હાલારના આ ધારાસભ્યો સામે છે ક્રિમિનલ કેસ પેન્ડિંગ, ક્યાં MLA સામે કેવા કેસ, જાણો

0
1521

જામનગર અપડેટ્સ :હાલારના બંને જિલ્લાઓના ત્રણ ધારાસભ્યો સામે આઇપીસી કલમો મુજબ જુદી જુદી અદાલતોમાં કેસ ચાલી રહ્યા હોવાની વિગતો સામે આવી છે. જેમાં સૌથી વધુ ત્રણ કેસ હાલના પૂરવઠ્ઠા મંત્રી હકૂભા જાડેજા સામે છે. જ્યારે રાઘવજી પટેલ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ સામે પણ વર્ષ ૨૦૦૮માં મેઘપર પોલીસ દફ્તરમાં નોંધાયેલ કેસ હજુ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હાઈકોર્ટે ધારાસભ્યો અને સાંસદો સામેના કેસ રોજ ચલાવવાની જાહેરાત કરી છે. જેને લઈને આગામી સમયમાં હાલારના ત્રણેય ધારાસભ્યો સામેના કેસો અદાલતની એરણ પર આવશે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે રાજ્યના વર્તમાન તેમજ પૂર્વ સાંસદો અને ધારાસભ્યોએ સામેના પેન્ડિંગ ક્રિમિનલ કેસો દરરોજ સુનાવણી થાય તે રીતે જલ્દી નિકાલ કરવાનો આદેશ કર્યો છે. જેને લઈને વધુ એક વખત રાજકીય નેતાઓ ચર્ચામાં આવ્યા છે. હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધારાસભ્યોની વાત કરવામાં આવે તો વર્તમાન ત્રણ ધારાસભ્યો સામે જુદી જુદી અદલતોમાં જુદી જુદી ધારાઓ અંગેના કેસો પેન્ડિંગ છે. જેમાં જામનગરમાં રહેતા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સામે લાલપુર તાલુકાના મેઘપર પોલીસ દફ્તરમાં આઇપીસી કલમ ૩૪૧,૧૪૩મુજબનો વર્ષ ૨૦૦૮નો કેસ પેન્ડિંગ છે. આ કેસમાં છ મહિનાની સજાની જોગવાઈ છે. આ કેસમાં વર્ષ ૨૦૧૩ના સપ્ટેમ્બર માસમાં મેઘપર પોલીસ દફ્તર દ્વારા ચાર્જશીટ ફાઇલિંગ કરવામાં આવ્યું છે. જ્યારે ગત વર્ષે માર્ચ મહિનામાં આ કેસમાં ચાર્જ ફ્રેમ કરાયું છે.
જ્યારે જામનગર-૭૮ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને હાલના અન્ન અને નાગરિક પૂરવઠ્ઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકૂભા) સામે વર્ષ ૨૦૧૨માં સિટી એ ડિવિઝન પોલીસ દફ્તરમાં આઈપીસી કલમ ૧૮૮, ૧૪૩, ૧૪૫, ૧૪૭,૧૪૯ મુજબ બે વર્ષની સજાની પ્રવધાન ધરાવતો ગુન્હો નોંધાયો છે. આ ગુન્હો હાલ જામનગર ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં પેન્ડિંગ છે. આ કેસમાં વર્ષ ૨૦૧૩માં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું છે. જ્યારે વર્ષ ૨૦૧૫માં ચાર્જ ફ્રેમ કરાયો હતો. આ કેસ ઉપરાંત રાજ્યમંત્રી સામે વર્ષ ૨૦૦૮માં મેઘપર પોલીસ દફ્તરમાં આઈપીસી કલમ ૩૪૧,૧૪૩ મુજબની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં વર્ષ ૨૦૧૩ના સપ્ટેમ્બર માસમાં મેઘપર પોલીસ દફ્તર દ્વારા ચાર્જશીટ ફાઇલિંગ કરવામાં આવ્યું છે. જ્યારે ગત વર્ષે માર્ચ મહિનામાં આ કેસમાં ચાર્જ ફ્રેમ કરાયું છે.
જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મંત્રી હકૂભા સામે એક કેસ નોંધાયો છે. જેમાં વર્ષ ૨૦૦૭માં ખંભાળીયા પોલીસ દફ્તરમાં આઇપીસી કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૪૧,૩૩૨,૩૨૩,૪૨૭,૫૦૬(૨) તેમજ બીપી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ છે. સાત વર્ષની સજાની જોગવાઈ ધરાવતા આ ગુન્હામાં વર્ષ ૨૦૦૮માં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું છે. જ્યારે વર્ષ ૨૦૧૭માં ચાર્જ ફ્રેમ કરાયું છે. આ કેસમાં મંત્રી સામે અરેસ્ટ વોરંટ પણ નિકળ્યું હોવાનું સામે આવ્યું છે.

જ્યારે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ધારાસભ્ય રાઘવજી પટેલ સામે હાલ બે ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે. જેમાં વર્ષ ૨૦૦૮માં ઉપરોક્ત બંને ધારાસભ્યોની સાથે રાઘવજી પટેલ સામે પણ મેઘપર પોલીસ દફ્તરમાં આઈપીસી કલમ ૩૪૧,૧૪૩મુજબ છ માસની સજાનું પ્રાવધાન ધરાવતો ગુન્હો નોંધાયો હતો. જ્યારે વર્ષ ૨૦૦૭માં ધારાસભ્ય પટેલ સામે ધ્રોલ પોલીસ દફ્તરમાં પબ્લિક પ્રોપર્ટીને નુકશાન પહોચડવા બદલ તેમજ આઇપીસી કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૮૬,૧૮૯,૩૫૩,૪૫૨,૫૦૪ મુજબની ધારાઓ પ્રમાણે સાત વર્ષની જોગવાઈ ધરાવતો ગુન્હો હાલ પ્રિન્સીપલ સિવિલ જજ અને જેએનએફસી ધ્રોલમાં પેન્ડિંગ છે. આ કેસમાં વર્ષ ૨૦૦૮માં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું છે. જ્યારે વર્ષ ૨૦૦૯માં ચાર્જફ્રેમ કરાયું છે. આ કેસ અંતિમ દલીલોમાં હોવાની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. 
સાભાર : સાંજ સમાચાર

NO COMMENTS