવાનો પ્રયાસ કર્યો હતો અને જેમતેમ બોલી બીભત્સ વાણીવિલાસ કર્યો હતો. ત્યારબાદ પરિસ્થિતિ પામી ગયેલ સાગરે તુરંત મોટર સાયકલ કોટડીયા ગામ વાળા રસ્તે વાળી સુતરીયા ગામ તરફ મારી મૂકી હતી. ત્યારબાદ સાંજે સાગરના સાળા કીશનગર પ્રભાતગર ગૈાસ્વામી રહે-ગામ-બેડ,જી.-જામનગર વાળાએ સાગરના મિત્ર હેમતને ફોન કરી બોલાચાલી કરી ઝઘડો કરી સાગરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે સાગરના સસરા, સાળા અને સાઢુભાઈ સામે ખંભાલીયા પોલીસ દફતરમાં ભારતીય ન્યાય સંહિતા .કલમ ૧૧૫(૨),૩૫૨,૩૫૧(૩),૫૪,તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી. પોતાની પત્ની સાથે લાંબી વિચારણા કર્યા બાદ ઘટનાના બે દિવસ બાદ સાગરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવ બનવા પાછળનું કારણ ફરિયાદમાં નોધાયેલ વિગત મુજબ, સાગરે બે વર્ષ પૂર્વે બેડ ગામે રહેતા આરોપી પ્રભાતગર ગોસ્વામીની પુત્રી અલ્પા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. પરિવારથી વિરુદ્ધ જઈ થયેલ આ લગ્ન સબંધ અલપાના પરિવારને મંજુર ન હતો. થોડો સમય બહાર રહ્યા બાદ સાગર છેલ્લા નવેક મહિનાથી સુતારીયા ગામે પરત આવી ગયો છે. આ બાબતની જાણ થતા સાગરને પાઠ ભણાવવા માટે સસરા અને સાઢુભાઈએ ચાર દિવસ પૂર્વે ખંભાલીયા આવી સાગરનો પીછો કરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.