જામનગરમાં ડિફેન્સ કોલોનીમાં રહેતી અને ખાનગી નોકરી કરતી સ્વરૂપવાન યુવતિ ગુમ થયાની પોલીસ દફતરે જાણવા જોગ નોંધાવવામાં આવી છે. બે દિવસ પૂર્વે ગુમ થઇ ગયેલ યુવતિના મોબાઇલ નંબરના આધારે પોલીસે તેની ભાળ મેળવવા કવાયત હાથ ધરી છે. જયારે કાલાવડ પંથકમાં બે યુવતિ ગુમ થયાની પોલીસ દફતરે નોંધ લખાવવામાં આવી છે. મીઠી વિરડી ગામની યુવતિ કારખાને નોકરી કરવા જવાનું કહી નિકળી ગયા બાદ પરત ઘરે ફરી નથી. જ્યારે ભીમાનુગામની યુવતિ નદીએ કપડા ધોવા ગયા બાદ પરત ફરી નથી. આ યુવતિ રાજકોટના શખ્સ સાથે ભાગી ગઇ હોવાની શંકા દર્શાવવામાં આવી છે.
કાલાવડ પંથકમાં બે યુવતિ ગુમ થયા બાદ જામનગર શહેરમાંથી વધુ એક યુવતિ ગુમ થયાની વિગતો સામે આવી છે. આ બાબતે સિટી સી ડિવિઝન પોલીસ દફતરમાં જાણવા જોગ નોંધાઇ છે. જેની વિગત મુજબ શહેરમાં વુલનમિલ પાસે આવેલ ડિફેન્સ કોલોનીના રામ મંદિરની બાજુમાં રહેતી છાયાબેન વિષ્ણુભાઇ કોઠિયા (ઉ.વ.25) નામની અપરણીત યુવતિ બે દિવસ પૂર્વે ઘરેથી નિકળ્યા બાદ પરત ન ફરતા ક્યાંક ગુમ થઇ ગઇ હતી. ખાનગી નોકરી કરતી યુવતિ અંગે પોલીસે જાણવા જોગ નોંધી છે. સ્વરૂપવાન અને મજબુત બાંધાની યુવતિની ભાળ મેળવવા પોલીસ દ્વારા તેણીના મોબાઇલ નંબરના આધારે તપાસ હાથ ધરી છે.
કાલાવડ તાલુકાના ભીમાનુગામે રહેતાં અશોક લખમણભાઇ માલા નામના યુવાને પોતાની બહેન જલ્પા (ઉ.વ.22) ગત્ તા.26/11 ના રોજ સવારે 11 વાગ્યે પોતાના ઘરેથી નદીએ કપડા ધોવા ગયા બાદ પરત ફરી ન હતી. તેણીની રાજકોટમાં ત્રિશુલ ચોકમાં રહેતાં યશ નિલેશભાઇ મકવાણા નામના શખ્સ સાથે ભાગી ગઇ હોવાની શંકા દર્શાવવામાં આવી છે. આ બાબતે અશોકભાઇએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં પોતાની બહેન ગુમ થયાની નોંધ લખાવી હતી. વાને રૂપાડી અને સાડા પાંચ ફૂટની ઉંચાઇ ધરાવતી, લાલ તથા કાળા કલરનો ડ્રેસ પહેરેલ યુવતિની ભાળ મળે તો કાલાવડ ગ્રામ્ય પોલીમાં જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
જ્યારે કાલાવડ તાલુકાના મીઠી વિરડી ગામે રહેતી કોમલબેન કાનજીભાઇ વડુકર (ઉ.વ.20) નામની યુવતિ ગત્ તા.15મીના રોજ સવારે આઠેક વાગ્યે પોતાની ઘરેથી દોરાના કારખાને નોકરીએ જાવ છું તેમ કહી નિકળી ગયા બાદ પરત ઘરે ફરી ન હતી. શરીરે પાતળા બાંધાની અને રંગે ગોરી તથા એક હાથમાં ‘કે’ ત્રોફાવેલ અને શરીરે લાલ કલરનું સ્વેટર અને લીલા કલરની કૂર્તી પહેરેલ યુવતિ અંગેની કાલાવડ ટાઉન પોલીસમાં ગુમનોંધ લખાવવામાં આવી છે.